Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

શિતલ પાર્કમાં નજીવી બાબતે રિધ્ધીબેન ગોંડલીયાને ત્રાસ : પતિ હિરેન સામે ગુનો

પતિ હિરેન દારૂ પી મારકુટ કરતો : દીકરા પર પણ હાથ ઉપાડી લેતો

રાજકોટ તા. ૮ : દોઢ સો ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્કમાં અમૃત રેસીડેન્સીમાં રહેતી મહિલાને પતિ દારૂ પી નજીવી બાબતે ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શિતલ પાર્ક રંભામાની વાડી પાસે અમૃત રેસીડેન્સી બ્લોક નં. ૧૦૨માં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા રીધ્ધીબેન હિરેનભાઇ ગોંડલીયા (ઉ.૨૮) એ મહિલા પોલીસ મથકમાં નાણાવટી ચોક રામેશ્વર પાર્ક-૧ શેરી નં. ૫માં રહેતો પતિ હિરેન સુનીલભાઇ ગોંડલિયા સામે ફરિયાદ નોંધાવી છે. રિધ્ધીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે બ્યુટી પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાના ફેબ્રુઆરી મહિનામાં અમરેલી ખાતે હિરેન સુનીલભાઇ ગોંડલીયા સાથે કોર્ટ મેરેજ થયા હતા. પોતાના બીજા લગ્ન છે. પોતાના પહેલા લગ્ન ૧૦ વર્ષ પહેલા રાજકોટમાં રહેતા જીજ્ઞેશ ભુપતભાઇ પરમાર સાથે થયા હતા. તે લગ્નજીવન દરમિયાન પોતાને એક પુત્રની પ્રાપ્તી થઇ હતી. તે હાલ ૭ વર્ષનો છે. તે લગ્નજીવન દરમિયાન પોતાને જીજ્ઞેશ સાથે મનમેળ ન હોય, જેથી પોતે ૨૦૧૬માં રાજીખુશીથી છૂટાછેડા લઇ લીધા હતા અને પુત્ર હાલ પોતાની પાસે છે. બાદ હિરેન સાથે પોતાના બીજા લગ્ન થયા હતા. લગ્ન સમયે પતિ હિરેને પોતાના ૭ વર્ષના પુત્રની તમામ પ્રકારની જવાબદારી લીધી હતી અને લગ્ન બાદ ત્રણેય સાથે રહેતા હતા. પોતે પતિ હિરેનને કહેતા કે 'આપણે તમારા માતા-પિતાને મળવા જઇએ હું તેઓને કયારેય મળેલ નથી' તેમ કહેતા પતિ હિરેન પોતાને લઇ જતો નહી અને પોતાને પણ જવા દેતો નહી અને અવાર-નવાર નજીવી બાબતે ઝઘડો કરી ઢોરમાર મારતો હતો. પુત્ર ઉપર પણ હાથ ઉપાડી લેતો હતો. પતિ અવાર-નવાર ઝઘડો કરતો હોય તેથી પોતે અગાઉ અરજી કરી હતી ત્યારે બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું પરંતુ પતિમાં કોઇ સુધારો થયો ન હતો. તે નાની નાની બાબતમાં દારૂ પી ઝઘડો કરી શારીરિક - માનસિક ત્રાસ આપતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. જી.એન.પરમારે તપાસ હાથ ધરી છે.

(3:00 pm IST)