Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટ પોલીસે મનાવ્‍યો મનભરી રંગોનો ત્‍યૌહાર : પોલીસ કમિશ્નરથી માંડી તાલીમી કર્મચારીઓ રંગોની છોળો વચ્‍ચે ખુબ ઝુમ્‍યા

રાજકોટ : ફાગણ ફોરમ તો આવ્‍યો.... રંગોના ત્‍યૌહાર હોળી અને ધુળેટીનો રંગ રાજકોટની જનતાને બરોબર ચડયો હતો, અબાલ વૃધ્‍ધ સૌ કોઇ મન અને હૃદયનો ભાર એક બાજુ મુકી હળવાશથી રંગેરમ્‍યા અને ભાત ભાતના ભોજનીયા આરોગી તૃપ્‍ત થયા હતા, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને જોઇન્‍ટ પોલીસ કમિશ્નર સૌરભ તોલંબીયાની ટીમ રાજકોટ પોલીસે' પણ ધુળેટીના રંગે રંગાયા વગર રહી ન હતી, પોલીસ હેડ કવાર્ટર સ્‍થિત વૃંદાવન ગાર્ડન ખાતે તમામ પોલીસ અધિકારીઓ અને તાલીમી પોલીસ કર્મચારીઓએ ફિલ્‍મી સ્‍ટાઇલની  હોળી ઉજવી હતી, ગાર્ડનમાં જેસીબીથી મોટો ખાડો કરી પ્‍લાસ્‍ટીક બીછાવી હોજ તૈયાર કરવામાં આવ્‍યો હતો જેમાં પાણી ભરી રંગો ઘોળવામાં આવ્‍યા હતા. સફેદ ટીશર્ટથી સજજ ટીમ પોલીસ કમિશ્નરે' એક બીજાને રંગોથી રંગીયા હતા તો તાલીમી યુવાઓએ એક બીજાને રંગદોળ્‍યા હતા ચારે કોર ડીજેના સથવારે પોલીસ કર્મચારીઓએ અને અધિકારીઓએ કેડરની લીમીટ  કોરાણે મુકી સૌ સરખા બની નૃત્‍ય અને ડાન્‍સની રમઝટ બોલાવી દીધી હતી. પ્રથમ તસ્‍વીરમાં  પાણી ભરેલા હોજમાં રંગોની છોળો વચ્‍ચે નાચી રહેલા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, બીજી તસ્‍વીરમાં એક બીજાને રંગોના પર્વની શુભેચ્‍છા રંગે રંગી પાઠવતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને જોઇન્‍ટ પોલીસ કમિશ્નર સૌરભ તોલંબીયા, ત્રીજી તસ્‍વીરમાં અત્‍યંત હળવા ફુલ બની રંગે રમી રહેલા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, નીચેની તસ્‍વીરમાં સૌરભ તોલંબીયા અને તેમનો પુત્ર હોળીની મસ્‍તીમાં નજરે પડે છે અને ત્‍યારપછીની તસ્‍વીરમાં પોલીસ કમિશ્નર અને જોઇન્‍ટ પોલીસ કમિશ્‍નર સાથે અન્‍ય અધિકારીઓ યાદગાર તસ્‍વીર ખેંચાવી રહેલા નજરે પડે છે. ત્‍યારબાદ પાણીની છોળો સાથે રંગો ઘોળતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ નજરે પડે છે.  તાલીમાર્થી મહિલા કર્મચારીઓએ પણ તાલીમનો બોજ બાજુએ મુકી ધુળેટી મનભેર માણી હતી. નીચેની બોટમ તસ્‍વીરોમાં ક્રાઇમબ્રાંચના વાય.બી. જાડેજા, પી.આઇ. એલ.એલ.ચાવડા સાથે ડી.જે.ના તાલ ઉપર ઝુમતા સાથી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ અંતિમ તસ્‍વીરમાં રંગોની મુઠી ભરી કોઇકને રંગવાની ફીરાકમાં પડેલા પી.આઇ. બી.ટી. ગોહીલ નજરે પડે છે. આમ સવારથી બપોર સુધી ભજીયા પાર્ટી, ડી.જે. અને રંગોની બૌછાર વચ્‍ચે ટીમ પોલીસ કમિશ્નરે ધુળેટી ઉજવી પર્વને ચાર ચાંદ લગાવી દીધા હતા.

 ઉજવણીમાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી સુધીર દેસાઈ, ડીસીપી પૂજા યાદવ, એસીપી જે.બી. ગઢવી, એસીપી વિશાલ રબારી, એસીપી બી.બી. બસીયા, એસીપી બી.વી. જાદવ, એસીપી બી.જે. ચૌધરી, ભાર્ગવ પંડયા, એમ.આર. શર્મા, પીઆઈ ક્રાઈમ બ્રાન્‍ચ વાય.બી. જાડેજા, બી.ટી. ગોહિલ, એલ.એલ. ચાવડા અને તમામ પોલીસ સ્‍ટેશન તેમજ બ્રાન્‍ચના અધિકારીઓ જોડાયા હતા. (ફોટો : સંદિપ બગથરીયા)

(1:29 pm IST)