Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

નહેરૂનગરમાં રંગે રમતાં યુવાનને બે શખ્‍સે દારૂની સલાહ કરી કહ્યું તારે ન પીવો હોય તો છોકરીઓને મોકલઃ પાંચ વાહનોમાં તોડફોડ

ધૂળેટી પર્વમાં રંગીલા રાજકોટમાં દોઢ ડઝન બઘડાટીઃ ધોકા, પાઇપ, છરી, ગુપ્‍તી, પથ્‍થરોના ઘા Ñ નાના મવા નહેરૂનગર પ્રાઇવેટમાં કાર લઇને આવેલા કરણ અને પથુભાએ ધમાલ મચાવીઃ રંગે રમી રહેલા વિરભુષણભાઇ ત્રિવેદીના પરિવાર સાથે ડખ્‍ખો કર્યોઃ ઘરમાં ઘુસી તોડફોડ કરી ગુપ્‍તીથી બેને ઘાયલ કર્યાઃ રામાપીર ચોકડીએ ધૂળેટી રમી જમવા જઇ રહેલા બે મિત્રો પર શેરડીથી હુમલોઃ ચુનારાવાડ, કોઠારીયા રોડ, આંબેડકરનગર, કાલાવડ રોડ, બજરંગવાડી, સર્વોદય, પારેવડા, નવાગામ, રૈયાધાર, સંજયનગર, લક્ષમણ ટાઉનશીપ, પુનિતનગર, માધાપર ચોકડી, ઘનશ્‍યામનગર સહિતના સ્‍થળોએ મારામારીઃ રંગ ઉડાડવા સહિતના અલગ અલગ કારણોસર ડખ્‍ખા

નાના મવા રોડ નહેરૂનગરમાં થયેલી મારામારીમાં વાહનોમાં અને ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: શહેરમાં રંગોના પર્વ ધૂળેટીની ઠેકઠેકાણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. જો કે આ ઉજવણીની સાથે સાથે રંગે રમતી વખતે અને બીજા જુદા જુદા કારણોસર મારામારી બઘડાટીની પણ દોઢ ડઝન જેટલી ઘટનાઓ બની હતી. જેમાં ધોકા, પાઇપ, છરી, ગુપ્‍તી અને પથ્‍થરો ઉડયા હતાં. મોટા ભાગના ઘાયલોએ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી અને જે તે પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફે તેમની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

નહેરૂનગરમાં ધબધબાટીઃ વાહનોમાં તોડફોડ

પ્રથમ બનાવમા નાના મવા રોડ નેહરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૨માં ધૂળેટી રમી રહેલા પરિવારજનો સાથે આ વિસ્‍તારના જ બે શખ્‍સોએ કારમાં આવી રંગે રમી રહેલા પરિવારના દિકરાને દારૂ પીવા બોલાવતાં તેણે ના પાડતાં આ બંનેએ માથાકુટ કરી છોકરીઓને કહો દારૂ પીવાનું' તેમ કહી એલફેલ બોલી ઝઘડો કરી કાર અને બે ટુવ્‍હીલરમાં તોડફોડ કરી તેમજ ઘરમાં ઘુસી તોડફોડ કરી એક યુવાનને ગુપ્‍તીથી ઇજા કરતાં તેમજ મારી નાખવાની ધમકી આપતાં દેકારો મચી ગયો હતો. સામા પક્ષે આ શખ્‍સની કારમાં પણ તોડફોડ કરી પાઇપથી માર મારવામાં આવતાં સામ-સામી ફરિયાદ થઇ હતી.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે નેહરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૨ મહાકાળી કૃપામાં રહેતાં અને નોકરી કરતાં વિરભુષણભાઇ કાંતિભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી કરણ બોરીચા, પથુભા સહિત વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. વિરભુષણભાઇએ જણાવ્‍યું હતું કે હોળીનો તહેવાર હોઇ બપોરે પોણા ત્રણેક વાગ્‍યે હુંમારા પત્‍નિ, બે દિકરા, મારા સાળા તેજસભાઇ, તેના પતિન સુનિતાબેન, સાળાનો ભાણેજ ધવલ એમ બધા શેરીમાં રંગે રમતાં હતાં.

આ વખતે  આઇ-૨૦ કાર આવી હતી અને તેનો કાચ ખોલાતાં અંદર ચાલક તરીકે રણ બોરીચા તથા બાજુમાં પથુભા નામનો છોકરો બેઠો હતો. કરણે મારા દિકરા કોૈશિકને બોલાવતાં તે ત્‍યાં ગયો હતો. આ વખતે બંનેએ મારા દિકરાને દારૂ પીવાનું કહેતાં તેણે ના પાડતાં મારા સાળા ત્‍યાં જતાં તેને પણ આ બંને સાથે વાતચીત થતાં અને દારૂ પીવાની ના પાડતાં કરણ અને પથુભાએ તો છોકરીઓને કહો દારૂ પીવાનું' તેમ કહેતાં મારા સાળાએ આવુ બોલવાની ના પાડતાં બંનેએ ઉશ્‍કેરાઇ જઇ ઝઘડો કરી શેરીમાં રાખેલી રિક્ષા, ફ્રન્‍ટી કાર, જ્‍યુબીટર ટુવ્‍હીલર અને બેટરીવાળા બાઇકમાં તોડફોડ કરી હતી અને જતાં રહ્યા હતાં.

થોડીવાર પછી આ બંને ગુપ્‍તી સાથે આવ્‍યા હતાં અને ઘરમાં ઘુસી તોડફોડ કરી સાળાના ભાણેજ ધવલને હાથમાં ગુપ્‍તીથી ઇજા કરી હતી. તેમજ મારી દિકરી પલકને પણ ઇજા પહોંચાડી હતી. જતાં જતાં આ બંનેએ જો ફરિયાદ કરશો તો મારી નાખશુ તેવી ધમકી આપી હતી. એ પછી અમે પોલીસને ફોન કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

સામા પક્ષે પોલીસે નેહરૂનગર-૫માં રહેતાં કરણના માતા ભાવનાબેન જલુભાઇ કુંભરવાડીયા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી કોૈશિક, તેના પિતા અને તેના સગા વિરૂધધ ગુનો નોંધ્‍યો હતો. ભાવનાબેને જણાવ્‍યું હતું કે ધૂળેટીની બપોરે પોણા ત્રણેક વાગ્‍યે હું ઘર બહાર હતી ત્‍યારે શેરીમાં દોડાદોડી થતાં હું ત્‍યાં જોવા જતાં મારો દિકરા કરણ (ઉ.વ.૨૪)ની આઇ-૨૦ કાર જોવા મળી હતી. હું ત્‍યાં જતાં કરણ અને પથુભા એમ બંને સાથે કોૈશિક, તેના પિતા સહિતના લોકો હોળી રમવા બાબતે ઝઘડો કરતાં હતાં. મારા દિકરા અને તેના મિત્ર પથુભાને  આ લોકોએ મારી નાંખવાની ધમકી આપી મારકુટ કરી હતી. જેમાં કોૈશિકે પથ્‍થરનો ઘા કરતાં મારા દિકરાને ઇજા થઇ હતી. તેમજ પાઇપથી માર મારી દિકરાની કારમાં પણ તોડફોડ કરવામાં આવતાં મેં પોલીસને જાણ કરી હતી.

મારા દિકરા કરણને ઝઘડાનું કારણ પુછતાં તેણે કહેલું કે હું એ લોકોની દિકરીની છેડતી કરુ છું એવો આરોપ મુકી મારા પર હુમલો થયો છે. એએસઆઇ કે. યુ. વાળાએ બંને ફરિયાદ નોંધી હતી.

અવધ પાસે રિક્ષા આંતરી કાળીયા-ધોળીયાએ મહિલાને માર માર્યો

બીજા બનાવમાં કાલાવડ રોડ પર ઇસ્‍કોન મંદિર પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના રૂડા-૩ ક્‍વાર્ટર નં. ૭૯માં રહેતાં અફરોઝબેન (ફરહીનબેન) ઇલ્‍યાસભાઇ અરબીયાણી (ઉ.વ.૩૫)ને પોતે કાલાવડ રોડ અવધ રોડ ડેકોરા પાસે હતી ત્‍યારે અહિ ડેકરો પાસે ચાર માળીયા આરએમસી ક્‍વાર્ટરમાં રહેતાં વિજય ઉર્ફ કાળીયો સોલંકી અને પરિમલ ઉર્ફ ધોળીયોએ મળીઝપાઝપી કરી ધક્કો મારી પછાડી દઇ છોકરાવને મારવાની ધમકી આપતાં યુનિવર્સિટીના ઇકબાલભાઇએ બંને વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

અફરોઝબેન મીનરલ વોટરનો ધંધો કરતાં હોઇ પાણીની ખાલી બોટલો રિક્ષામાં ભરી રિક્ષાચાલક પૃથ્‍વીભાઇ સાંગલાણી સાથે બોટલો બદલવા જતાં હતાં ત્‍યારે કાળીયા અને ધોળીયાએ બાઇક પર આવી રિક્ષા ડ્રાઇવર પૃથ્‍વીભાઇની મશ્‍કરી કરતાં બંનેને આવુ કરવાની ના પાડતાં ગાળો દઇ મારામારી કરી પોલીસને ફરિયાદ કરીશ તો તારા દિકરાને જીવતો નહિ રહેવા દઉ તેમ કહી ધમકી આપ્‍યાનું ફરિયાદમાં જણાવાયું છે.

મશ્‍કરીની ના પાડતાં લક્ષમણ ટાઉનશીપના સાવનને છરી ઝીંકાઇ

ત્રીજા બનાવમાં મવડી અંબીકા ટાઉનશીપ નજીક લક્ષમણ ટાઉનશીપ બ્‍લોક નં. ૪૦૯માં રહેતાં સાવન જયસુખભાઇ ગોહીલ (ઉ.૨૨)ને ધૂળેટીની સાંજે ઘર પાસે શ્‍યામ પાન નામની દૂકાન નજીક હતો ત્‍યારે તેની ટાઉનશીપમાં જ રહેતાં ગોવિંદ પાટીલ અને વિશાલ પાટીલે ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરીથી જમણા પગે ઇજા કરતાં સારવાર લેવી પડી હતી. તાલુકા એએસઆઇ ડી. વી. ખાંભલાએ ગુનો નોંધ્‍યો હતો. સાવન પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે વિશાલ મારી મજાક મશ્‍કરી કરતો હોઇ જેથી મેં ગોવિંદ પાટીલને ફોન કરી કહેલું કે તું તારા ભાઇ વિશાલને સમજાવી દે એ મારી મશ્‍કરી કરે છે. આ પછી ગોવિંદ આવેલો અને તું કેમ મારા ભાઇને દબાવે છે? કહી ઝઘડો કરી બંને ભાઇ તૂટી પડયા હતાં.

પુનિતનગરમાં રૂપિયાના ડખ્‍ખામાં યશ પર હુમલો

ચોથા બનાવમાં ગોંડલ રોડ પુનિતનગર-૯ પાણીના ટાંકા પાસે રહેતાં રિક્ષાચાલક યશ રસિકભાઇ બકરાણીયા (ઉ.વ.૨૩)ને ધૂળેટીની સાંજે ઘર નજીક વિશ્વકર્મા સોસાયટી બાલાજી પાન પાસે હતો ત્‍યારે સુરેશ તેજાભાઇ શીશા અને લાડુએ આવી ધોકાથી તથા છરીથી હુમલો કરી ડાબા પગ અને હાથમાં ઇજા પહોંચાડતાં સારવાર લીધી હતી. તાલુકા પીએસઆઇ પી. પી. ચાવડાએ ગુનો નોંધ્‍યો હતો. યશે જણાવ્‍યું હતું કે મારી પાસે સુરેશ રૂપિયા માંગતો હોઇ તેની ઉઘરાણી કરતાં તે બાબતે બોલાચાલી થતાં ગાળો દઇ પોતાના પર હુમલો કરાયો હતો.

માધાપર ચોકડીએ કારમાં મુસાફર ભરવાના ડખ્‍ખામાં મનિષ પર હુમલોઃ એટ્રોસીટી

પાંચમા બનાવમાં જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાછળ સરકારી સ્‍કૂલની સામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં મનિષભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૩૨)ને ધૂળેટીની રાતે માધાપર ચોકડીએ પડધરી જવાના રસ્‍તે રોડ સાઇડમાં પોતાની ઇકો ગાડી લઇને ઉભો હતો ત્‍યારે પડધરીના મોટા રામપરના જયંતિ ભોજાણીએ ઝઘડો કરી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરી લઇ મારવા દોડતાં ગાંધીગ્રામ પોલીસે એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

મનિષ અને જયંતિ બંને એક બીજાને દસ વર્ષથી ઓળખે છે અને બંને રાજકોટ-જામનગર પાટે ઇકો ગાડીના ફેરા કરે છે. ત્રણ દિવસ પહેલા મુસાફર ભરવા મામલે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી ધૂળેટીની રાતે જયંતિએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

ફળીયામાંથી રંગ સાફ કરવાનું કહી સોનલબેને કાકાજીએ દસ્‍તો માર્યો

છઠ્ઠા બનાવમાં મારામારીના બનાવમાં કોઠારીયા રોડ ઘનશ્‍યામનગર-૮માં રહેતાં સોનલબેન સનીભાઇ સરવૈયા (ઉ.વ.૨૫)ને બાજુમાં જ રહેતાં કાકાજી સસરા ગોવિંદભાઇ ભીખાભાઇ સરવૈયાએ લોખંડના દસ્‍તાથી હુમલો કરી માથા પાછળ ઇજા કરતાં ભક્‍તિનગર પોલીસ મથકના પીએસઆઇ પી. જી. રોહડીયાએ ગુનો નોંધ્‍યો હતો. ઘરના ફળીયામાં ધૂળેટીનો રંગ ઉડયો હોઇ તે સાફ કરી નાખવાનું કહી કાકાજીએ માથાકુટ કરી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.

મારામારીની અન્‍ય ઘટનાઓ

અન્‍ય બનાવોની વિગત આ મુજબ છે. સાતમા બનાવમાં રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં  ધવલ પ્રવિણભાઇ જાદવ (ઉ.વ.૨૦) અને તેનો મિત્ર આકાશ જીવાભાઇ વારંગીયા (ઉ.વ.૨૧) ધૂળેટી રમીને બપોરે રામાપીર ચોકડીએ દેવજીવન હોટેલ ખાતે જમવા જતાં હોઇ ત્‍યાં બાઇકને વળાંક વાળતાં ત્‍યાં રંગે રમી રહેલા શખ્‍સોના વાહનો આડા પડયા હોઇ દુર લેવાનું કહેતાં શેરડીના સાંઠાથી હુમલો કરાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના ઇકબાલભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. ધવલ જાદવે જણાવ્‍યું હતું કે પોતે અને મિત્ર અકાશ જમવા જતાં હતાં ત્‍યારે વાહનો આડે હોઇ તે દુર લેવાનું કહેતાં નવઘણ ભરવાડ, વિક્રમ સોહલા અને જયુ સાંગડીયાએ શેરડીના સાંઠાથી માર માર્યો હતો.

આઠમા બનાવમાં ચુનારાવાડ-૨માં રહેતાં કુલદિપ દિનેશભાઇ નંદેસરા (ઉ.૨૨)ને તે ધુળેટી રમીને ઘરે જતો હતો ત્‍યારે ઘર નજીક પરાગ, સાહિલ, વિજય સહિે છરીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલમાં ખસેડાતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

નવમા બનાવમાં કોઠારીયા રોડ નંદા હોલ પાસે મિનાક્ષી સોસાયટીમાં રહેતાં સાગર વલ્લભભાઇ ભટ્ટ (ઉ.૩૫)ને ધુળેટીની બપોરે ઘર નજીક જસ્‍મીન ટાંક સહિતે કોઇ સાધનથી માર મારતાં માથામાં ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. સાગર ધૂળેટી રમીને ઘર પાસે ઉભો હતો ત્‍યારે માથાકુટ થતાં આ હુમલો થયો હતો.

દસમા બનાવમાં ગોકુલધામ પાસે આંબેડકરનગર-૧૦માં રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ યુપીના દિપક ગજોધર ચમાર (ઉ.૨૫) અને તેના ભાઇ કરણ ગજોધર ચમાર (ઉ.૩૫)ને ત્‍યાં જ રહેતાં મુળ યુપીના રાહુલ સહિતે પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. રાહુલના ઘરે આવેલા મહેમાન ચાલીને નીકળતાં દિપક કપડા ધોઇ રહ્યો હોઇ તેના પર પગ મુકાઇ જતાં આ માથાકુટ થઇ હતી.

અગિયારમા બનાવમાં કાલાવડ રોડ આત્‍મીય કોલેજ પાસે શનિવારી ભરાય છે ત્‍યાં રહેતાં મુકેશ વિરસીંગ કટારા (ઉ.૨૫)ને જડ્ડુસ નજીક  મુકેશ અને અજાણ્‍યાએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. પ્‍લાસ્‍ટર કામની મજૂરી બાબતે માથાકુટ થતાં મારામારી થઇ હતી.

બારમા બનાવમાં બજરંગવાડીમાં ઉગતા પોરની મેલડી માતાના મંદિર પાસે ઝૂપડામાં રહેતાં હરેશ બહાદુરભાઇ સાડમીયા (ઉ.૨૦)ને  ઘર પાસે કમલેશ વાઘેલા તથા વનરાજ વાઘેલાએ ગાળો દઇ પાઇપથી ફટકારતાં સિવિલમાં દાખલ થતાં ગાંધીગ્રામના કોન્‍સ. મોન્‍ટુભાઇએ કાર્યવાહી હતી. હરેશે કહ્યું હતું કે કમલેશ મારા મામાનો દિકરો થાય છે અને તેને મકાન વેંચ્‍યું હોઇ તેના પૈસાની લેતીદેતી મામલે મારામારી થઇ હતી.

તેરમા બનાવમાં સર્વોદય સોસાયટી-૨માં હાર્દિક રમેશભાઇ ગોહેલ (ઉ.૨૩)ને જયેશે છરીથી ઇજા પહોંચાડતાં સિવિલમાં ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી. અજાણ્‍યા શખ્‍સોએ જયેશ સાથે ઝઘડો કર્યો હોઇ તેમાં હાર્દિક પણ સાથે હોવાનું સમજી હુમલો કરાયો હોવાનું જણાવાયું હતું.

ચોૈદમા બનાવમાં પારેવાડા ગામે રહેતાં સંજય કરસનભાઇ બામણીયા (ઉ.૧૪)ને જાલમનાથ અને સુલેમાને ગાળો દઇ લાકડીથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પંદરમા બનાવમાં નવાગામ રંગીલા મફતીયાપરામાં રહેતાં રાજુ રામુભાઇ સાડમીયા (ઉ.૪૦)ને પડોશી કિશોર બાબુભાઇ, વિજય બાબુભાઇએ ઝઘડો કરી પાઇપથી ફટકારતાં સારવાર માટે દાખલ થયો હતો.

સોળમાં બનાવમાં રૈયાધાર પાણીના ટાંકા સામે રહેતાં અને કલરકામની મજૂરી કરતાં કિશન અમરશીભાઇ વાઘેલા (ઉ.૨૫) બપોરે ઘર પાસે હતો ત્‍યારે સંજય બાબુભાઇ પરમાર અને ધમો કાળુભાઇ સોલંકીએ પથ્‍થરમારો કરી તેમજ લાકડાના ટુકડાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટીના હેડકોન્‍સ. ઇકબાલભાઇ મોરવાડીયાએ ગુનો નોંધ્‍યો હતો. કિશનને આ બંનેએ કારણ વગર ગાળો દેતાં ના પાડતાં હુમલો થયાનું જણાવાયું હતું.

સત્તરમાં બનાવમાં જામનગર રોડ સંજયનગર-૧માં રહેતો મોહિત સુરેશભાઇ ડોડીયા (ઉ.૩૫) ઘર પાસે હતો ત્‍યારે નજીકમાં માધો દેવીપુજક સહિતના ગાળો બોલતાં હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં લાકડાના ધોકાથી હુમલો કરી માર મારતાં સિવિલમાં દાખલ થયો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ, પરષોત્તમભાઇ, તોૈફિકભાઇએ જે તે પોલીસ સ્‍ટેશનોમાં એન્‍ટ્રી નોંધાવી હતી.

પ્રદ્યુમન હાઇટ્‍સ પાસે રિક્ષાવાળાએ કાવો માર્યો, ધ્‍યાન રાખવાનું કહેતાં ધોકા-બોટલોથી હુમલોઃ તેજસ જેઠવાને ઇજા

ઞ્જમાધાપર ચોકડીએ સુંદરમ્‌ પાર્કમાં રહેતો તેજસભાઇ મહિપતદાન વિઠુ (ઉ.વ.૨૭) નામનો વેપારી યુવાન તથા સાથે દિવ્‍યેશ ધીરજદાન ગઢવી ધૂળેટીના બપોરે ન્‍યારી ડેમ તરફ જવા બાઇક પર જતાં હતાં ત્‍યારે પુષ્‍કરધામ રોડ પદ્યુમન હાઇટ્‍સ પાસે પહોંચતા એક રિક્ષાચાલકે કાવો મારતાં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં તેમાંથી ઉતરેલા ત્રણ શખ્‍સોએ ઝઘડો કરી ધોકાથી માર મારી તેમજ કાચની બોટલો ફટકારી ઇજા કરતાં તેજસભાઇ લોહીલુહાણ થઇ જતાં અને સાથેના દિવ્‍યેશ ગઢવીને પણ ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી.વી. બાલાસરાએ તેની ફરિયાદ પરથી રિક્ષા નં. જીજે૦૩બીયુ-૨૬૩૩ના ચાલક અને ચાર અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. રિક્ષાવાળાએ ફોન કરતાં બે શખ્‍સ ટુવ્‍હીલર લઇને આવ્‍યા હતાં અને પાંચેયએ સાથે મળી પાઇપથી માર મારી ઢીકાપાટુ પણ માર્યા હતાં.

 

 

(3:25 pm IST)