Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

તોરણિયામાં ગુરૂ વંદના મહોત્‍સવ : લાખો ભાવિકો ઉમટશે

વિષ્‍ણુયાગ-શતચંડી યજ્ઞ : રપ૧ દિકરીઓના સમૂહ લગ્નઃ બારપોરા પાટોત્‍સવ, સવરા મંડપ મહોત્‍સવ : તા. પ-૬-૭ એપ્રિલ મહામહોત્‍સવઃ ભાવિકોને ઉમટવા પૂ. રાજેન્‍દ્રદાસબાપુનું આમંત્રણ : દેશભરના સંતો પધારશે

‘અકિલા' ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તોરણિયા નકલંક ધામના પૂ. રાજેન્‍દ્રદાસબાપુ, ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરના પૂ. રાધારમણજી, ખીરસરા સનાતન આશ્રમના પૂ. ભકિતસ્‍વામીજી વિગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ :  તોરણિયાધામમાં ધર્મકાર્યનો ગૌરવવંતો શંખનાદ થનાર છે. ત્રણ લાખથી વધારે ભાવિકો ઉમટવાના છે. પૂ. સંતશ્રી સેવાદાસબાપાની ૪૦ મી પૂણ્‍યતિથિ પ્રસંગે સદ્‌્‌ગુરુ વંદના મહામહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સમગ્ર મહોત્‍સવના મુખ્‍ય આયોજક નકલંકધામ તોરણિયા-હરિદ્વારના મહંતશ્રી તથા અખિલ ભારતીય સંત સમિતિના સૌરાષ્‍ટ્રના અધ્‍યક્ષ પૂ. રાજેન્‍દ્રદાસબાપુ આજે ‘અકિલા' કાર્યાલયે પધાર્યા  હતા. ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ પરંપરા પ્રમાણે ફુલહારથી પૂ. બાપુને વંદના કરી હતી. પૂ. રાજેન્‍દ્રદાસબાપુએ કહ્યું હતું કે, સમગ્ર મહોત્‍સવ ગુરૂશ્રી પૂ. કરસનદાસબાપુના અધ્‍યક્ષપદે યોજાશે. મહોત્‍સવનું આયોજન એપ્રિલ મહિનાની પ-૬-૭ તારીખે યોજાશે.

મહોત્‍સવ અન્‍વયે ત્રિદિવસીય વિષ્‍ણુયાગ, શત્‌ચંડીયજ્ઞ તથા રપ૧ દિકરીઓના સમુહ લગ્નો, બારપોરા પાટોત્‍સવ, સવરા મંડપ, મહોત્‍સવ વગેરેનું આયોજન થયું છે.

તા. પ એપ્રિલે સવારે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે. સાંજે ધર્મસભામાં પૂ. વિજયદાસબાપુની ચાદર વિધિ થશે. સવારે શતચંડીયજ્ઞ પ્રારંભ થશે. રાત્રે સંતવાણીમાં નામી કલાકારો જમાવટ કરશે.

ત્રણ દિવસ દરમિયાન દેશભરમાંથી સંતો-મહાત્‍માઓ ઉમટી પડશે. દરરોજ ધર્મસભા યોજાશે. જેમાં નામી સંતો સંબોધન કરશે.

તા.૭ ના સવારે પૂ. સેવાદાસબાપાની સમાધિનું પૂજન, પૂજા, આરતી થશે. વિષ્‍ણુયાગનો પ્રારંભ થશે અને બપોરે યજ્ઞ પુણાહૂતિ થશે.

પૂ. રાજેન્‍દ્રદાસબાપુએ જણાવ્‍યું હતું કે, મહોત્‍સવમાં છ લાખ ભાવિકો માટે દરરોજ ભોજન તથા આવાસની સુવિધા રખાઇ છે.

ભાવિકોને ઉમટવા આમંત્રણ છે. મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી સહિતના રાજકીય મહાનુભાવો તથા ઉદ્યોગ જગતના તથા સામાજિક અગ્રણીઓ પધારશે.

રપ૧ દીકરીઓને જરૂરી તમામ કરિયાવર અપાયો છે. પૂ. રાજેન્‍દ્રદાસબાપુએ અત્‍યારે સુધીમાં ૧૦૦૦ દીકરીઓના લગ્નો કરાવ્‍યા છે. ૯૦૦ દિકરા-દિકરી દંતક લઇને શિક્ષિત કર્યા છે.

પૂ. બાપુની ‘અકિલા' મુલાકાત પ્રસંગે ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરના પૂ. રાધારમણજી તથા સનાતન આશ્રમ ખીરસરાના પૂ. ભકિત સ્‍વામીજી અને ભકતો નીરવ બારોટ તથા પ્રદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં. (૯.૧૭)  

(4:14 pm IST)