Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

નવાગામ છપ્પનીયામાં મહિલાઓને જોઇ ગાળો ભાંડી, દરવાજા ખખડાવી ભાગી જતાં રાજૂ અને સાગ્રીતોનો ત્રાસ

કોઇ સમજાવે તો ખૂનની ધમકી આપે છેે: બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૯: નવાગામ છપ્પનીયા કવાર્ટરમાં ઘર પાસે બેસતી મહિલાઓને વારંવાર લાલપરીનો એક શખ્સ ગાળો ભાંડી, રાતે ઘરના દરવાજા ખખડાવી ભાગી જતો હોવાની તેમજ કોઇ કંઇ કહે તો મારી નાંખવાની ધમકી આપી ગૂંડાગીરી આચરતો હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચતા આ શખ્સ અને તેના બે સાગ્રીતો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે નવાગામ છપ્પનીયા કવાર્ટર બ્લોક નં. ૧૨ કવાર્ટર નં. ૨૫૨૯માં રહેતી સોનબાઇ ઇમરાન મોગલ (ઉ.૩૦)ની ફરિયાદ પરથી પડોશી રાજુ મકવાણા, નસો તથા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

સોનબાઇ મોગલએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે તથા નણંદ  તેમજ સોસાયટીની મહિલાઓ મુકતાબેન, યાસ્મીનબેન, મનિષાબેન, ભાવુબેન સહિતના રવિવારે બપોર બાદ ઘર બહાર બેઠા હતાં અને વાતો કરતાં હતાં ત્યારે લાલપરની રાજુ મકવાણા તથા બીજા શખ્સો અલગ-અલગ બાઇક પર નીકળ્યા હતાં. આ બધા ગાળો બોલતાં હોઇ તેને મહિલાઓ સામે આ રીતે ગાળો નહિ બોલવા સમજાવતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને વધુ બિભત્સ શબ્દો બોલવા માંડ્યો હતો. લોકો ભેગા થતાં તે અને સાથેના શખ્સો ભાગી ગયા હતાં.

બે દિવસ પહેલા પણ આ શખ્સ રાત્રીના અઢી વાગ્યે ઘરના દરવાજા ખખડાવી ગાળો બોલી ભાગી ગયા હતાં. આ શખ્સ અને તેના મિત્રો વારંવાર ઘર પાસેથી નીકળે છે અને મહિલાઓ બેઠી હોઇ ત્યારે ગાળાગાળી કરે છે અને કોઇ કંઇ કહે તો મારી નાંખવાની ધમકી આપી ભાગી જાય છે. રવિવારે ફરીથી આવા ખેલ કરતાં અંતે ફરિયાદ નોંધાવી છે.

એએઅસાઇ કે.આર. ચોટલીયાએ સોનબાઇ મોગલની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:55 pm IST)