Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

શ્રધ્ધા- ભકિત સાથે તપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મ.સા.નો ૨૦મો સ્મરણાંજલિ અવસર ઉજવાયો

ગુરૂ કદી માટલું ન હોય, વહેતી સરિતા હોય જે પીએ એનું પાણી હોયઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા.૯: જેમના અમોઘ વચનોના પ્રાગટ્યથી અશકય પણ શકય બની જતું એવા વચનસિધ્ધિના સ્વામી અને જેમના ચરણમાં અનેક પ્રકારની લબ્ધિઓ આળોટી રહી હતી તેવા લબ્ધિધારી સિધ્ધપુરૂષિ તપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની ૨૦ મી પુણ્યસ્મૃતિનો અવસર તેઓશ્રીના જ સમાધિસ્થાન એવા રાજકોટ સ્થિત તપસમ્રાટ તીર્થધામના આંગણે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે અત્યંત શ્રધ્ધા-ભકિતભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો.

પરમ ઉપકાર કરી જનારા એવા ઉપકારી ગુરૂ ભગવંત તપસમ્રાટ પૂજયશ્રીના ચરણમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ અવસરે ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, શાસન ગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, પૂજય મુકત-લીલમ ગુરૂણી પરિવારના સાધ્વીવૃંદની સાથે અનેક ક્ષેત્રોથી વિશાળ સંખ્યામાં ભાવિકો વિશેષરૂપે પદયાત્રા કરીને પધાર્યા હતાં.

તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીના અંતેવાસી કૃપાપાત્ર સુશિષ્ય એવા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.એ આ અવસરે ઉપકારી ગુરૂ ભગવંતના સંસ્મરણોને વાગોળીને ગુરુ તત્વનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, સમયનો પ્રવાહ ચાહે વર્ષોના વર્ષો વ્યતીત કેમ ન થઈ જાય પરંતુ કેટલાંક એવા હોય છે જેમની વિદાયના વર્ષો પછી પણ એમનો પ્રભાવ અનુભવાતો હોય છે. જેમણે જીવતાં અનેકોને શાંતિ-સમાધિ આપી હોય એવા જ આત્માઓની વિદાય પછી સમાધિસ્થાન રચાતું હોય છે. ગુરૂ કદી કોઈની માલિકીનું માટલું નથી હોતાં પરંતુ ગુરૂ હંમેશા એક વહેતી સરિતા હોય છે, જે પીએ એનું પાણી હોય છે. ગુરૂ કોઈ એકના નથી હોતાં, બધાંના હોય છે. ગુરૂ એક એવું તત્વ હોય છે, જે પામે જેટલું પામી શકે એના તે બની જતાં હોય છે. જે કોઈક એકના હોય છે તે સંસારી હોય છે પરંતુ જે સર્વના હોય તે વાસ્તવિકતામાં સંતત્વને વરેલાં હોય છે. જેને ગુરૂના દરેક શબ્દ સોના કરતાં પણ વધારે મૂલ્યવાન લાગતાં હોય તે ગુરૂના એક શબ્દ માત્રને પણ વેડફી નથી શકતાં.

તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીના બેજોડ ગુણ સંપન્ન જીવનનું અત્યંત ભાવવાહી શૈલીમાં વર્ણન કરતાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીએ સમજાવ્યું હતું કે, શબ્દોથી ગુરૂદેવ નામનાં સંબોધન કરવાવાળા અનેક હોય છે પરંતુ શ્રધ્ધાથી ગુરૂદેવનું સંબોધન કરવાવાળા કોઈક હોય છે. ગુરૂ એ જ હોય જે હજારોની વચ્ચે પણ પાત્રવાન શિષ્યને પારખી લેતાં હોય છે. ગુરૂ પળ માટે મળે પણ ભવ સુધારી દેતાં હોય છે.

આ અવસરે ડો. પૂજય શ્રી આરતીબાઈ મહાસતી પૂ. શ્રી ઉર્મીબાઈ મહાસતીજીએ ગુણાંજલી અપેલ. ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબે આ અવસરે તપસમ્રાટ પૂજય ગુરૂદેવશ્રીને સ્મૃતિપટ પર લાવીને સુંદર શબ્દોમાં ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ડો. પૂજય શ્રી અમીતાબાઈ મહાસતીજીએ તપસમ્રાટ પૂજય ગુરૂદેવશ્રીને ભાવાંજલિ અર્પણ કરતાં ૨૧ વર્ષ પછી આજે પણ એમને જીવિત અને સાક્ષાત સ્વરૂપે ઓળખાવ્યા હતાં. લુક એન લર્ન જૈન પાઠશાલા- રાજકોટના દીદીઓએે બોધદાયક પ્રેરણાત્મક સૂત્રો સાથે કલાત્મક રીતે તપસમ્રાટ પૂજય ગુરૂદેવશ્રીની મુખાકૃતિ રચીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. એ સાથે જ, લુક એન લર્નની બાલિકાઓ દ્વારા સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારીએ નમ્રમુનિ મહારાજ સાહેબ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.  શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના ચંદ્રકાંતભાઈ શેઠે આ અવસરે સ્વાગત કરેલ ડોલરભાઈ કોઠારીએ કાર્યક્રમનું  સંચાલન કરેલ.

ઉપરાંતમાં, ગાદીપતિ પૂજય ગુરુદેવ શ્રી ગિરિશચંદ્રજી મહારાજ સાહેબના જીવનકવન પર આધારિત ગ્રંથ 'મહાનાયક'  ને આ અવસરે  ગાદીપતિ પૂજય ગુરૂદેવશ્રીના સમાધિસ્થાન પર અર્પણ કરીને સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. નટુભાઇ શેઠ પરિવાર, ચંદ્રકાંતભાઈ શેઠ પરિવાર તેમજ પારસધામ અને પાવનધામ તરફથી ઉપસ્થિત ભાવિકોને લક્કી ડ્રો માં ચાંદીની ગીની તેમજ શ્રીયંત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત ભાવિકો માટે નૌકારશી વ્યવસ્થા નટુભાઇ શેઠ પરિવાર તરફથી તેમજ ગૌતમ પ્રસાદની વ્યવસ્થા નટુભાઇ ચોકસી પરિવાર તરફથી કરવામાં આવી હતી.(૩૦.૩)

 

(11:41 am IST)