Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ચકલુય ફરકે નહિ તેવી સલામતિ, નિર્ભયપણે મતદાન કરજોઃગહલૌત

મતદાન મથકો પરપોલીસ, પેરા મિલ્ટ્રી ફોર્સીસ- બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, જારખંડ આર્મ્ડ પોલીસ, બિહાર આર્મ્ડ પોલીસની ૨૬ કંપનીઓ, જીઆરડી અને એસઆરપી સતત ખડેપગે રહેશે : .મતદાન મથકો પર આછકલાઇ કરનારા કોઇપણ ચમારબંધીને છોડાશે નહિ.મથકો પર સતત વિડીયોગ્રાફી .મોબઇલ-સોશિયલ મિડીયાથી ખોટા મેસેજો વહેતા કરનારાઓનું આવી બનશે.મતદારોની ગેરકાયદે હેરાફેરી કરનારા સામે થશે તાકિદે કાર્યવાહી.મતદાન મથકોમાં દર પાંચ મિનીટે પોલીસ અને પેરા મિલ્ટ્રી ફોર્સ કરશે તપાસ-સતત વિડીયોગ્રાફી.૫૦૦ સીસીટીવી કેમેરાથી મતદાન મથકોનું થશે ખાસ સુપરવિઝન.૧૨૦ જવાનો સાદા ડ્રેસમાં સતત મતદાન મથકો પર ફરતા રહી વિડીયો રેકોર્ડિંગ કરશે.ગત ચૂંટણીમાંડખ્ખા કરી ચુકેલા અને શંકાસ્પદ પ્રવૃતિ કરનારા ઉપર ખાસ નજર રાખશે પોલીસ

રાજકોટ તા. ૮: આવતીકાલે મતદાનના દિવસે કયાંય પણ છમકલા ન થાય અને મતદારો શાંતિપૂર્ણ માહોલમાં કોઇપણ જાતના ભય વગર મતદાન કરી શકે તે માટે શહેર પોલીસ સજ્જ બની છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જેસીપી દિપક એસ. ભટ્ટ તથા અન્ય અધિકારીઓએ સાથે મળી બંદોબસ્તનો વ્યુહ ઘડી કાઢ્યો છે. જે મુજબ શહેર પોલીસની સાથોસાથ પેરા મિલ્ટ્રી ફોર્સ જેવા કે બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, જારખંડ આર્મ્ડ પોલીસ, બિહાર આર્મ્ડ પોલીસના કુલ ૨૧૦૦ અધિકારીઓ, જવાનો તથા પોલીસના ૧૫૦૦ જવાનો અને હોમગાર્ડના ૧૪૦૦ જવાનો તેમજ જીઆરડીના ૧૫૦ જવાનો અને એસઆરપીની ૩ કંપનીઓ ખડેપગે રહેશે. તમામ મતદાન બુથ બિલ્ડીંગની જવાબદારી પેરામિલ્ટ્રીને હવાલે કરવામાં આવેલ છે. જેથી મતદારો નિર્ભીક બની મતદાન કરી શકે.

શહેર પોલીસે મતદાનની તારીખ જાહેર થઇ તે સાથે જ શહેર પોલીસે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક રીતે પાર પડે તે હેતુથી જુદા-જુદા પગલા લેવાનું શરૂ કરી દીધુ હતું. તે અંતર્ગત અત્યાર સુધીમાં ૪૫૦૦ શખ્સો સામે જુદા-જુદા હેડ હેઠળ અટકાયતી પગલા લેવાયા છે.જેમાં ૩૦ને પાસામાં અને ૨૮ને તડીપાર કરાયા છે. ૧૩૦૩ લોકોની નોનબેલેબલ વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઘણા શખ્સોને કોર્ટ દ્વારા જેલહવાલે કરાયા છે. કુલ ૨૫૭૩ જેટલા હથીયાર પરવાનેદારોના હથીયારો જમા લેવામાં આવ્યા છે અને ૧૦૦ ટકા કામગીરી કરાઇ છે.

અત્યાર સુધીમાં એટલે ૨૬ લાખનો દારૂ પકડી લેવાયો છે. ગેરકાયદેસર બે રિવોલ્વર કબ્જે થઇ છે. ચૂંટણીને લગતી પોલીસની આ કામગીરી ૨૫/૧૦થી શરૂ થઇ ગઇ હતી. ત્યારથી આજ સુધીમાં ૬૫ હજાર વાહનો ચોકે કરાયા છે. દારૂ પી વાહન ચલાવનારા ૫૦ અને છરી-ધોકા-લાકડીઓ સાથે ૨૫ જણા પકડાયા છે. આશરે ૮૦૦ વાહનોમાંથી કાળી ફિલ્મ ઉતારવામાં આવી છે.

૧૦૦ થી વધુ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન, કોન્ફીડન્સ બિલ્ડીંગ મેજર તરીકે પેરા મિલ્ટ્રી ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજી અસામાજીક તત્વો, હિસ્ટ્રીશીટરોને ચેક કરવામાં આવ્યા છે. તેમજ પ્રજાજનો ભય વગર મતદાન કરી શકે તે માટે પોલીસ અધિકારીઓએ બેઠક યોજી મતદાન કરવા અપિલો કરી છે. આવતીકાલે ખુબ જ શાંતિથી મતદાન થાય તેવું નિર્ભીક વાતાવરણ પુરૂ પાડવા પોલીસ કટીબધ્ધ છે અને આ માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે.

ગત ચુંટણીમાં માથાકુટ કરનારા અને જેના પર ગુના દાખલ થયા છે તેવા લોકોની યાદી કરી ખાસ વોચ રાખવામાં આવી રહી છે. એવી વ્યકિતઓ કે જે ચૂંટણી વખતે શંકાસ્પદ પ્રવૃતિ કરશે તેનું પણ લિસ્ટ બનાવાયું છે અને તેના પર સાદા કપડામાં પોલીસના માણસોની વોચ મુકી દેવાઇ છે. મતદારોને કોઇપણ જગ્યાએ ભડકાવવા કે મતદાન ખોરવવા મથતા શખ્સો સામે સખ્ત કાર્યવાહી થશે. માથાકુટ કરનાર કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ.

મોબાઇલ ઉપર ખોટા મેસેજ કરનારા સામે સાયબર સેલ વોચ રાખી તાકીદે સકંજામાં લઇ સખ્ય પગલા લેશે. મોબાઇલ કંપનીઓ સાથે પણ પોલીસ સંકલનમાં છે. જેથી એક ખાસ ટીમ તેની સાથે સંપર્કમાં રહી સોશિયલ મિડીયા ઉપર, મોબાઇલમાં ચૂંટણી બાબતે ચૂંટણીને સ્પર્શતા મુદ્દાઓ વહેતા કરશે તો તેના પર વોચ રાખી તુર્ત જ કાર્યવાહી કરાશે.

ચૂંટણી પંચની સુચના મુજબ પ્રચાર પુરો થયા પછી જે મતદાર આ વિસ્તારનો નથી તેને બહાર જતાં રહેવા કહી દેવાયું છે. આ લોકોની યાદી તૈયાર છે. આચારસંહિતાના નિયમોનું ચુસ્ત પાલની કરાવાશે. મતદાન મથકની ૧૦૦ મીટરની રેન્જમાં મતદાર સિવાય કોઇપણ અનઅધિકૃત વ્યકિત પ્રવેશી શકશે નહિ. મતદારોને પ્રલોભન આપી ધમકાવી કે ચોક્કસ ઉમેદવારને જ મત આપવા દબાણ કરનારા સામે કાર્યવાહી થશે.

વાહનોમાં મતદારોની ગેરકાયદેસર રીતે હેરફેર કરનારા સામે પગલા લઇ વાહનો ડિટેઇન કરાશે. આ કાર્યવાહી માટે મતદાનના દિવસે દર પાંચ મિનીટે પોલીસ અને પેરા મિલ્ટ્રીની હાજરીમાં મતદાન મથકમાં આવનારાને ચેક કરાશે. પેરા મિલ્ટ્રીના ૧૬૦ કર્મચારીઓ સતત વોચ રાખશે અને વિડીયોગ્રાફી પણ કરાશે. કુલ ૫૦૦ સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમમાં બેસીને ખાસ અધિકારીઓ, કર્મચારીઓ સુપરવિઝન કરશે. કોઇપણ ચમરબંધીની અસમાકાજીક પ્રવૃતિ નજરે ચડશે તો તુરત જ કાર્યવાહી કરાશે.

૧૨૦ જેટલા પોલીસના જવાનો સાદા ડ્રેસમાં તમામ વિસ્તારમાં માર્કર તરીકે ફરજમાં રહેશે. પોતાના મોબાઇલ ફોનથી ફોટો-વિડીયો લઇ રેકોર્ડિંગ કરશે અને આજુબાજુમાં ફરજ બજાવતાં પોલીસ સ્ટાફને મોકલી આપશે. મતદાન મથકના બહારના વિસ્તારમાં કોઇપણ વ્યકિત માથાકુટ કરશે તો ફરજ પરના પોલીસ જવાનો તેનો વિડીયો ઉતારી લેશે અને જે તે ગ્રુપ મોબાઇલના અધિકારીને મોકલી દેશે.

શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે અપિલ કરી છે પ્રજાજનોએ કોઇપણ જાતના ભય વગર મતદાન કરવું અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે તે માટે સહયોગ આપવો. કોઇને પણ પોલીસ ફરિયાદની જરૂર હોય તો મો. ૯૮૭૯૫ ૦૦૬૦૦, ૯૯૨૪૬ ૮૦૧૦૦, ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ અથવા ૧૦૦ નંબર ઉપર જાણ કરવી. ફરિયાદ અંતર્ગત તુરત જ કાર્યવાહી થશે.

(4:08 pm IST)