Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

પીપીપી યોજનામાં લોકોની ઈચ્છા મુજબ ફલેટ બનાવવા કોર્પોરેશન મજબૂર બન્યું: ઈન્દ્રનિલ

ડામર, ડસ્ટબીનની કમાણી ભાજપમાં સમાણી, રોડપતિ કરોડપતિ બની ગયા

 

 

રજકોટ,તા.૮: ધારાસભ્ય અને રાજકોટ-૬૯ના કોંગી ઉમેદવાર શ્રી ઈન્દ્રનિલભાઈ રાજગુરૂએ એક યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદ બરોડામાં ભ્રષ્ટાચાર યુકત પીપીપી યોજના સરળતાપૂર્વક ભાજપે ગરકાવી દીધી હતી પણ રાજકોટમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન પીપીપી યોજનાને ઈન્દ્રનીલભાઈ રાજગુરુએ પીપીપી યોજનાની ભ્રષ્ટાચારની રીંગ તોડી નાખી હતી. પરિણામે ગરીબોને ઈચ્છા મુજબના ફલેટ અને ભાડાની રકમ આપવા તંત્ર મજબુર બન્યું હતું. ભાજપના બેખોફ ભ્રષ્ટાચાર સામે મક્કમ લડતની જીત થઈ હતી. રાજકોટમાં ગાંધીનગર ભાજપ આગેવાનના ઈશારે અને કોર્પોરેશનના સહારે પીપીપી યોજના દાખલ કરવામાં આવી હતી અને શહેરની અતિકીમતી જમીન પર ભાજપની દાઢ ડળકી હતી. રૈયાધારની પીપીપી યોજનામાં સસ્તાભાવે જમીન બિલ્ડરને આપી ઝુપડપટ્ટી હટાવવાનું કામમાં ભયંકર ભ્રષ્ટાચારની વિગતો ઈન્દ્રનીલભાઈ સુધી પહોચતા તેમણે આ યોજના સામે બાથ ભીડી હતી.

ઝુપડપટ્ટી હટાવવા માટે તંત્રની કોઈ જવાબદારી હોતી જ નથી. બિલ્ડરે પોતાની મેળે દબાણ દુર કરવાનું હોય છે. પરંતુ રાજકોટમાં કોર્પોરેશન અને પોલીસદળ બિલ્ડરના ભાગીદાર હોય તે રીતે જમીન ખાલી કરાવવા પોલીસની આખી ફોર્સ ઉતરી પડી હતી. બરોડા અને અમદાવાદમાં બિલ્ડરને સફળતા મળતા રાજકોટમાં પણ સફળ થશે તેવા બદ ઈરાદો સામે ઈન્દ્રનીલભાઈ રાજગુરુ વિરાટ સ્વરૂપે અડગ ઉભા રહ્યા હતા અને પીપીપી યોજનામાં ફેરફાર કરવા તંત્ર ઝુકી ગયું હતું. પરિણામે પીપીપી યોજનાની ઉપલા કાઠામાં કેટલીક સાઈટ પડતી મુકવા રાજકોટની એજન્સીએ નિર્ણય કર્યો હતો અને રૈયાધાર ખાતે ગરીબોની ઈચ્છા મુજબની યોજના બનાવવા બિલ્ડર મજબુર થયા હતા. બિલ્ડર દ્વારા ઓછા કાર્પોટ વાળા અને વન બેડના ફલેટ બનાવી દેવાની વેતરણમાં હતા, પણ ઈન્દ્રનીલભાઈની સતત જાગૃતતા અને ઉચ્ચગુણતાવાળું બાંધકામ તેમજ મોટી સાઈઝના ફલેટ બનાવી દેવાનો પડકાર ફેકયો હતો. તેની સામે બિલ્ડર અને તંત્ર ઘુટણીયે પડી ગયું હતું.

કોર્પોરેશન દ્વારા ડામર રસ્તામાં દર વર્ષે પંદર કરોડગથી પણ વધુ રકમના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. ડામર એજન્સી સાથે ભાજપને અતુટ ગઠબંધન છે. ભાજપના રોડપતિ આગેવાનો ડામરની કૃપાથી કરોડપતિ બની ગયા છે. તાજેતરમાં જ વરસાદના કારણે એક-એક ફૂટના અંતરે બબ્બે ફૂટના ગાબડાએ ભાજપના ભ્રષ્ટાચારની ગવાહી આપી હતી. સરકારી તંત્રએ એજન્સીને નોટીસ આપવાની હિંમત દાખવી નથી. ઉલટાનું ડામરને નુકશાન માટે મેઘરાજાને વરસાદને દોષિત ઠેરવ્યા હતા. એજન્સીને નોટીસ ફટકારે તો કૌભાંડ છતું થવાની બીક હતી, માટે ગોળ-ગોળ કાર્યવાહી કરવામાં આવી છે અને એજન્સીની નબળી કામગીરી અને ભાજપના ભ્રષ્ટાચાર પર ઢાંક પીછોડો કરાયો   હતો. તેવી જ રીતે ડસ્ટબીન વિતરણમાં કોર્પોરેશને બીધારી નીતિ અપનાવી છે. નિયમિત મિલકત વેરો ભરતા લોકોને ઢાકણા વગરની ડસ્ટબીન આપવામાં આવી છે. ભાજપના લાગતા-વળગતાને મફતમાં ઢાકણા વાડી ડસ્ટબીન આપવામાં આવી છે. તેમજ ફીડર એક્ષ્પ્રેસ પાઈપલાઈનનું કામ વર્ષો સુધી ચાલુ રાખવાનું શંકાસ્પદ છે. પાઈપલાઈનમાં મોટાપાયે તરકટ આચરાયું છે. રાજકોટમાં પીપીપી યોજના ડામર રસ્તા ડસ્ટબીન અને પાઈપમાં બેખોફ ભ્રષ્ટાચાર આચારાયો હોવાનું ઈન્દ્રનિલભાઈએ યાદીમાં અંતમાં જણાવ્યું છે.(૩૦.૪)

 

(4:58 pm IST)