Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આવતીકાલે લગ્નની તારીખ નક્કી થાય એ પહેલા મેહુલ કોળીનો ફાંસો ખાઇ આપઘાત

પુષ્કરધામ રોડ ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં બનાવઃ કોળી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ પુષ્કરધામ પાસે ગુ.હા. બોર્ડ હાઉસીંગ કવાર્ટરમાં રહેતાં મેહુલ લાભુશંકરભાઇ કુકાવા (ઉ.૨૧) નામના કોળી યુવાને પંખાના હુકમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. કરૂણતા એ છે કે આ યુવાનની સગાઇ થઇ ચુકી હતી અને આવતી કાલે લગ્નની તારીખ નક્કી કરવાની હતી. એ પહેલા તેણે આજે આવું પગલુ ભરી લીધું હતું.

સવારે મેહુલને તેના રૂમમાં માતા સવિતાબેન ઉઠાડવા જતાં તેણે દરવાજો ન ખોલતાં તેણીએ પતિ લાભુભાઇને બોલાવ્યા હતાં. તેમણે બારીમાંથી ડોકીયુ કરતાં દિકરો મેહુલ લટકતો જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો. દરવાજો તોડી ૧૦૮ને બોલાવાઇ હતી. પરંતુ મેહુલે દમ તોડી દીધો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બી. જી. ડાંગર અને બ્રીજરાજસિંહએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

આપઘાત કરનાર મેહુલ બે ભાઇમાં મોટો હતો અને ઇલેકટ્રીક કામ કરતો હતો. તેના પિતા કારખાનામાં કામ કરે છે. મેહુલની મોરબી રોડ પર રહેતાં પરિવારની દિકરી સાથે સગાઇ થઇ હતી. આવતી કાલે લગ્નની તારીખ નક્કી કરવાની હતી. એ પહેલા તેણે અગમ્ય કારણોસર આવું પગલું ભરી લીધું હતું.

બેભાન હાલતમાં પ્રોૈઢ અને યુવાનના મોત

 સોરઠીયાવાડી-૧માં રહેતાં મહેન્દ્રભાઇ મગનભાઇ રાઠોડ (ઉ.૫૮) બિમારીને કારણે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં આશાપુરા નગર-૨માં રહેતાં હિરેનભાઇ રજનીકાંત કારીયા (ઉ.૩૭) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ, પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(3:38 pm IST)