Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

નવનિર્મિત હવેલી 'દ્વારકેશ ભવન' માં સોમવારથી પાટોત્સવ

મુળ કાંકરોલી, મથુરા, ધોરાજી સાથે હવે રાજકોટમાં પણ પૂ. શ્રી પ્રબોધકુમારજીના સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાધીશજીની : નવ દિવસ સુધી ઉત્સવભર્યુ આયોજન : સોમવારે બાલાજી હોલથી ભવ્ય શોભાયાત્રા : બુધવારથી ભાગવત સપ્તાહ અને દરરોજ વિવિધ મનોરથ : છપ્પનભોગ મહોત્સવ સમિતિ અને દ્વારકાધીશ સત્સંગ મંડળના નેજા તળે સુંદર આયોજન

રાજકોટ તા. ૮ : શહેરના મવડી ચોકડી ખાતે નવનિર્મિત હવેલી 'દ્વારકેશ ભવન' માં તા. ૧૧ ના સોમવારથી શ્રી ગુંસાઇજી પ્રાગટયોત્સવની સાથે ૯ દિવસીય પ્રાગટયોત્સવનું ધામધુમભર્યુ આયોજન થયુ છે.

સૌરાષ્ટ્રના ધોરાજી મુકામે નિવાસ કરતા વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી પ્રબોધકુમારજી મહારાજશ્રી અને એમના બે આચાર્ય પુત્રો પૂ. ગો. શ્રી અભિષેકકુમાર અને પૂ. ગો. રી રત્નેશકુમારજી મહોદય વૈષ્ણવ સૃષ્ટીમાં આગવો આદર ધરાવે છે. ત્યારે તેમની માથે બિરાજતા બે નિધિ સ્વરૂપો શ્રી ધીંગમલજી પ્રભુ અને શ્રી દ્વારકાધીશ પ્રભુ પૈકી શ્રી દ્વારકાધીશજી છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ બિરાજી રહ્યા છે. લક્ષ્મીનગર બ્રીજ પાસે જુની હવેલીની સીમીત જગ્યાનો અભાવ દુર કરી હવે નુતિન વિશાળ હવેલીનું નિર્માણ કરાતા શ્રી દ્વારકાધીશ સત્સંગ મંડળના ઉપક્રમે તા. ૧૧ થી તા.૧૯ સુધી પાટોત્સવનું આયોજન કરાયુ છે.

કાર્યસુચિ પ્રમાણે તા.૧૧ ના સોમવારે  શ્રી ગુંસાઇજીના પ્રાગટયોત્સવથી તમામ ઉત્સવી કાર્યક્રમોનો પ્રારંભ થશે. આ દિવસે શ્રી દ્વારકાધીશજી પ્રભુ ધોરાજીથી સવારે ૯ વાગ્યે રાજકોટ મુકામે પધારશે. અહીં વ્રજ ભુમી પ્લોટ, ધોળકીયા સ્કુલ પાસે, બાલાજી હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતેથી શ્રી પ્રભુની શોભાયાત્રા શરૂ થશે અને મવડી ચોકડી પાસે નિર્મિત નવા મંદિરે જશે. ત્યાં સવારે ૧૦ વાગ્યે શ્રીના પલના નંદમહોત્સવ અને તિલક મનોરથો  દોહરા ઉત્સવરૂપે મનાવાશે. સાંજે શયન દર્શનમાં શ્રી પ્રભુનો પીલીઘટાનો મનોરથ થશે.

તા. ૧૨ ના મંગળવારે શ્રી દ્વારકાધીશ પ્રભુનો બડોમનોરથ (છપ્પનભોગ) દર્શન  સાંજે ૪ વાગ્યે 'વ્રજ ભુમિ' પ્લોટ, બાલાજી હોલ પાછળ મનાવાશે. અહીંથી શ્રીની શોભાયાત્રા સવારે ૯.૩૦ વાગ્યે હવેલીથી વ્રજ ભુમી પ્લોટ સુધી જશે.

તા. ૧૩ થી તા. ૧૯ સુધી ભાગવત કથા થશે. વ્યાસપીઠ પર ભાગવત ભુષણ પ.ભ. શ્રી રસીકભાઇ શાસ્ત્રીજી બિરાજી કથામૃતનું રસપાન કરાવશે. નુતન હવેલીની બાજુમાં પાછળની સાઇડમાં આવેલ સાર્વજનીક પ્લોટમાં દરરોજ બપોરે ૩ થી ૬.૩૦ કથા શ્રવણનો લાભ લઇ શકાશે. ત્યાર પછી શ્રી પ્રભુના વિવિધ મનોરથ દર્શન થશે. કથા દરમિયાન તા. ૧૫ ના વામન પ્રાગટય, તા. ૧૬ ના શ્રી રામચંદ્ર પ્રાગટય,  શ્રી કૃષ્ણ પ્રાગટય, તા.૧૭ ના ગોવર્ધન પૂજા, તા. ૧૮ ના રૂક્ષ્મણી વિવાહ, અને તા. ૧૯ ના કથાની પૂર્ણાહુતી કરાશે.

દરમિયાન દરરોજ સાંજે ૭ વાગ્યે વિવિધ મનોરથ થશે. જેમાં તા. ૧૩ ના બુધવારે મહાદાન (દાનલીલા), તા. ૧૪ ના ગુરૂવારે છાકલીલા, તા. ૧૫ ના શુક્રવારે પનઘટ, તા. ૧૬ ના શનિવારે ગૌચારણ, તા. ૧૭ ના રવિવારે વ્રજકમલ, તા. ૧૮ ના સોમવારે લાલઘટા, તા. ૧૯ ના મંગળવારે રાસલીલા મનોરથ થશે.

શ્રી દ્વારકેશ ભવન, મવડી ચોકડી, શિવપાર્ક, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ (મો.૯૨૬૫૩ ૧૯૩૮૦) ખાતે આયોજીત આ મહોત્સવમાં વૈષ્ણવજનો અને ધર્મપ્રેમીજનોએ પધારવા છપ્પનભોગ મહોત્સવ સમિતિ અને શ્રી દ્વારકાધીશ સત્સંગ મંડળ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(4:57 pm IST)