Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

જન્મ દિવસને જ મયુરીએ મૃત્યુ દિવસ બનાવ્યો

જંગલેશ્વરની કરૂણ ઘટનાઃ બહેનપણી જેને બર્થ-ડે ગિફટ આપવા આવી તે સખી લટકતી જોવા મળી : ત્રણ માસ પહેલા સગાઇ થઇ'તીઃ આજે લગ્નની તારીખ નક્કી કરવાની હતી પણ તેણીને સગપણ પસંદ નહોતું: વણકર પરિવારમાં કલ્પાંત : બે ભાઇની એકની એક બહેન હતીઃ જેને સાસરે વળાવવાની તૈયારી થઇ રહી'તી તેની અરથી નીકળીઃ કરૂણ દ્રશ્યો

રાજકોટ તા. ૮: જંગલેશ્વર ભીમરાવ ચોક બુધ્ધનગરમાં રહેતી મયુરી વિનોદભાઇ ખીમસુરીયા (ઉ.૧૮) નામની વણકર યુવતિએ આજે પોતાના જન્મદિવસે જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બે ભાઇની એકની એક બહેનની સગાઇ થઇ ચુકી હતી અને આજે લગ્નની તારીખ નક્કી થવાની હતી. પણ સગપણ પસંદ ન હોવાથી તેણીએ આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર બુધ્ધ નગરમાં રહેતી મયુરીનો આજે જન્મદિવસ હોઇ બાજુમાં જ રહેતી તેની બહેનપણી ભારતી કિશોરભાઇ મહિડા તેને બર્થ-ડે ગિફટ આપવા આવી હતી. સવારે સાડા નવેક વાગ્યે મયુરીના માતા નિરૂબેન અને મોટા ભાઇ કામે ગયા હોઇ તેમજ નાનો ભાઇ સ્કૂલે ગયો હોઇ મયુરી એકલી જ હતી. બહેનપણી ભારતી જ્યાં જન્મદિવસની શુભકામના પાઠવવા અને ભેટ આપવા રૂમમાં પહોંચી ત્યાં જ તે અવાચક થઇ ગઇ હતી. તેણે સખી મયુરીને પંખાના હુકમાં બાંધેલા દૂપટ્ટામાં લટકતી જોતાં દેકારો મચાવી દીધો હતો.

અડોશી-પડોશી ભેગા થઇ જતાં સફાઇ કામે ગયેલા મયુરીના માતાને અને મજૂરીએ ગયેલા ભાઇને જાણ કરી હતી. મયુરીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. ભકિતનગરના એએસઆઇ મનહરદાન ગઢવી અને રાઇટર રાણાભાઇ કુગશીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર મયુરી બે ભાઇની એકની એક બહેન હતી અને ધોરણ-૧૨ સુધી ભણેલી હતી. તેના પિતા હયાત નથી. તેણીની સગાઇ ત્રણ માસ પહેલા જાળીયાના મહેશ નામના યુવાન સાથે થઇ હતી. આજે તેણીનો જન્મદિવસ હોઇ લગ્નની તારીખ નક્કી કરવા બપોર બાદ સાસરિયા પક્ષના લોકો આવવાના હતાં. પરંતુ મયુરીને સગપણ પસંદ ન હોઇ તેણીએ ફાંસો ખાઇ જન્મદિવસને જ મૃત્યુદિવસ બનાવી લીધો હતો.

એકની એક લાડકવાયીને સાસરે વળાવવાની તૈયારી કરતાં ખીમસુરીયા પરિવારમાં આજે જ્યારે દિકરીની અરથી ઉઠાવવાની વેળા આવી ત્યારે ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.

(4:16 pm IST)