Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

નાનાથી મોટો રાજકોટમાં થયો છું અને રાજકોટે હંમેશા ગુજરાતને નેતૃત્વ પૂરૂ પાડ્યુ છે

ગુજરાતની પ્રજા સમજુ : મૂલ્યનિષ્ઠ રાજનીતિની જીત થશે : વિજયભાઈ

રાજકોટ, તા. ૮ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ વિક્રમસર્જક બહુમતી સાથે વિજય મેળવશે. ગુજરાતની જનતા સમજુ છે. ગુજરાતી પ્રજાએ હંમેશાં દેશને દિશાદર્શન હોય આ વખતે પણ એટલે એક મૂલ્ય આધારિત રાજનીતિ પસંદ કરશે. અને ગુજરાત માટે એક સુવર્ણ તક એટલા માટે ઊભી થઈ છે કે પ્રથમ વખત દિલ્હીમાં ગુજરાતનું હિત ધરાવનારી, ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈની સરકાર છે અને આવા વખતે જો અહીંયાં ભારે બહુમતવાળી ભાજપની વિકાસશીલ સરકાર બને તો આવતા ૫ વર્ષ ગુજરાત કયાંનું કયાં પહોંચે એ એક તક ઊભી થઈ છે. ગુજરાતનો મતદાર આ તક ઝડપી લેશે અને ભારતીય જનતા પાર્ટી દોઢસોથી વધુ બેઠકો પ્રાપ્ત કરશે.

વિધાનસભા પશ્ચિમ વર્ષોથી ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈ જીવનની પ્રથમ ચૂંટણી અહીંથી લડાણી હતી. ૧૯૬૭માં આખી વિધાનસભામાં ૧ બેઠક હતી જે રાજકોટની આ બેઠક હતી એટલે બહુ ભારે મતથી ભારતીય જનતા પાર્ટી જીતશે એવી મને પૂર્ણ શ્રદ્ઘા છે. વિજયભાઈએ કહ્યું હતું કે, રાજકોટના વડીલોના ખોળામાં મારો ઉછેર થયો છે. નાનાથી મોટો રાજકોટમાં થયો છું. અને રાજકોટ એ હંમેશાં ગુજરાતને નેતૃત્વ પૂરૃં પાડ્યું છે. પછી એ વજુભાઈ વાળા હોય કે કેશુભાઈ પટેલ કે નરેન્દ્રભાઈ મોદી હોય, ચીમનભાઈ શુકલ હોય આ બધા લોકોએ ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યું છે. એટલે મારા માટે... હું ભાગ્યશાળી છું કે મને ગુજરાતની પણ જવાબદારી મળી અને ગુજરાતની સેવા કરવાની તક આ રાજકોટ આપી રહ્યું છે એટલે ખૂબ મને આનંદ પણ છે. મારી જાત પ્રત્યે ધન્યતા અનુભવું છું. અને સાથે સાથે સૌરાષ્ટ્રનું રાજકોટ એ કેન્દ્ર છે. રાજકોટનો વિકાસ એ પણ કયાંય પાછળ ના રહી જાય એ માટે પણ હું રાજકોટની જનતાને ખાતરી આપું છું તેમ યાદીના અંતમાં જણાવ્યુ હતું.

(4:10 pm IST)