Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ભગીરથ સોસાયટી-૧૧માંથી એક સાથે ત્રણ-ત્રણ બાઇક 'છૂ'!

હવે ઉઠાવગીરો પણ ટોળકી રચીને નીકળવા માંડ્યા... : વિજય ટોળીયા, રાયમલ અવેડીયા અને મેહુલ મકવાણાના બાઇક ચોરાયા

રાજકોટ તા. ૯: સામા કાંઠે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૧૧માંથી ઉઠાવગીરો એક સાથે ત્રણ બાઇક ચોરી જતાં વિસ્તારમાં ચર્ચા જાગી છે.

બનાવ અંગે પોલીસે ભગીરથ-૧૧માં રહેતાં અને આરટીઓ પાસે કનૈયા રેડિયમ નામની સ્ટીકરની દૂકાનમાં મજૂરી કરતાં વિજય આંબાભાઇ ટોળીયા (ભરવાડ) (ઉ.૨૪)એ બી-ડિવીઝનમાં ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું છે કે તેનું હોન્ડા જીજે૩જેબી-૯૦૮૮ રૂા. ૩૦ હજારનું તા. ૭ના સાંજે આઠેક વાગ્યે ઘર પાસે શેરીમાં રાખ્યું હતું. તા. ૮ના સવારે આ હોન્ડા જોવા મળ્યું નહોતું.

આજુબાજુમાં તપાસ કરવા જતાં ખબર પડી હતી કે તેના મકાનના ભાડૂઆત રાયમલભાઇ ધીરૂભાઇ અવેડીયા (આહિર) (ઉ.૨૨)નું હોન્ડા જીજે૩જેબી-૪૦૨૬ રૂા. ૩૦ હજારનું તથા શેરી નં. ૧૧માં જ રહેતાં ત્રીજા યુવાન મેહુલ ચનાભાઇ મકવાણા (ભરવાડ) (ઉ.૩૦)નું હોન્ડા જીજે૩જેએસ-૦૧૨૨ રૂા. ૩૦ હજારનું પણ ગાયબ હતું. ત્રણેય બાઇક એક જ જગ્યાએ આજુબાજુમાં પાર્ક કરાયા હતાં. જે એક સાથે ચોરાઇ જતાં શેરીમાં દેકારો મચી ગયો હતો. બી-ડિવીઝનના હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)