Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કસરત કરતા હશો તો આરોગ્યપ્રદ ખોરાક માટેની ઇચ્છા કુદરતી રીતે થવા સંભવ

ડાયેટ કરવાનું લાંબા સમય માટે લગભગ દુષ્કર છે ત્યારે જીવનમાં શારીરિક પ્રવૃતિ ઉમેરવી ખૂબ ફાયદાકારક

તંદુરસ્ત રહેવાનો પ્રયાસ અઘરો છે. ડોકટરોના કહેવા પ્રમાણે સક્રિય રહેવું, સારૂ ખાવુ, વધારે સુવું, વધારે પાણી પીતા રહેવું તથા બીજું બધુ કરવું અશકય જણાય છે પણ હમણા થયેલ એક રીસર્ચમાં જણાવાયું છે કે તેના માટેનો એક સારામાં સારો રસ્તો છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસીટીમાં પ્રકાશિત થયેલ અભ્યાસ અનુસાર કસરત એક એવો ઉપચાર છે જે તમને આરોગ્યપ્રદ ખોરાક તરફ લઇ જાય છે.

અભ્યાસની  સહલેખિકા મોલી બ્રે જે ટેક્ષાંસ યુનિવર્સિટીમાં ન્યુટ્રીશન ડીપાર્ટમેન્ટના ચેરપર્સન છે તેમનું કહેવું છે ડાયેટ પ્રમાણેનો ખોરાક ખાવો એ અઘરૂ છે. મોટાભાગના લોકો તેનાથી દૂર ભાગે છે. તેનાથી દૂર ભાગવાના બદલે જો તમારા જીવનમાં શારીરિક પ્રવૃતિઓ ઉમેરવામાં આવે તો તમારા ખોરાકમાં આપોઆપ સુધારાઓ આવવા લાગે છે.

આ અભ્યાસ માટે રીસર્ચરોએ કોલેજના ૨૫૦૦ એવા વિદ્યાર્થીઓને લીધા હતા જેઓ ડાયેટમાં નહોતા માનતા અને અઠવાડિયામાં ૩૦ મીનીટથી ઓછી કસરત કરતા હતા. આ વિદ્યાર્થીઓને ૧૫ સપ્તાહની એરોબીક એકસરસાઇઝ પ્લાન હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમને કહેવાયું હતું કે તેમણે તેમની ખાવાની ટેવોમાં ફેરફાર નથી કરવાના. તેમને ડાયેટ અંગેનું પ્રશ્નપત્ર શરૂઆતમાં અને પ્રોગ્રામ પુરો થવા સમયેે ભરવા માટે અપાયું હતું.

તેમને ખાદ્યશૈલીમાં ફેરફાર કરવાની ના કહેવાઇ હતી. છતાં લગભગ ૨૦૦૦ વિદ્યાર્થીઓ એકસરસાઇઝ પ્લાન દરમિયાન ફેરફાર કરવા લાગ્યા હતાં. કસરત કરનારા ઘણા બધાએ વધારે ન્યુટ્રીશન વેલ્યુ વાળા ખોરાક જેવા કે ફળ, શાકભાજી, ચરબી વગરનું માંસ, મચ્છી અને બદામ, ઓછા તળેલા ખોરાક ખાવાનંુ શરૂ કર્યું હતું. રીસર્ચરોના તારણ અનુસાર એક વ્યકિત જેમ જેમ વધારે  કસરત કરતો ગયો તેમ તેમ તેનો ખોરાક સુધરવા લાગ્યો હતો.

કસરતનો સમયમાં વધારાને પશ્ચિમની પદ્ધતિના ખોરાકમાં (લાલ માંસ, તળેલા ખોરાક, પેકેટનો નાસ્તો) ઘટાડો થતો જોવા મળ્યો હતો. અને આરોગ્યપ્રદ ખોરાકની ઇચ્છા વધારે જોવા મળી હતી.

જો કે આવું કેમ થાય છે તે આ અભ્યાસમાં નહોતું જોવામાં આવ્યું પણ રીસર્ચરોએ કહયું કે તેના માટે ભવિષ્યમાં અલગ અભ્યાસ કરવામાં આવશે.(૧.૩૩)

(2:47 pm IST)