Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજકોટ જિલ્લાની ધો. ૧૦-૧૨ની ૮૯૫ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તા. ૧૧ મી જાન્યુઆરીથી શરૂ કરવા તૈયારીઓ

કોરાનાનું સંક્રમણ અટકાવવા જરૂરી તકેદારી માટે ૫૬ કર્મયોગીઓની ૨૮ ટીમ બનાવાઇ

રાજકોટ : કોરોના સંક્રમણના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા ૧૦ મહિનાથી બંધ સ્કુલોને તા. ૧૧ મી જાન્યુઆરીથી ધો. ૧૦-૧૨ની સ્કુલો શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનો સુવ્યવસ્થિત ઢબે અને અસરકારક રીતે અમલીકૃત થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે.
  આ તકે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા એ જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તા. ૧૧ મી જાન્યુઆરીથી ધો. ૧૦-૧૨ની સ્કુલો શરૂ કરવાના દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં કુલ ૮૯૫ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાની કુલ ૪૮ સરકારી શાળા, ૨૪૨ જેટલી ગ્રાન્ટેડ શાળા તથા ૬૦૫ જેટલી ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ધો. ૧૦ના અંદાજિત ૪૮,૦૦૦ અને ધો. ૧૨ના અંદાજિત ૪૦,૦૦૦ જેટલા જ વિદ્યાર્થીઓ પૈકી જેટલા વિદ્યાર્થીઓને વાલીની સંમતી મળશે તેઓને જ શાળાએથી અભ્યાસ કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓને વાલી તરફથી શાળાએ અભ્યાસ કરવાની મંજુરી આપવામાં નહીં આવે તેને માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થા સમી ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવશે.
   સોમવારે શાળા શરૂ થશે ત્યારે શાળામાં પ્રવેશ, અભ્યાસ તથા શાળા છુટતી વખતે સોસિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક તથા સેનેટાઈઝેશનની પુરતી વ્યવસ્થા જળવાય તેનું ધ્યાન રાખવાની શાળાઓને સુચના આપવામાં આવી છે. તમામ શાળાઓમાં થર્મલ ગન વડે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચકાસણી કરવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી કે શિક્ષકમાં કોરોનાના લક્ષણો જણાય તો સત્વરે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે, તેમ  કૈલા ઉમેર્યુ હતું.
કોરોના સંક્રમણના કારણે છેલ્લા ૧૦ મહિના સુધી સ્કુલો બંધ રહેવાના કારણે વિદ્યાર્થીઓનો પ્રત્યક્ષ અભ્યાસ થયો નથી જેને ધ્યાને રાખીને શનિ રવિની રજાઓમાં અભ્યાસ ચાલુ રાખી સમયનો સંપૂર્ણ સદુપયોગ કરવાની શ્રી કૈલાએ અપીલ કરી હતી.
કોરોના સંક્રમણને અટકાવવા એક જ ધોરણના વિવિધ વર્ગોમાં વારા ફરતી રીશેષ આપવામાં આવશે. જિલ્લાની તમામ સ્કુલોના ચેકીંગ માટે બે વ્યક્તિઓની કુલ ૨૮ ટીમ એમ ૫૬ લોકોની ટીમ બનાવવામાં આવી છે, જે જિલ્લાની સ્કુલોમાં સોસિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક તથા સેનેટાઈઝેશનની પુરતી વ્યવસ્થા જળવાય તેનું ધ્યાન રાખશે તેમજ નિયમીત રીતે ચેકીંગ કરશે, તેમ  કૈલા ઉમેર્યુ હતું.

(9:21 am IST)