Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વાળંદ યુવાન અમિતને પાંચ વ્યાજખોરોએ મરવા મજબૂર કર્યો

આ વ્યાજખોરોથી બહુ થાકી ગયો છું, હવે રસ્તો નીકળે તેમ નથી...ચિઠ્ઠી લખી આજીડેમે જઇ ઝેર પી દૂનિયા છોડીઃ ગીતાનગરના બગથરીયા પરિવારમાં કલ્પાંતઃ મિત્ર કડીયા યુવાન સાથે ભાગીદારીમાં બાંધકામનો ધંધો શરૂ કરવા ૪ લાખ વ્યાજે લીધા'તાઃ ખોટ જતાં મિત્રએ હાથ ઉંચી કરી દેતાં વાળંદ યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ ગયોઃ કાના મૈયડ, લાલા ભરવાડ, પ્રવિણ ગઢવી, કાળુ શિયાળીયા અને ખોડા જોગરાણા સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યોઃ મિત્ર કાના મૈયડ પાસેથી ૫,૮૫,૦૦૦ ૫ અને ૧૦ ટકે, લાલા ભરવાડ પાસેથી ૨ લાખ ૧૦ ટકે, પ્રવિણ ગઢવી પાસેથી ૧ લાખ ૧૦ ટકે અને કાળુ શિયાળીયા પાસેથી ૮ ટકે ૧,૫૦,૦૦૦ લીધા'તાઃ તમામને રકમ ચુકવી દીધી હતી છતાં ધમકાવતાં: અમિત કહેતો હું ત્રાસી ગયો છું, મરવા સિવાય રસ્તો નથીઃ પરિવારજનો આશ્વાસન આપતાં કે આપણે દૂકાન વેંચી વ્યાજ-મુડી ચુકવી દઇશું ખોડા ભરવાડ પાસેથી ૪ લાખ લીધા તેની સામે ૧૦ લાખ ચુકવ્યા છતાં પેનલ્ટી વસુલવા સતત ધમકાવતો

અમિત બગથરીયાનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છેઃ ચિઠ્ઠીમાં લખ્યું આ વ્યાજખોરોનો બહુ ત્રાસ છેઃ ૧૩ નામ લખ્યા, જેમાં પાંચ નિર્દોષ હોવાનો પણ ઉલ્લેખ

 

રાજકોટ તા. ૯: વ્યાજખોરો સામે પોલીસે શરૂ કરેલી ઝૂંબેશ અંતર્ગત અનેક ગુના નોંધાયા છે. આમ છતાં વ્યાજખોરોનો આતંક યથાવત રહ્યો છે. વધુ એક કિસ્સામાં ગોંડલ રોડ પી એન્ડ ટી કોલોની પાસે ગીતાનગર-૮માં રહેતો વાળંદ યુવાન અમિત અશ્વિનભાઇ બગથરીયા (ઉ.૩૨) વ્યાજખોરોના ત્રાસ સામે હારી જતાં જીવ દેવા મજબૂર થયો છે. સ્યુસાઇડ નોટ લખીને તેણે આજીડેમ બગીચામાં ઝેર પી લીધુ હતું. માલવીયાનગર પોલીસે આપઘાત કરનાર આ યુવાનના પત્નિ પારૂલ બગથરીયાની ફરિયાદ પરથી ત્રણ ભરવાડ શખ્સો, એક આહિર શખ્સ અને એક ગઢવી શખ્સ સામે ગુનો નોંધ્યો છે. મિત્ર કડીયા યુવાન સાથે ભાગીદારીમાં બાંધકામનો ધંધો આ વાળંદ યુવાને ૪ લાખ વ્યાજે લઇને શરૂ કર્યો હતો. તેમાં ખોટ જતાં કડીયા યુવાને પોતાની પાસે નાણા નથી તેમ કહેતાં તે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયાનું અને જીવ દેવા મજબૂર થયાનું ખુલ્યું છે.

આપઘાત કરનાર અમિત બગથરીયા ગઇકાલે સવારે નવેક વાગ્યે ઘરેથી ગીતાનગરમાં જ આવેલી પોતાની વાળંદ કામની સમીર હેર આર્ટ નામની દૂકાને જવા નીકળ્યો હતો. ત્યાંથી નાના ભાઇ સમીરને હું કલાકમાં કામ પતાવીને આવું છું તેમ કહીને બાઇક લઇને નીકળ્યા બાદ મોડે સુધી ન આવતાં સમીર તેને ફોન જોડતાં ફોન બંધ આવ્યો હતો. એ પછી સાંજે સાડા ચારેક વાગ્યે સમીરને ભાઇ અમિતે આજીડેમ બગીચામાં ઝેર પી લીધાનો સિવિલ હોસ્પિટલેથી ફોન આવતાં તે તથા પરિવારજનો દોડી ગયા હતાં. ત્યાંથી અમિતને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

આપઘાત પૂર્વે અમિતે એક ચિઠ્ઠી (સ્યુસાઇડ નોટ) લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'આ વ્યાજખોરોથી હું બહુ જ માનસિક થઇ ગયો છું, અને મારો રસ્તો નીકળે એમ જ નથી. કારણ કે બધા પાસે મારા ડોકયુમેન્ટ છે અને ચેક પણ છે. મારું મકાન વેંચાવીને મને મારી પણ નાંખશે...કારણ કે મેં ફરિયાદ કરી છે, એટલે...લી. અમિત અશ્વિનભાઇ બગથરીયા'. ચિઠ્ઠીના પાછળના ભાગે ૧૩ શખ્સો કાનાભાઇ મૈયડ, લાલો મીર (ભરવાડ), પપ્પુભાઇ પાનવાળા, મહેશભાઇ હરિજન, પઉભા ગઢવી, રાજુભાઇ ખાંડ, જાગાભાઇ ભરવાડ, શિવાભાઇ પટેલ, દિગુભાઇ ભટ્ટી, વિનુભાઇ બકાલી અને વિજયભાઇ બુટચપ્પલવાળા, સંજયભાઇ અને કાળુભાઇ શિયાળના નામ લખ્યા હતાં. આ નામો પૈકી પપ્પુભાઇ, મહેશભાઇ, રાજુભાઇ, શિવાભાઇ અને વિનુભાઇના નામો આગળ આ લોકો નિર્દોષ છે તેવી નોંધ પણ કરવામાં આવી છે.

પોલીસે ઉપરોકત ચિઠ્ઠીને આધારે આપઘાત કરનારના પત્નિ પારૂલબેન બગથરીયાની ફરિયાદ પરથી ગીતાનગર-૪/૫ના ખુણે રહેતાં કાના ધનાભાઇ મૈયડ, ગીતાનગર-૮ના લાલા રૂપાભાઇ ભરવાડ, સ્વાતિ પાર્કના પ્રવિણ બાબુભાઇ ગઢવી, ગીતાનગર જય વિજય સ્કૂલ પાસે રહેતાં કાળુ શિયાળીયા અને ખોડિયારનગરના ખોડા ધનાભાઇ જોગરાણા સામે આઇપીસી ૩૦૬, ૩૮૬, ૧૧૪, મનીલેન્ડ એકટ ૨૦૧૧ની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો દાખલ કર્યો છે.

પારૂલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ૨૦૦૯માં થયા છે. સંતાનમાં એક પુત્ર રાહીલ (ઉ.૯) છે. મારા સસરા ૨૦૧૩માં ગુજરી ગયા છે. હું સાસુ રમાબેન, પતિ અને દિયર સમીરભાઇ સાથે રહુ છું. પતિ અને દિયરને ગીતાનગર-૫માં સમીર હેર આર્ટ નામે દૂકાન છે. મારા પતિ અમિતે ૨૦૧૨/૧૩માં લત્તામાં રહેતાં ખોડા જોગરાણા પાસેથી રૂ. ૪ લાખ પાંચ ટકા વ્યાજેથી લીધા હતાં. બીજા માણસો પાસેથી પણ વ્યાજે લીધા હતાં. આ પૈસા મિત્ર કલ્પેશભાઇ કડીયા કે જે ગીતાનગરમાં રહે છે તેની સાથે બાધંકામના ધંધાની ભાગીદારીમાં રોકયા હતાં. પણ ધંધામાં ખોટ જતાં કલ્પેશભાઇ કડીયાએ પોતાની પાસે પૈસા નથી તેમ કહી મારા પતિને કહેલ કે તમે જે રોકાણ કર્યુ છે તે કટકે-કટકે આપી દઇશ. આ વાત મારા પતિએ મને અગાઉ કરી હતી.

બીજી તરફ મારા પતિએ જેની પાસેથી વ્યાજે રકમ લીધી હતી તેને ચુકવવા માટે મારા સાસુના નામના મકાન પરથી ૧૦ લાખની લોન લીધી હતી. આ લોનની રકમમાંથી ખોડા જોગરાણાને તથા બીજા લોકોને પૈસા ચુકવી દીધા હતાં. પતિએ બીજા કોની પાસેથી કેટલા લીધા? તેની વાત મને કે મારા સાસુ કે દિયરને કરતાં નહોતાં. એ એમ કહેતાં કે મેં મારી રીતે લીધા છે એ હું મારી રીતે ચુકવતો રહીશ.

પછી અમને ખબર પડી હતી કે પતિએ ગીતાનગરમાં જ રહેતાં તેના મિત્ર કાના મૈયડ પાસેથી છુટક-છુટક રૂ. ૫,૮૫,૦૦૦ લીધા હતાં. જેનું પ ટકા લેખે  અને ૧૦ ટેકા લેખે વ્યાજ ચુકવ્યું છે. પાંચ વર્ષથી તેને આ વ્યાજ ચુકવ્યું છે. છતાં તે વધુ ૫,૮૫,૦૦૦ માંગે છે. લાલા મીર પાસેથી ૧૦ ટકે બે લાખ લીધા હતાં. તેને  ત્રણ મહિના સુધી ૨૦ હજાર લેખે ચુકવ્યા છે. પ્રવિણ ગઢવી પાસેથી ૧૦ ટકે ૧ લાખ લીધા છે, કાળુ શિયાળીયા પાસેથી ૮ ટકે ૧ાા લાખ લીધા હતાં. તેણે સિકયુરીટી પેટે બેંકના બે ચેક અમિતની સહી વાળા લીધા હતાં.

આ બધાને વ્યાજના પૈસા ચુકવ્યા હોવા છતાં વધુને વધુ નાણાની ઉઘરાણી કરી મારા પતિને સતત ત્રાસ અપાતો હતો. ખોડા  ભરવાડને તો ૪ લાખ સામે ૧૦ લાખ ચુકવ્યા છતાં તે મારા પતિને રસ્તામાં અને દૂકાને જ્યાં મળે ત્યાં ધમકી આપી પેનલ્ટી સહિત પૈસા દેવા પડશે તેમ કહી ધમકાવતો હતો. આ કારણે અમે ચારેક માસ પહેલા વ્યાજખોરો સામે પોલીસ કમિશ્નરને અરજી પણ કરી હતી. જો કે વ્યાજખોરોનો ત્રાસ ઓછો ન થતાં મારા પતિ સતત ટેન્શનમાં હતાં. કારણ કે આ બધાએ વ્યાજનું વ્યાજ ગણી બે-ત્રણ ગણી રકમ ચડત કરી દીધી હતી. આ કારણે અમિત કહેતો કે હવે હું આ લોકોના ત્રાસથી કંટાળીને મરી જઇશ...ત્યારે અમે અમિતને સમજાવતા હતાં કે આપણે દૂકાન વેંચીને પૈસા ભરી દઇશું. દરમિયાન કાળુએ મારા પતિની સહી વાળા ચેકો લઇ લીધા હોઇ તેમાં પોતાની રીતે ૩-૩લ ાખની રકમ ભરી ચેક રિટર્ન કરાવી વકિલ મારફત નોટીસ મોકલાવતાં મારા પતિ સતત ટેન્શનમાં આવી ગયા હતાં. અંતે ગુરૂવારે તેણે આપઘાત કરી લીધો હતો.  પારૂલબેનના ઉપરોકત કથન રૂપે માલવીયાનગરના પી.આઇ. વી. વી. ઓડેદરા, રાઇટર જાવીદહુશેન રિઝવી, પરેશભાઇ જારીયાએ અમિતને મરી જવા મજબૂર કરવા સબબ ગુનો દાખલ કરી ત્રણ ભરવાડ શખ્સ, એક ગઢવી શખ્સ અને એક આહિર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

(11:46 am IST)