Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

માઇનસ ૯ થી ૧૦૦ વર્ષ : વૈશ્વિક સેમીનાર

ઉત્તમ માનવ જીવન અંગે રાષ્‍ટ્રીયસ્‍તરના વકતાઓ ચિંતન કરશે : તપોવન વિદ્યાલય, ભાણવડમાં આયોજનઃ ર૪ થી ર૬ ફેબ્રુ. જ્ઞાન વરસશેઃ રસ ધરાવતા શ્રોતાઓ સંપર્ક કરે

રાજકોટ, તા. ૯ : ભાણવડમાં વૈશ્વિકસ્‍તરના સેમીનારનં આયોજન થયું છે. માનવ જીવન અમૂલ્‍ય છે. સમસ્‍ત શાષાો એક સ્‍વરે કહે છેઃ સમગ્ર બ્રહ્માંડમાં શ્રેષ્ઠ જીવ માનવ છે. શું આ બહુમૂલ્‍ય જીવનને આપણે માણી શકીએ છીએ ખરા? માણવાની વાત દૂર આ જીવનનું મહત્‍વ પણ ખબર છે ખરું? કેમ કે ઘણા લોકો જીવન જીવવાના બદલે, જીવન ટૂંકાવે છે અને એ પણ સાવ સામાન્‍ય બાબતમાં. એક બીજા વચ્‍ચે ઈર્ષ્‍યા, અદેખાઈ, લાલસાઓ અધૂરી રહેવાના ચક્કરમાં, નાની અમધી અસફળતા મળે એમાં જીવનની લીલાને વિરામ આપી દઈએ છીએ.

માણસ ધારે તો અને સાચી રીતે જીવતા આવડે તો ૧૦૦ વર્ષ સુધી નિરોગી રહીને આનંદદાયી જીવન જીવી શકે. ભૂલ કયાં થાય છે?ભૂલ જીવનના દરેક તબક્કે થાય છે. ગર્ભમાં બાળક આવે ત્‍યારથી ઘણી ભૂલો માબાપ કરે છે. બાળપણમાં શિક્ષણના નામે એક કિલો મગજને સો કિલો જેવું કરી મૂકવામાં આવે છે. બાળકને ઓલરાઉન્‍ડ બનાવવાના ચક્કર માં કુંઠિત બનાવી દઈએ છીએ. યુવાવસ્‍થામાં વ્‍યક્‍તિ પોતાની લાગણીઓને સમજી શકતો નથી અને પરિણામે લગામ વગરના ઘોડાની જેમ જીવને ભટકાવે છે, ભરમાવે છે.જીવન ને એટલું બધું ઝડપી બનાવી દીધું છે કે હવે બ્રેક લાગે તેમ નથી. વળદ્ધાવસ્‍થામાં ખાવા પીવાના ચસ્‍કાને લીધે અને પોતાના જ પરિવાર દ્વારા અપેક્ષાનો ભોગ બનવાને લીધે જીવન ફૂલ મુરઝાવા લાગે છે.

વ્‍યક્‍તિ ધારે અને સંકલ્‍પ કરે તો આજે પણ ઉત્તમ જીવન જીવી શકે છે. એના માટે જરૂરી છે જીવન જીવવાનું સંપૂર્ણ શિક્ષણ પ્રાયોગિક અને વૈજ્ઞાનિક અભિગમથી મેળવવું..

 આ સમસ્‍યાને ધ્‍યાનમાં રાખીને એક સેમીનારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. વિષય છેઃ માઈનસ ૯ મહિનાથી લઈ ૧૦૦ વર્ષ સુધી આનંદદાયી જીવનની યાત્રા.. આ સેમિનારમાં પૂરા ભારતથી પંદર જેટલા અને વિદેશોથી અમુક મહાનુભાવો  પણ અનુસંધાન યુક્‍ત વક્‍તવ્‍યો આપશે..

ચિંતક અને લેખક શ્રી સુરેશ પ્રજાપતિ, શિક્ષણવિદ કનુભાઈ કરકર, નિધિ ખંડોર,અર્ચના સિંહ ચારણ, રિષિતા સિંહ ચારણ, મહેન્‍દ્ર ભાઈ ચોટલિયા, ભીમસી ભાઈ કરમુર, ભાવનગરથી વિનોદ ભાઈ જોશી, સુરતથી રમણિક ભાઈ ઝાપડિયા, કોબા ગાંધીનગરથી તત્‍વજ્ઞ સુરેશ ભૈયાજી, ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના હર્ષદ ભાઈ શાહ અને કચ્‍છના જાણીતા લેખક શ્રી હરેશ ભાઈ ધોળકિયા પોતાના જ્ઞાન અને અનુભવનો નિચોડ પ્રસ્‍તુત કરશે. લંડનથી સુખ્‍યાત ડોકટર બ્રીજેટ ડવાયર અને મનોવૈજ્ઞાનિક પ્રસિલા પોતાનું જ્ઞાન શેર કરશે.

સેમિનારમાં સૌજન્‍ય દાતા છે લંડનના ઉદ્યોગપતિ શ્રી દિલેશ મહેતા. આયોજન કરી રહ્યું છેઃ પીસ ઓફ માઈન્‍ડ ફાઉન્‍ડેશન રાજકોટ. માર્ગદર્શન અને પ્રેરણા સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીની રહેશે. સંયોજન લંડનના પ્રો. ડૉ.ગ્રેહામ દ્વાયર કરશે.

આ સેમિનારમાં આવાસ નિવાસ અને ભોજનની સમગ્ર વ્‍યવસ્‍થા તપોવન વિશ્વ વિદ્યાલયમાં નિઃશુલ્‍ક ગોઠવવામાં આવી છે. આ કોન્‍ફરન્‍સમાં જો આપને રસ હોય અને ભાગ લેવો હોય તો આ નંબર ઉપર વોટ્‍સ એપ કરી આપની વિગત મોકલો.(ફોન કરવો નહિ.) ૯૪૨૭૩ ૧૨૧૬૨.

પસંદગી આયોજકો દ્વારા કરવામાં આવશે અને તેની સૂચના આપને સામેથી કરવામાં આવશે.તેમ યાદીમાં જણાવાયું છે.

(4:27 pm IST)