Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કાલે રાજકોટમાં મેગા કેમ્પ : હેલ્થ કાર્ડનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ

માં અમૃતમ - માં વાત્સલ્ય યોજનામાં ૧૧,૫૦૦ તથા આયુષ્યમાનમાં ૨૫૦૦ પરિવારોનું રજીસ્ટ્રેશન : ૨૯૫ કિટ તથા ૨૮ ડોમમાં રજીસ્ટ્રેશનની વ્યવસ્થા : કેમ્પમાં ટોકનમાં દર્શાવેલ સમયે સમગ્ર પરિવારે ઉપસ્થિત રહેવા પદાધિકારીઓનો અનુરોધ : તૈયારીઓનો આખરી ઓપ

રાજકોટ તા. ૯ : આવતીકાલે સવારે ૧૧.૩૦થી ધર્મેન્દ્ર કોલેજ ખાતે માં અમૃતમ - વાત્સલ્ય અને આયુષ્યમાન હેલ્થકાર્ડના ૧૩ હજાર જેટલા લાભાર્થીઓને કાર્ડ ીવતરણના મેગા કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ટોકનરૂપે કાડ વિતરણ થશે. ત્યારબાદ સાંજ સુધી કાર્ડ વિતરણ ચાલશે. આ પ્રસંગે રાજ્ય સરકારના સહયોગથી લોકસાહિત્યના કલાકાર કિંજલ દવેનો કાર્યક્રમ યોજાશે.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભા.જ.પ. અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, નેતા શાસક પક્ષ દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા જણાવેલ હતું કે આ મેગા કેમ્પ કાર્યક્રમ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં થનાર છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મેગા કેમ્પને લગત નીચે મુજબની વિગતેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ મેગા કેમ્પમાં 'માં વાત્સલ્ય કાર્ડ' માટે અંદાજીત ૧૧,૫૦૦ પરિવારોને ફોર્મ માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેમજ 'આયુષ્માન કાર્ડ' માટે અંદાજીત ૨૫૦૦ પરિવારના ફોર્મ વિતરણ કરવામાં આવેલ છે. તેઓનું સ્થળ પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

માં વાત્સલ્ય કાર્ડ માટે પણ શહેરની ૧ થી ૧૮ વોર્ડ ઓફિસો ખાતેથી ફોર્મ વિતરણ કરી, આવેલ ફોર્મ પરથી લાભાર્થી પરિવારોને ૧ થી ૧૮ વોર્ડ ઓફિસોથી ટોકન પણ પહોચાડી દેવામાં આવેલ છે. લાભાર્થી પરિવારોએ આ ટોકન લઈને કુટુંબના સભ્યો સાથે ટોકનમાં દર્શાવેલ સમયે જ તા.૧૦ રવિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે હાજર રહેવા જણાવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ દ્વારા આ અંગે વધુ માહિતી આપતા જણાવવામાં આવેલ છે કે લાભાર્થી પરિવારોને કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે  કાર્યક્રમ સ્થળ પર મુખ્યમંત્રી માં વાત્સલ્ય યોજના માટેના ૨૦ ડોમ તથા આયુષ્માન કાર્ડ માટેના ૮ ડોમ મળી કુલ ૨૮ ડોમ ની લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. માં વાત્સલ્ય યોજના માટે ૧૭૫ કીટ રાખવામાં આવેલ છે. જેમાં ૫૦૦ વેરીફયાર સ્ટાફ રાખેલ છે. તેમજ આયુષ્માન કાર્ડ માટે ૧૨૦ કીટ રાખવામાં આવેલ છે. જેમાં ૧૫૦ વેરીફયાર સ્ટાફ રાખેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ દ્વારા વિશેષમાં જણાવવમાં આવેલ છે કે આ મેગા કેમ્પમાં આવનાર લાભાર્થી પરિવારો માટે કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે પાર્કિંગ વ્યવસ્થા વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે.

કાર્યક્રમના સ્થળ ઉપર મેડીકલ ટીમ જરૂરી દવા, સાધન સામગ્રી, તથા ઓ.આર.એસ. પેકેટનો જથ્થો સ્ટાફ સાથે મુકવામાં આવેલ છે. કાર્યક્રમના સ્થળ ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

આ મેગા કેમ્પમાં આવનાર તમામ લાભાર્થી પરિવારોને આપવામાં આવેલ ટોકનમાં દર્શાવેલ સમયે કેમ્પ સ્થળ પર રાશનકાર્ડમાં જેટલા નામ હોય તે તમામ સભ્યોના કેમ્પ સ્થળ પર ફોટો પાડવામાં આવશે તથા અંગુઠાના નિશાન ફરજીયાત લેવામાં આવશે. આ મેગા કેમ્પમાં અચૂક હાજર રહી ખાસ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે મોહનભાઇ કુંડારીયા, કમલેશભાઇ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, નિતીનભાઇ ભારદ્વાજ તથા મુખ્ય મહેમાન તરીકે ભીખાભાઇ વસોયા, ભાનુબેન બાબરીયા ડો. જૈમન ઉપાધ્યાય, અશ્વિનભાઇ મોલિયા, દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, ડો. અતુલભાઇ પંડયા, ડો. અમીત હપાણી, ડો. હિરેનભાઇ કોઠારી, જેન્તીભાઇ ફળદુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આયુષ્યમાન કાર્ડમાં ભારતની ૧૩,૮૦૩, ગુજરાતમાં ૨૬૦૦, રાજકોટમાં ૨૫ હોસ્પિટલમાં કેસલેસ સારવાર

રાજકોટ : મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ દ્વારા આ અંગે વધુ માહિતી આપતા જણાવવામાં આવેલ છે કે આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 'આયુષ્માન કાર્ડ' ભારત દેશની ૧૩,૮૦૩ ગુજરાતની ૨,૬૦૦ હોસ્પિટલમાં તેમજ રાજકોટ શહેરની ૨૫ હોસ્પિટલમાં આ કાર્ડનો કેશલેસ ઉપયોગ થઈ શકશે. આ યોજનાનું કાર્ડ જુદી જુદી પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓની વાર્ષિક કુટુંબ દીઠ રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) સુધીની ૧૭૯૫ પ્રકારની મેડીકલ સારવાર વિનામુલ્યે મળશે. આ કાર્ડ ૨૦૧૧માં થયેલ આર્થિક પછાત વર્ગના સર્વેમાં પસંદગી થયેલાઓને જ અપાશે.

શહેરમાં ૧.૩૯ લાખ પરિવારોએ માં અમૃતમ - માં વાત્સલ્ય કાર્ડ કઢાવ્યા

રાજકોટ : મુખ્યમંત્રી અમૃતમ 'માં વાત્સલ્ય યોજના' માં મધ્યમ વર્ગના (વાર્ષિક કૌટુંબિક રૂ.૩.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા) પરિવારો માટે (કુટુંબનાં મહતમ પાંચ વ્યકિત) તેમજ સીનીયર સીટીઝન માટે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના વાર્ષિક કૌટુંબિક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા (કુટુંબનાં મહતમ પાંચ વ્યકિત) માટે તા.૧૫ ઓગષ્ટ ૨૦૧૪થી અમલમાં મુકવામાં આવેલ છે. 'મા વાત્સલ્ય' યોજના હેઠળ હૃદય ના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના  ગંભીર રોગો, અકસ્માત ના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર(કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), ઘૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલ ની બીમારી ની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે. આ માટે રાજકોટ શહેરની ૧૧-પ્રાઈવેટ તથા સરકારી હોસ્પિટલો ખાતે સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે.

મારો નંબર કયારે ?: મેગા કેમ્પના લાભાર્થીઓને ટોકન વિતરણ વખતે બોર્ડની પરીક્ષાનાં દ્રશ્યો સર્જાયા

રાજકોટઃ આવતીકાલે ધર્મેન્દ્ર કોલેજ ખાતે માં અમૃતમ્, વાત્સલ્ય અને આયુષ્યમાન હેલ્થ કાર્ડનું વિતરણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થનાર છે, ત્યારે આ કેમ્પમાં કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે રજીસ્ટર્ડ થયેલા દરેક લાભાર્થીઓને કેમ્પના સ્થળે કયા સમયે હાજર રહેવું ? તેની જાણ સાથેના ટોકન નંબરનું વિતરણ આજે જાહેર રજાના દિવસે પણ વોર્ડ ઓફિસો ચાલુ રાખીને લાભાર્થીઓને કરવામાં આવ્યુ હતું તે વખતની તસ્વીરોમાં વોર્ડ ઓફિસે લગાવેલી નામાવલીમાં પોતાના નામ અને નંબર શોધી રહેલા લાભાર્થીઓ દર્શાય છે. નોંધનીય છે કે આવા દ્રશ્યો સામાન્ય રીતે ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સમયે જ જોવા મળે છે ત્યારે આજે વોર્ડ ઓફિસે આવા દ્રશ્યો જોઈને અનેક લોકોને આશ્ચર્ય પણ થયુ હતું.

(5:09 pm IST)