Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગુજરી ગયેલા દાદીમા પૈંડમાં આવ્‍યા તેણે બધાને મારી નાખવાનું કહ્યું એટલે નેપાળી શખ્‍સે પત્‍નિ, પુત્ર, પુત્રના ગળા પર છરી ફેરવી!

રાજકોટમાં ધૂળેટીની વહેલી સવારે નેપાળી શખ્‍સ રાક્ષસ બન્‍યોઃ ૩ માસની ફૂલડા જેવી દિકરી લક્ષ્મી, પત્‍નિ બસંતી અને ૪ વર્ષના પુત્ર નિયતને ગળા પર છરી હુલાવીઃ દિકરી લક્ષ્મીનું મોત

હત્‍યારા પ્રેમબહાદુર સાઉદને તે ભાગી જાય એ પહેલા યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ ડી.આર. રત્‍નુ, લક્ષમણભાઇ, કેતનભાઇ, સિધ્‍ધરાજસિંહ, મેહુલસિંહ અને ડી. સ્‍ટાફની ટીમે પકડી લઇ પુછતાછ આદરી

રાજકોટઃ શહેરમાં ધૂળેટીનું પર્વ લોહીયાળ બન્‍યું હતું. વહેલી સવારે પોણા ચારેક વાગ્‍યે યુનિવર્સિટી રોડ ઇન્‍દિરા સર્કલ પાસે જલારામ ચીકી પાછળ આવેલા અજંતા એપાર્ટમેન્‍ટના ગ્રાઉન્‍ડ ફલોરમાં ચોકીદારના રૂમમાં રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી શખ્‍સ પ્રેમબહાદુર સાઉદ પર જાણે શૈતાન સવાર થયો હોઇ તેમ પોતાની ફુલડા જેવી ત્રણ જ મહિનાની દિકરી લક્ષ્મી, પત્‍નિ બસંતી (ઉ.૨૫) અને પુત્ર નિયત (ઉ.૪ વર્ષ)ને ગળા પર છરીના ઘા ઝીંકી દેતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ માસુમ બાળકી લક્ષ્મીનો મૃતદેહ જ પહોંચ્‍યો હોવાનું તબિબે જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂએ ઘટનાની જાણ કરતાં જ યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજા, પીએઅસાઇ ડી. આર. રત્‍નુ, મેહુલસિંહ, લક્ષમણભાઇ મકવાણા, કે. કે. પટેલ, સિધ્‍ધરાજસિંહ જાડેજા  સહિતના સ્‍ટાફે હોસ્‍પિટલે અને બનાવ સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આરોપી પ્રેમબહાદુર સાઉદ ભાગી જાય એ પહેલા દબોચી લેવાયો હતો.  હોસ્‍પિટલના બીછાનેથી પોલીસે બસંતીની ફરિયાદને આધારે તેના પતિ વિરૂધ્‍ધ હત્‍યા, હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. બચી ગયેલા ચાર વર્ષના પુત્રની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું.

ઝડપાયેલા આરોપી પ્રેમબહાદુર સાઉદે એવું કહ્યું હતું કે પોતાને ગુજરી ગયેલા દાદીમા પૈંડમાં આવતાં હતાં અને તેના કહેવાથી તેણે પત્‍નિ, પુત્ર, પુત્રીને મારી નાખવા હુમલો કર્યો હતો. જો કે પત્‍નિ ઝપાઝપી કરી દિકરા, દિકરીને લઇને બહાર નીકળી જતાં તેણી બચી ગઇ હતી. ત્રણ માસની દિકરી માટે ગળા પરનો છરીનો ઘા જીવલેણ નીવડયો હતો. ચાર વર્ષના દિકરાની હાલત ગંભીર છે. સિવિલ હોસ્‍પિટલમાં તબિબોએ તુરંત ઓપરેશન હાથ ધરી બાળકને બચાવવા ભરપુર પ્રયાસ કર્યા છે. આ ઘટનાએ શહેરમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

(12:25 pm IST)