Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

કતલની રાતે ખનખનીયાનો થશે વરસાદઃ ભારે ખેંચાખેચી

મોડી રાતે બધા સુઈ જશે ત્યારે 'ચુનંદા' આગેવાનો શામ-દામ-દંડ-ભેદની નીતિથી નૈતિકતાના ઉડાડશે ચિંથરા :અંગત સબંધોનો થશે બેફામ દૂર ઉપયોગ

રાજકોટ, તા. ૮ :. શહેરો કી ગલીયો મેં જબ અંધેરા હોતા હૈ, આધી રાત કે બાદ... આ ગીત મુજબ આજે રાજકોટની ચારેય બેઠકોમાં મધરાત્રે ચૂંટણીના કલંકીત કાવાદાવા જામશે. કતલની રાત્રે શામ, દામ, દંડ, ભેદની નીતિથી ગંદી રાજકીય રમતો ખેલાશે. બન્ને પક્ષના 'ચુનંદા' આગેવાનો વધુ કરી છૂટવા બનતુ બધુ કરી છૂટશે. અંગત સબંધોથી તથા ખનખનીયાના ખેલથી ખેલ આદરાશે. સર્વેલન્સ ટીમ જો મધરાત્રે કોમ્બીંગ હાથ ધરે તો અઢળક કાળુ નાણુ ઝડપાઈ શકે.

મતદાનની પૂર્વ રાત્રીએ રાજકીય આગેવાનો ધાર્યા નિશાન પાર પાડવા તનતોડ પ્રયાસો કરતા જ હોય છે. શહેરની ચારેય બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે બન્ને પક્ષના 'નબળા' કે 'લેભાગુ' આગેવાનો રોકડી કરીને પક્ષને દગો વર્ષોથી આપતા આવ્યા છે. આજે કૈંક ચોંકાવનારા રાજકીય કાવાદાવા ખેલાશે તે નિશ્ચિત છે.

ભાજપ શિસ્તબદ્ધ પક્ષ કહેવાતો અને કોંગ્રેસ સંપૂર્ણ લોકશાહીને વરેલી છે. શહેરના એક સતત જીતવા પૂર્વ અગ્રણીના અમુક અંગત મદદનીશો કતલની રાત્રીના ખેરખાં મનાતા અને મતદાનની આગલી કતલની રાત્રીના કોંગ્રેસની કેડ ભાંગી નાખવામાં માહેર હતા  તેવી  ચર્ચા   છે ત્યારે આજની રાત્રે પણ ખનખનીયાના ખેલ મંડાશે તેમ મનાય છે.

શહેરમા આજ સુધી સભા, ભોજન સમારંભ, સ્નેહમિલન, ગ્રુપ મીટીંગ, ખાનગી મીટીંગો, બાઈક રેલી, રોડ-શો એ બધુ કરીને જાહેર પ્રચાર કામગીરી પૂરજોશથી થઈ પરંતુ આજની રાત્રે ખાનગી પ્રચાર (કાર્યકર તોડ) કામગીરી હાથ ધરાશે.

હરીફ પક્ષમાં મજબૂત મનાતા આગેવાનોને મતદાનના દિવસે શાંતી રાખવાની 'અપીલ' કરવા આજે રાત્રે મરણીયા પ્રયાસો થશે.

આજે બન્ને પક્ષના નાના કાર્યકરો તથા પોલીંગ એજન્ટો પોતપોતાની 'કીટ' લઈને સુઈ જશે. ત્યાં અમુક લાંચીયા અને ફુટેલા કાર્યકરો-આગેવાનો દર વર્ષની જેમ રાત્રે નાણાના ખેલની રાહ જોતા જાગતા હશે અને રાત્રે 'સેટીંગ' કરીને બીજા દિવસે પોતાની દોડધામ હળવી કરી નાખશે.

ચૂંટણીના મેદાનમાં કતલની રાત્રીના સફળ પ્રયાસોનું ખૂબ જ મોટુ મહત્વ છે. અમુક વિસ્તારોમાં જે તે પક્ષ માટે સારૂ વાતાવરણ હોય પરંતુ રાત્રે ખેલ પડી જતા ચૂંટણી કામગીરીના મુખ્ય સારથીઓના ખીસ્સામાં 'માલ' પડી જતા બીજા દિવસે 'કમીટેડ' મતોને બહાર ન કાઢવામાં આવે તે આખો માહોલ જ બદલાઈ જાય તેવા સંજોગો ઉભા થઈ જતા હોય છે.

જો આજે રાત્રે સરકારી ચૂંટણી તંત્ર કે સર્વેલન્સ ટીમ જો સઘન ચેકીંગ ઝુંબેશ આદરે તો ઘણી મોટી માત્રામાં રોકડ હાથ લાગી શકે  તેમ  જાણકારો  ચર્ચી  રહ્યા  છે.

(5:42 pm IST)