Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કોંગ્રેસ ભારત બંધ કરાવવા નિકળી છે ત્યારે દેશની જનતાએ કોંગ્રેસની દુકાનો કાયમી માટે બંધ કરી દીધી છે

બંધના એલાનના નાટકો બંધ કરી ભાજપ સરકારે કરેલા નિર્ણયોને ઘર-ઘર સુધી પહોંચાડે : તો પણ દેશસેવા સાર્થક ગણાશેઃ મિરાણી-ભંડેરી-ભારદ્વાજ-માંકડ-કોઠારી-રાઠોડ

રાજકોટ, તા. ૮ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા, રાજયમાં અને દેશમાં કોંગ્રેસ સાફ અને સતાવિહોણી થઇ રહી છે ત્યારે હવે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ફરી સતા માટે રઘવાયી બની દેશમાં કોમવાદ, જ્ઞાતિવાદ અને નકસલવાદ જેવા મુદાઓને જોરશોરથી પ્રાધાન્ય આપી રહી છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ભારતબંધનું એલન આપ્યું છે તે દેશની જનતા માટે હાસ્યાસ્પદ બન્યું છે ત્યારે આજના બંધના એલાનને શહેરીજનોએ જાકારો આપી કોંગ્રેસના ગાલે એક તમાચો માર્યો છે.

ગુજરાત રાજયમાં છેલ્લા રપ વર્ષથી ભાજપાના નેતૃત્વવાળી સરકાર દ્વારા અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવેલ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર દ્વારા ખેડુતલક્ષી અનેક નિર્ણયો કરેલ છે જેમાં ખાસ કરી એકજ ખેતરમાં બે વીજ કનેકશન મળે, ખેડુતોને ર૪ કલાક વીજળી મળે તે માટે કિસાન સુર્યોદય યોજના જેવી અનેક કૃષિઅને કિસાનલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા એક કિસાનલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખેડુતો પોતાના પાકનું સીધુ જ વેંચાણ કરી શકે અને પાકના પોષણક્ષમ ભાવ મળી શકે અને આવનારા સમયમાં ખરા અર્થમાં દેશ કૃષિપ્રધાન દેશ બને અને આ કૃષિ વિષયક બીલથી દેશના કિસાનોમાં પણ એક આનંદની લાગણી જોવા મળી છે ત્યારે આવા ખેડૂતહિતલક્ષી નિર્ણયોથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કોંગ્રેસ ફરી અમલમાં મૂકી હોય તેવું આજના કોંગ્રેસપ્રેરિત બંધના એલાન પરથી ફલિત થઇ રહ્યું છે. પરંતુ દેશભરમાં ખેડુતો, વેપારીઓ અને લોકોને આજે આ બંધને જાકારો આપી પોતપોતાના ધંધા-રોજગારને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે કોંગ્રેસ આવા બંધના એલાનના નાટકો બંધ કરી ખેડુતલક્ષી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા સરકારે કરેલા નિર્ણયોને ઘર ઘર સુધી પહોંચાડે તો પણ દેશસેવા સાર્થક ગણાશે.

અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે કોંગ્રેસ આજે ભારત બંધ કરાવવા નીકળી છે. પરંતુ દેશની જનતા એે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ભાજપ તરફી મતદાન કરી કોંગ્રેસની દુકાનો બંધ કરાવી દીધી છે ત્યારે આવનારા સમયમાં પણ યોજાનારા  ચૂંટણીઓમાં કોંગ્રેસને પ્રજા જાકારો આપશે એટલે બંધના એલાનો આપી ગુજરાત અને શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ ન કરે એમ અંતમાં જણાવેલ હતું.

(3:44 pm IST)