Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

અંધજનો માટેના ઓડિયો પુસ્‍તકોમાં હવે મહિલા જેલ કેદીઓના અવાજ : દેશની પ્રથમ ઘટના

અંધજનો માટેના ૧ હજાર પુસ્‍તકોમાં જેલ કેદીઓના અવાજ અપાવનાર મુખ્‍ય જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા વધુ એક અભૂતપૂર્વ પ્રયોગ : આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસને સિનિયર આઇપીએસ દ્વારા યાદગાર બનાવતા અંધજન મંડળો દ્વારા અભિનંદન વર્ષા : સારો અવાજ, સ્‍પષ્‍ટ ઉચ્‍ચારણ અને ગ્રામરનું જ્ઞાન ધરાવતા બહેનો માટે ટેલેન્‍ટ વિકસિત કરવા સાથે રોજગારીની ઉત્તમ તક ગુજરાતમાં સર્જાઇ

રાજકોટ તા. ૭ : અંધજનો પોતાના અભ્‍યાસના પુસ્‍તકો અંગે ખૂબ સારી રીતે માહિતી મેળવી શકે તે માટે ગુજરાતની સાબરમતી જેલના કેદીઓ દ્વારા ૧ હજાર જેટલા પુસ્‍તકોમાં પોતાના અવાજ અપાવી અભૂતપૂર્વ પ્રયોગ કરનાર ગુજરાતના મુખ્‍ય જેલ વડા અને સિનિયર આઇપીએસ ડો.કે. એલ.એન.રાવ દ્વારા હવે દેશમાં પ્રથમ વખત મહિલા કેદીઓ કે જેમને કુદરત દ્વારા ખૂબ સારો, સ્‍પષ્ટ અને ગ્રામારની જાણકારી ધરાવતા મહિલા કેદીઓને પણ અંધજન માટેના ઓડિયો પુસ્‍તકમાં પોતાનો અવાજ આપી શકે. તેવો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો છે. 

ગુજરાતની જેલોમાં કેદીઓને આત્‍મનિર્ભર બનાવવા, સુરક્ષિત કરી જેલ જીવન બાદ તેને રોજગારી મળે અંને ગુન્‍હાહિત જીવન તરફ પરત ફરવું ન પડે તે માટે રાજયોની જેલોમાં કરોડોના વિવિધ રોજગાર ઉદ્યોગ ચાલુ કર્યા છે, કેદીઓના મનોરંજન અને તેમને વિવિધ મોટીવેશન સ્‍પીકરની જ્ઞાનવાણીનો લાભ આપવા માટે રેડિયો પ્રીઝન કેદીઓ સંચાલિત બનાવેલ છે, જેની દેશના પ્રથમ મહિલા આઇપીએસ કિરણ બેદી દ્વારા પ્રસંશા થયેલ છે, એવોર્ડ પણ મળ્‍યો છે તેવા આ અધિકારી દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયેલ છે. જે પ્રયોગમાં જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્‍દુબેન રાવનો પણ મોટો ફાળો છે.        

તાજેતરમાં જ મહિલા કેદીઓના આ મહત્‍વકાંક્ષી પ્રોજેક્‍ટ માટે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ પસંદ કરવામાં આવેલ. ડો.કે. એલ.એન.રાવ કેન્‍દ્ર અને રાજય સરકારની નીતિ મુજબ મહિલા પ્રતિભાઓ બહાર લાવવા પ્રયત્‍નશીલ છે.

આ ખૂબ અગત્‍યના પ્રોજેક્‍ટ પ્રસંગે અંધજન મંડળના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહી ડો.કે.એલ.એન.રાવના આવા પ્રયત્‍ન બિરદાવી તમામ સાથ સહકારની ખાત્રી આપેલ.   

સમગ્ર કાર્યક્રમ રાજયના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ ઇન્‍ચાર્જ જેલ અધિક્ષક જે.એસ. ચાવડાના સુપર વિઝન હેઠળ મહિલા જેલના ઇન્‍ચાર્જ નાયબ અધિક્ષક  પી.વી.ગોહિલ ટીમ દ્વારા કરવામાં આવેલ

(3:04 pm IST)