Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ભાજપના રાજમાં માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓનો જ થયો વિકાસ

૨૨ વર્ષના શાસનમાં ૬૦,૦૦૦ નાના-મોટા ઉદ્યોગો બંધ થયા : ઈન્દ્રનીલ : ગરીબોને પરવળે તેવી શિક્ષણ વ્યવસ્થા કોંગી શાસનમાં હતી, આજે ભાજપના આગેવાનોએ ધંધાદારી શિક્ષણ સાથે ભાગીદારી ગોઠવી દીધી

રાજકોટ, તા. ૮ : ગુજરાતમાં ૨૨ વર્ષના શાસનકાળ દરમિયાન ચારેય તરફ વિકાસના બણગા ફૂંકાતી ગુજરાતની ભાજપ સરકારે વિકાસના નામે કેવો વિનાશ કર્યો છે તે ગુજરાતની જનતા હવે બરાબર સમજી ગઈ છે. ૨૨ વર્ષમાં ભાજપ સરકારે હજારો નાના અને મધ્યમ ઉદ્યોગોને અણધડ નીતિ - રીતિના કારણે બંધ કરાવી દીધા. ખેડૂતોની ત્રણ - ત્રણ પાક લેતી કિંમતી જમીન સરકારે વિકાસના નામે પચાવી પાડી. તો બીજી તરફ મોટા મોટા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનોની લ્હાણી કરી. ગુજરાતનો આ તો કેવો વિકાસ!!! ગુજરાત સરકારની આ વિકાસનીતિનો આ વખતની ચૂંટણીમાં પ્રજા જડબાતોડ જવાબ આપશે અને ગુજરાતમાંથી ભાજપ સરકારને ઉખેડી ફેંકશે. તેવા આકરા પ્રહાર ધારાસભ્ય અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઈન્દ્રનીલ રાજયગુરૂએ કર્યા છે.

અમદાવાદમાં રીવરફ્રન્ટ બનાવ્યો પણ રાજકોટમાં નક્કર વિકાસ માટે શું કર્યુ? નાના મોટા બાગ બગીચા, રસ્તા અને એકાદ બે પુલ બનાવી લીધા તેને વિકાસ ન કહેવાય. એક પરિવાર ખાધે - પીધે સુખી હોય પણ નવી આધુનિક સવલતો ન હોય તો વિકાસ ગણી શકાય નહિં. નાના - મોટા બગીચા બનાવી એટલે ખાધે - પીધે સુખી કઈ શકાય. નર્મદા ડેમ કોંગ્રેસના શાસનમાં બની ગયો હતો, ત્યારપછી ભાજપના ૨૨ વર્ષના શાસનમાં કેનાલ કે સબ - કેનાલનું કામ થયુ જ નથી. કેનાલ નેટવર્કનું કામ કરતા ભાજપને કોણ અટકાવતુ હતું. ભાજપના શાસનમાં માત્રને માત્ર ગુંડાગીરીનો વિકાસ થયો છે. બિહાર જેવા જંગલરાજ જેવો વિકાસ થયો છે. ''લો એન્ડ ઓર્ડર'' કાયદાનું વસ્ત્રાહરણ થઈ ગયુ છે. કાયદો વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. એટલે જ લોકોએ વિકાસને ગાંડો કહ્યો હતો. ભાજપે વિકાસના નામે માર્કેટીંગ કર્યુ છે.

કોંગ્રેસના ૩૦ વર્ષના શાસનમાં લોક - કલ્યાણના કામો કર્યા છે. મતલબ કે ડાહ્યો વિકાસ કર્યો હતો. બેરોજગારોને રોજગારી સરકારી સ્કુલ, કોલેજ, ગરીબોને પરવડે તેવું સસ્તુ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલનું નિર્માણ કર્યુ હતું. ડોકટર હતા, અને કુશળ ઈજનેરો પણ હતા. સચિવાલયનું નિર્માણ, કોલેજનું નિર્માણ, ઔદ્યોગિક એકમોની સ્થાપના, સહકારી સંસ્થાઓ અને સહકારી બેંકની સ્થાપના, ઉદ્યોગના વિકાસ માટે જી.આઈ.ડી.સી. રીફાઈનરીઓ વિકાસ પામી હતી. મહેસાણામાં તેલ - ગેસનું સંશોધન ક્ષેત્ર ઉભુ થયુ હતું. ભાજપે ૨૨ વર્ષમાં જૂઠાના ફેલાવ્યા છે. લોકોને ખોટા વાયદા કર્યા છે. વિકાસના નામે ખોટા ગબગોળા ચલાવે છે. ભાજપના ગાંડા વિકાસને લોકો હવે તગેડી મુકશે તે હવે નિશ્ચિત છે તેમ શ્રી રાજયગુરૂએ અંતમાં જણાવ્યુ છે.

(4:59 pm IST)