Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને વળતર ચૂકવવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૮ :. રાજકોટની કોર્ટ દ્વારા નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ આરોપી રમેશભાઈ મોહનભાઈ પિત્રોડાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૧,૨૪,૦૦૦ વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ અને વળતર ન ચુકવે તો વધારાની છ માસની સજા કોર્ટે ફરમાવેલ.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદી પિનાકીનભાઈ લીલાધરભાઈ દલાલ પાસેથી આરોપી રમેશભાઈ મોહનભાઈ પિત્રોડાએ સંબંધના દાવે ધંધાકીય ઉપયોગ માટે હાથ ઉછીના રૂ. ૧,૨૪,૦૦૦ લીધેલ હતા. ત્યાર બાદ ફરીયાદી પિનાકીનભાઈએ સદરહુ રકમની માંગણી કરતા આરોપી રમેશભાઈએ તા. ૨૬-૧૦-૨૦૧૮ના રોજનો રૂ. ૧,૨૪,૦૦૦નો ચેક આપેલ. જે ચેક 'ફંડસ ઈનસફીસીયન્ટ'ના શેરા સાથે પરત ફરતા, ફરીયાદીએ આરોપી રમેશભાઈને પોતાના વકીલ મારફત ડીમાન્ડ નોટીસ પાઠવેલ છતાં નોટીસમાં જણાવેલ દિવસ-૧૫ની અંદર ચેક મુજબની રકમની ચુકવણી ન કરતા ફરીયાદી પિનાકીનભાઈ લીલાધરભાઈ દલાલે આરોપી રમેશભાઈ મોહનભાઈ પિત્રોડા વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

ત્યારબાદ ફરીયાદ પક્ષના વકીલશ્રીએ કરેલ રજૂઆત ધ્યાને લઈ રાજકોટના એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ શ્રી જી.ડી., પડીયાએ આરોપી રમેશભાઈ મોહનભાઈ પિત્રોડાને દોષિત ઠરાવી ૧ વર્ષની કેદની સજા તથા રૂ. ૧,૨૪,૦૦૦ વળતરની રકમ ફરીયાદીને ૧ માસની અંદર ચુકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ૧ માસની અંદર રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી પિનાકીનભાઈ લીલાધરભાઈ દલાલ વતી વકીલ તરફે ધર્મેન્દ્ર જે. ભટ્ટ, ચિરાગ એમ. કક્કડ, મહેન્દ્ર જે. કક્કડ અને નિરજગીરી એમ. ગોસ્વામી રોકાયેલ હતા.

(3:05 pm IST)