Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

જબ જબ ભાજપ ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ...ભાજપ સરકાર હાય-હાયના નારાઃ મવડી ઓવર બ્રિજ પર ૮ કોંગી કાર્યકરોના રોડ પર બેસી ચક્કાજામ

પોલીસની હાજરીમાં ચક્કાજામઃ એક કાર્યકર રોડ પર સુઇ ગયાઃ પોલીસે ટીંગા ટોળી કરી, ખેંચીને પીસીઆર વેનમાં બેસાડ્યાઃ કોર્પોરટર સંજય અજુડીયા સહિતની અટકાયતઃ યાજ્ઞિક રોડ પર તનિષ્કનો શો રૂમ બંધ કરાવવામાં ચડભડઃ સામા કાંઠે વેપારીએ કાર્યકરો સામે હાથ જોડ્યાઃ યુનિવર્સિટી રોડ પર કોંગી આગેવાન રોડ પર સુઇ ગયા

નીચેની તસ્વીરોમાં સામા કાંઠે ઇમિટેશન બજારમાં કોંગી આગેવાનો બંધ કરાવવા આવતાં વેપારીએ હાથ જોડી અમે બંધ કરી દઇએ છીએ તેમ કહ્યું હતું. જ્યારે યાજ્ઞિક રોડ પર ઇમ્પિરીયલ પેલેસ સામે તનિષ્કનો શો રૂમ બંધ કરાવવા યુથ કોંગ્રેસના આગેવાનો આવતાં સિકયુરીટીમેન સાથે ચડભડ થઇ હતી. યુનિવર્સિટી રોડ પર રાજદિપસિંહ રોડ પર સુઇ ગયા હતાં. એ પછી પોલીસે આ તમામની અટકાયત કરી હતી. ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. નીચેની તસ્વીરમાં એનએસયુઆઇના પુર્વ પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, પ્રદેશ કોંગી મંત્રી રાજદિપસિંહ જાડેજા તથા વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર મકબુલ દાઉદાણીની અટકાયત થઇ હતી તે દ્રશ્યો અને સોૈથી છેલ્લે નીચે કેકેવી ચોકમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા બીજા અધિકારીઓ, કર્મચારીઓ બંદોબસ્તમાં જોવા મળે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટઃ નવા ખેતી અંગેના કાયદાનો વિરોધ કરવા ખેડૂત સંગઠનોએ આજે આપેલા ભારત બંધની રાજકોટમાં નહિવત અસર દેખાઇ છે. આમ છતાં ઠેકઠેકાણે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો તેમજ બીજા પક્ષોના આગેવાનો કાર્યકરો બંધ પળાવવા નીકળી પડ્યા હતાં. પોલીસે અનેક ઠેકાણેથી આવા આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. પોલીસ સતત પેટ્રોલીંગમાં હતી અને જ્યાં પણ કાર્યકરો, આગેવાનો બંધ કરાવવા નીકળતાં દેખાય ત્યાંથી અટકાયત કરી લેતી હતી. દરમિયાન સવારે સાડા અગિયારેક વાગ્યે મવડી ઓવર બ્રિજ પર કોંગી આગેવાનો વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર સંજયભાઇ ધીરજભાઇ અજુડીયા, વોર્ડ પ્રભારી કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ જગદીશભાઇ સખીયા, નિલેષ ભાલોડી, કિસન પરસાણીયા, મહેન્દ્રસિંહ જાડેજા અને ભરત સિંધવ, ૮  કાર્યકરો પહોંચી ગયા હતાં અને રોડ પર બેસી જઇ ભાજપ સરકાર હાય હાય...નવો કાયદો પાછો ખેંચો...જબ જબ ભાજપ ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ...જેવા નારા લગાવ્યા હતાં. લગભગ દોઢેક મિનીટ સુધી આ કાર્યકરોએ રોડ પર પલાઠી વાળી બેસી જઇ ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. પોલીસ પણ હાજર હતી. પોલીસે બાદમાં આ તમામની અટકાયત કરી હતી. કેટલાકની ટીંગાટોળી કરવી પડી હતી. આ કાર્યવાહી વખતે પણ એકાદ બે કાર્યકર ફરીથી રોડ પર બેસી ગયા હતાં અને એક કાર્યકર તો રોડ પર સુઇ ગયા હતાં અને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. અંતે પોલીસે તમામની અટકાયત કરી પીસીઆર વેનમાં બેસાડી દીધા હતાં અને પોલીસ મથકે લઇ જઇ કાર્યવાહી કરી હતી. તસ્વીરોમાં કોર્પોરેટર-આગેવાનો-કાર્યકરો કઇ રીતે મવડી ઓવર બ્રિજ પર બેસી ગયા હતાં અને ચક્કાજામ કર્યો હતો તેના દ્રશ્યો જોઇ શકાય છે.

બહુમાળી ભવન પાસેથી એનસીપીના ભોૈમિક પારેખ સહિત પાંચની અટકાયત

રાજકોટઃ ખેડૂત સંગઠનોએ ખેતી વિષયક નવા કાયદાના વિરોધમાં આપેલા બંધના એલાનને કોંગ્રેસ સહિતના અગિયારથી વધુ પક્ષોનો ટેકો મળ્યો છે. બંધના એલાન સંદર્ભે રાજકોટમાં સવારથી જ અલગ-અલગ પક્ષના આગેવાનો, કાર્યકરો બંધ કરાવવા નીકળી ગયા હતાં. પોલીસે પણ સતત અટકાયત ચાલુ રાખી હતી. સવારે બહુમાળી ભવન ચોકમાં બંધ કરાવવાના ઇરાદે નીકળેલા એનસીપીના ભોૈમિક પારેખ સહિત પાંચને પીએસઆઇ કે. ડી. પટેલ સહિતની ટીમે અટકાયત કરી લીધી હતી.

ભારત બંધ છે એટલે અમે બંધ રાખ્યું, ખેડૂતોના સમર્થન બાબતે કહ્યું-એ અમારો વિષય નહિ

. રાજકોટઃ ગુંદાવાડીમાં અકિલા ફેસબૂક લાઇવ ન્યુઝની ટીમ પહોંચી ત્યારે મોટા ભાગની દૂકાનો બંધ જોવા મળી હતી. અમુક વેપારીઓ દૂકાન બંધ કરી રહ્યા હતાં. તેમને પુછવામાં આવ્યું કે શા માટે બંધ પાળો છો? તો તેમણે કહ્યું હતું કે ભારત બંધ છે એટલે બંધ રાખ્યું છે. ખેડૂતોને સમર્થન આપો છો? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ અમારો વિષય નથી. અમે તો ભારત બંધના એલાન સંદર્ભે દૂકાન બંધ રાખી છે.

વિરોધ કરવો એ અમારો હક્ક છે, સરકાર ખેડૂતોનો અવાજ દબાવી ન શકે, ભલે ૧૪૪મી કલમ અમલમાં હોયઃ કોંગી કાર્યકરો

રાજકોટઃ પેલેસ રોડ અને યાજ્ઞિક રોડ પર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકરોએ કહ્યું હતું કે ભલે ૧૪૪મી કલમ લાગી હોઇ, પરંતુ વિરોધ કરવો એ અમારો હક્ક છે. સરકાર અને મુખ્ય મંત્રી ગુજરાતના ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રણજીત મુંધવા, વોર્ડ નં. ૭ના પ્રમુખ કેતન ઝરીયા, મહામંત્રી ગોપાલ બોરાણા સહિતની યાજ્ઞિક રોડ પરથી અટકાયત કરી હતી.

અમુક વેપારીઓને તો બંધ શા માટે છે એ પણ ખબર નહોતી

રાજકોટઃ ખેડૂત સંગઠનોના આંદોલનના એલાનમાં ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા છે. આ કારણે વેપારીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ હતી. મોટા ભાગના વેપારીઓએ જો કે રાબેતા મુજબ દૂકાનો ખુલ્લી રાખી હતી. પરંતુ અમુક વિસ્તારોમાં બંધ કરાવવા માટે આગેવાનો-કાર્યકરો નીકળતાં વેપારીઓએ ભયને કારણે ખુલ્લી દૂકાનો બંધ કરી દીધી હતી. અમુક એરિયામાં તો વેપારીઓએ કયા કારણોસર બંધ છે એ બાબતની પોતાને ખબર પણ નહિ હોવાનું કહ્યું હતું. તેમજ ભારત બંધનું એલાન છે એટલે બધા બંધ રાખે છે તો અમે પણ દૂકાન બંધ રાખી છે તેમ કહ્યું હતું.

(2:55 pm IST)