Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મિતુલભાઈ મારા મોટાભાઈ સમાન, તેઓની સેવા પ્રશંસનીય

સિલ્વર એસોસીએશનના વેપારીઓની મીટીંગમાં શિવરાજ પટેલનું ઉદ્દબોધન

રાજકોટ તા.૮  રાજકોટ-૬૮ વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટણી જંગ લડી રહેલા કોંગ્રેસના નિર્વિવાદ ઉમેદવાર શ્રી મિતુલ દોંગાને વિવિધ જ્ઞાતિ સમાજોના મળી રહેલા વ્યાપક જનસમર્થન વચ્ચે ગઈકાલે રાજકોટ-૬૮ વિસ્તારના વેપારીઓ અને સિલ્વર એસોસિએશનના ૧૫૦૦થી વધુ સભ્યોની મળેલી વિરાટ મીટીંગમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલના સુપુત્ર શ્રી શિવરાજભાઈ પટેલે શ્રી મીતુલભાઈ દોંગાના સમર્થનમાં  ઉપસ્થિત રહી વેપારીઓને સંબોધન કરતા મિતુલભાઇને જંગી બહુમતીથી ચુંટી કાઢવા અપીલ કરી હતી.

શ્રી શિવરાજ પટેલે વેપારીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, તેમના પોતાના દાદા રવજીભાઈ પટેલના સમયથી શ્રી મિતુલભાઇ દોંગાના પરિવાર સાથે ગાઢ સંબંધ રહ્યો છે. વર્ષો જુના પારિવારિક સંબધને નાતે તેઓ મિતુલભાઇને ખુબ નજીકથી ઓળખે છે બલ્કે, મિતુલભાઇ મારા મોટા ભાઈ સમાન છે. મિતુલભાઇની ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ પ્રત્યેની નિષ્ઠા અને સેવાઓ અદભુત અને પ્રશંસનીય રહી છે. મૂકસેવક તરીકે મિતુલભાઇને સોંપવામાં આવેલી જવાબદારીઓને તેમણે ખંત અને નિષ્ઠાપૂર્વક નિભાવી છે.

શ્રી શિવરાજ પટેલે નિર્દેશ કર્યો હતો કે, શ્રી મિતુલભાઇની વિચારધારા જ્ઞાતિ કે સમાજલક્ષી સીમિત રહેવાને બદલે તમામ જ્ઞાતિ સમાજો સહીતના સમગ્ર સમાજના ઉત્થાન તરફની રહી છે. મિતુલભાઇની કાર્યશૈલી અને વિચારધારાથી પ્રેરાઈને વ્યકિતગત રીતે એમના સમર્થન માટે તેઓ આવ્યા હોવાનું તેઓએ પટેલે ઉમેર્યું હતું.

આ પ્રસંગે બોલતા ૬૮-રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર મિતુલભાઇએ જણાવ્યું હતું કે, તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર મત મેળવવાના ટૂંકા સ્વાર્થ માટે ખોડલધામના નામે પત્રિકાઓ છપાવીને વહેંચે એટલું જ નહીં પાટીદાર વિસ્તારોમાં ચુંટણીની સ્લીપ વિતરણમાં પણ પોતે છપાવેલી ખોડલધામની બેગનો ઉપયોગ કરીને પાટીદારોની આસ્થાના પ્રતિકસમી ખોડલધામ સંસ્થાના નામે મત માંગવા નીકળે તે ખુબ દુઃખદ છે. તેઓ પોતે વર્ષોથી ખોડલધામ સાથે કાર્યરત છે. ખોડલધામ તેમજ ખોડલધામના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ તરફથી રાજકોટના ચારેય ઝોનના નવરાત્રી મહોત્સવ, કૃષિ મહોત્સવ કે ૨૧-૧ના ભવ્ય કાર્યક્રમો સહીતના કાર્યક્રમોની જે કાઈ જવાબદારી સોપવામાં આવે તે તેમણે નિષ્ઠાપૂર્વક ઉઠાવી છે. આમછતાં કયારેય સંસ્થાનાં નામે તેઓએ મત માગ્યા નથી.

આ મીટીંગમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલના સાથીદાર શ્રી ભરતભાઈ બોદર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આગેવાનો સર્વશ્રી નાથાભાઈ કયાડા, મોહનભાઈ સોજીત્રા, નાગજીભાઈ બાસીડા, ગોવિંદભાઈ સભાયા, પ્રવીણભાઈ આંબલીયા, ભરતભાઈ પીપળીયા, કિરીટભાઈ બાબીયા, અલ્પેશભાઈ ટોપીયા તથા સિલ્વર એસોસિએશનના વેપારીઓ સર્વશ્રી જયેશભાઈ બુસા, ધીરુભાઈ નંદાણી, શૈલેષભાઈ ગજેરા, દિવ્યેશભાઈ મુંગરા, અતુલભાઈ કામાણી, જગદીશભાઈ અકબરી, રજનીભાઈ મોલિયા, ચંદ્રેશભાઈ ડોબરિયા, પોપટભાઈ કાનાણી, જય ઈમિટેશનવાળા ગોરધનભાઈ વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીના અંતમાં જણાવ્યુ છે.

(4:11 pm IST)