Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

પુનરાવર્તન કે પરિવર્તન ? પ્રથમ ચરણના મતદાન પુર્વે ઉત્તેજના

ભાજપને વિકાસનો મુદો ચાલશે કે ક્રોંગ્રેસના નોટબંધી, જીઅેસટી, મોંધવારી જેવા મુદા ચાલશે ? રાજકીય અનુમાનોની આંધી

 

 

રાજકોટ, તા., ૮: સમગ્ર દેશમાં રોમાંચ જગાવનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીનું  પ્રથમ તબક્કાનું ૮૯ બેઠકોનું મતદાન આવતીકાલે સવારે ૮ થી પ વાગ્યા સુધી યોજાનાર છે. બીજા તબક્કે ૯૩ બેઠકો માટે તા.૧૪ મીએ મતદાન થશે. પરીણામ તા.૧૮મીએ છે.આવતીકાલના મતદાન પુર્વે રાજયમાં શાસન પુનરાવર્તન કે પરિવર્તન તે બાબતે ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે. જુદા જુદા મુદાઓ આધારીત અનુમાનોની આંધી જામી છે. કાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે મતદાન થનાર છે. આ વિસ્તારમાંથી જેને બહુમતી બેઠકો મળે તેની સરકાર બની શકે છે. ગુજરાતમાં રર વર્ષથી ભાજપની સરકાર છે. કોંગ્રેસને ૧૯૮પ પછી કયારેય રાજયમાં સ્પષ્ટ બહુમતી મળી નથી. આ વખતે કોંગ્રેસે પુરી તાકાતથી નસીબ અજમાવ્યું છે. ભાજપે મુખ્યત્વે કેન્દ્ર અને રાજય સરકારના વિકાસના મુદ્દાને આગળ કરી મોદીના નામે મત માંગ્યા છે. કોંગ્રેસના શાસન વખતના મુદાઓ ઉજાગર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે જીએસટી, નોટબંધી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, પાટીદાર આંદોલન, દલીતોનો અસંતોષ વગેરે મુદા આગળ કરી મતદારોને પરિવર્તનની અપીલ કરી છે. ગુજરાતના પરીણામની અસર દેશના રાજકારણ પર પડનાર હોવાથી રોમાંચ વધ્યો છે. જ્ઞાતિ, પક્ષ, ઉમેદવાર, સમસ્યાઓ, વર્તમાન સમયના મુદાઓ, મતદાનની ટકાવારી વગેરે બાબતો પરીણામ પર અસર કરી શકે છે. છેલ્લા બે મહિનામાં કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી તથા ભાજપમાંથી નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ સહીતના ટોચના નેતાઓએ વારંવાર ગુજરાતની મુલાકાત લઇ પ્રચાર અભિયાન ચલાવ્યું છે. ગુજરાતમાં સતા પરિવર્તન અને પુનરાવર્તન તે બન્ને બાબતના મજબુત દાવા થઇ રહયા છે. કોના દાવામાં કેટલો દમ છે તે ૧૮મી તારીખે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. (૪.૯)

 

(4:57 pm IST)