Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રેસકોર્ષના મેદાનમાં 'ગાંધી શિલ્પ બજાર'નો પ્રારંભ

હસ્તકલાકૃતિઓનું નિદર્શનસહ વેચાણઃ ૧૪મી સુધી ચાલુ રહેશે

રાજકોટ તા. ૯:- ભારત તેની વૈવિધ્યપૂર્ણ હસ્તકલા અને કલાકારીગીરી માટે વિશ્વભરમાં વિખ્યાત છે. દેશના પ્રત્યેક રાજયની આગવી હસ્તકલા સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે ભારત સરકાર દ્વારા વિવિધ રાજયોમાં પ્રદર્શન સહ વેચાણ માટે હસ્તકલા મેળાઓનું આયોજન કરવામાં આવે છે.

રાજકોટની કલાપ્રેમી જનતાને પોતાની આગવી હસ્તકલા કારીગીરીનો પરીચય આપવા દેશભરમાંથી આવેલા ૭૦થી વધુ કારીગરોની કલાકૃતિઓનો સમાવેશ કરતો હસ્તકલા મેળો રેસકોર્ષ સ્થિત ગ્રાઉન્ડમાં તા. ૫મી માર્ચના રોજ રાજકોટના ડેપ્યુટી કલેકટર શ્રી સિદ્ધાર્થભાઈ ગઢવી, શ્રી રવિવીર ચૌધરી આસિસ્ટન્ટ ડાયરેકટર હેન્ડીક્રાફ્ટ ભુજ, મીનીસ્ટ્રી ઓફ ટેકસટાઇલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફેરટ્રેડના પ્રેસિડેન્ટ અને ડાયરેકટર, ધરોહર ફાઉન્ડેશનના શ્રી રણવીર સિસોદિયા અને શ્રી પૂર્વી ભીમાણી સામાજિક કાર્યકર્તા શ્રી મૌસમીબેન સેજપાલ, ગરવી ગુર્જરી ડિઝાઇનર શ્રી અર્ચનાબેન ગુપ્તા, ઇન્ચાર્જ ગરવી ગુર્જરી શ્રી યોગેશભાઈ પુજારા, રઘુવંશી સમાજના અગ્રણી શ્રી કાનનબેન સુરેશભાઈ અજમેરા, જૈન સમાજ અગ્રણી તેમજ એમ.એસ.એમ.ઈ. શ્રી પ્રવીણ ભાઈ જોશી, શ્રી મહેશભાઇ પટ્ટોલે - DDM સહિતના મહાનુભાવોના હસ્તે 'ગાંધી શિલ્પ બજાર'' હસ્તકલા મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સહયોગી બનવાના હેતુસર કુટીર ઉદ્યોગ વિભાગ, મિનીસ્ટ્રી ઓફ ટેકસટાઇલ ભારત સરકાર અને ગરવીગુર્જરી ના સંયુકત ઉપક્રમે  આયોજીત આ હસ્તકલા મેળામાં ૭૦થી વધુ દેશભરના વિવિધ કારીગરો પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે આવ્યા છે. જેમાં ઘણા કારીગરો નેશનલ એવોર્ડ પામેલા છે. જેમાં શાંતિ દેવી બિહારથી ઘણી બધી અવનવી ઘર વપરાશ શણગાર અને અન્ય જીવન જરૂરી વસ્તુ વેચાણ માટે છે. વિવિધ કલા પ્રદર્શન જેવા કે કર્ણાટકથી લાકડામાંથી બનેલા થ્રીડી પેઇન્ટિંગ, મધુબની પેઇન્ટિંગ માટીના નોન-સ્ટિક વાસણો લાકડાના જુદા જુદા રમકડાં અન્ય વસ્તુઓનો સમાવેશ છે.

 ૧૪ માર્ચના સાંજે ૮  વાગ્યા સુધી ચાલનારા આ હસ્તકલા મેળામાં મુલાકાત લઇને ભારતની પ્રાચીન અને પ્રાકૃતિક પદ્ધતિથી બનેલી વસ્તુઓને આપણા જીવનમાં મહત્વનું સ્થાન આપી ભારતની સંસ્કૃતિના જતન અને સંવર્ધનના કાર્યમાં સહભાગી થવા જાહેર જનતા  અનુરોધ કરાયો છે.

(4:25 pm IST)