Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ગુજરાતને રોલ મોડેલ બનાવવા નરેન્દ્રભાઈ મોદીએ કરેલી સાધના એળે ન જાય તે જોજોઃ ગોવિંદભાઈ પટેલ

ગુજરાતને ગરીબ રાખવા માગતી કોંગ્રેસની કૂટનીતિને મતદાન દ્વારા મ્હાત કરવા પૂર્વ મંત્રીશ્રીની અપીલ

રાજકોટ, ૮ : જીવનની પ્રત્યેક ક્ષણને ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે ખર્ચી નાખી સમગ્ર વિશ્વમાં વિકાસના નકશા પાર ગુજરાતને ગૌરવભેર પ્રસ્થાપિત કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને ફરી ગરીબીની ગર્તામાં ધકેલી દેવા કોંગ્રેસ જાતિવાદ, વંશવાદ, કોમવાદ દ્વારા બદનામ કરવાની રાજનીતિ પર ઉતરી આવી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીની વર્ષોની સાધના એળે ન જાય તે જોવાનો રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે પ્રજાને અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતને ગૌરવ અપાવવા મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ કોમવાદી-કટ્ટરવાદી જેવા અનેક કલંકોનો સામનો કર્યો છે. તેમના પર મારવામાં આવેલા પથ્થરોને સિદ્ઘિ બનાવી અને ગુજરાતને વૈશ્વિક નકશામાં મૂકયું છે. તેમના આ કાર્યને આગળ વધારવા ૯ ડિસેમ્બરે 'કમળ'નું બટન દબાવીને વિકાસ યજ્ઞમાં આપણે સૌ આહુતિ અર્પણ કરીએ.

ગોવિંદભાઈએ જણાવેલ કે, નરેન્દ્રભાઈને  અને  ગુજરાતને  બદનામ  કરવાની  રાષ્ટ્રીય  ઝુંબેશ  કોંગ્રેસ  અને  એના કહેવાતા બિનસાંપ્રદાયિક સાથીઓએ ચલાવી હતી. પરંતુ નરેન્દ્રભાઈનો એક જ મંત્ર હતો, 'આપણું ગુજરાત, આગવું ગુજરાત'. રાજયમાં કઈપણ બને એ ખોટું, વિકાસની વાત કરવાના બદલે સતત ગાળો ભાંડવી આ જ વિપક્ષનું કામ છે. પણ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ આ બધું સહન કર્યું. અરે એવા કયા મુખ્યમંત્રી હતા જેમણે કહ્યું હોય કે 'હું ભીખ માગું છું કે તમે તમારી દીકરીને ભણાવો. શિક્ષણનું સ્તર સુધરે એ માટે ગુણોત્સવ,પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો શરૂ કરાવ્યા. કર્મયોગી શિબિરો કરાવી. ગુજરાતના ગામડે ગામડે પાણી અને વીજળી આપ્યા. આજે કોંગ્રેસ નવસર્જનના બણગાં ફૂંકે છે પણ એ તો વર્ષોથી નરેન્દ્રભાઈએ કર્યું જ છે. દોઢ દાયકાથી કરફ્યુ એટલે શું એ કોઈને ખ્યાલ નથી આવું ગુજરાત કોને આભારી છે?

અંતમાં તેઓએ જણાવેલ કે નરેન્દ્રભાઈને હવે નોટબંધીને લીધે કેટલાકની દુકાનો બંધ થઇ એટલે એમને ફરી ભાંડવા લાગ્યા. શું આપણે નરેન્દ્રભાઈની આ મહેનત, આ ખેવના, આ ધગસ, એમનું આ સમર્પણ ભૂલી જઈશું? ના,  ભાજપને મત આપીને આપણે નરેન્દ્રભાઇનું ઋણ ચુકવીશું.

(4:31 pm IST)