Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મુસ્લિમ મહિલાઓને રૂ. ૧૦૦૦ની લાલચ આપી ચૂંટણી કાર્ડ ગિરવે લઈ અજમેર મોકલવાનું કાવત્રુ

હાર્દિકની સભાથી ભાજપને રેલો આવી જતા કેટલાક લાલચુ કાર્યકરો મેદાનમાં આવ્યાની સુલેમાન સંઘારની કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ૮ :. સદર આમ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના સુલેમાન સંઘારે કલેકટરને લેખિત રજૂઆત કરતા અને ભાજપ ખૂલ્લેઆમ ચૂંટણી કાનૂનનો ભંગ કરી રહ્યાનું જણાવતા ચકચાર મચી ગઈ છે.

કલેકટરને રજૂઆતમાં જણાવ્યુ છે કે, ભાજપ આ ચૂંટણી હારી જાય તેવા સો ટકા સંજોગો જનતાએ જાહેર કર્યા છે ત્યારે અમુક લાલચુ અને બેઈમાન મુસ્લિમ કાર્યકરો દ્વારા મુસ્લિમ મહિલાઓને રૂપિયા એક હજારની લાલચ આપી તેઓના ચૂંટણી કાર્ડ તા. ૯મીની રાત્રિ સુધી ગિરવે લેવાનું કામ થઈ રહ્યુ છે અને અમુક આવા કાર્યકરો મુસ્લિમોને મતદાનથી વંચિત રાખવા ભાજપના ખર્ચે અજમેર શરીફ મોકલવા માટે બસોની વ્યવસ્થા કરી રહ્યા છે.

આવા કાર્યો અટકાવવા અને ચૂંટણી કાનૂન સાથે દ્રોહ કરનારા તથા તેમા ફસાતા લાલચુ મુસ્લિમ ભાઈ-બહેનો સામે તપાસ કરી પગલા લેવા જરૂરી છે અને કોંગ્રેસી ઉમેદવારો અને કાર્યકરો પણ આ વાતને અટકાવે અને ફરીયાદ કરવા કાર્ય હાથ ધરે તેવી વિનંતી છે તેમ સંઘારે જણાવ્યુ છે.

જ્યારે સંઘારે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, ગત તા. ૨૯-૧૧-૨૦૧૭ના રોજ રાજકોટ ખાતે મવડી પાસે સભામાં આવનારા પાટીદારો જુદા જુદા ગામેથી વહેલા આવી ગયા હતા અને હાર્દિક તે સ્થળે આવી પહોંચતા લગભગ દોઢ લાખ પાટીદારો સભામાં ઉપસ્થિત થઈ ગયા હતા અને હાર્દિક ખુલ્લા દિલે ભાજપ વિરૂદ્ધ બે ખોફ આક્ષેપો કર્યા હતા અને ભાજપવાળાને સમસમીને બેસી જવુ પડયુ હતું અને નીતિરીતી મુજબ કુટનીતી અપનાવવાથી થોડા લોકો ભાજપને માનનારાઓ પણ વિરોધી થઈ ગયા હતા અને સ્નેહ મિલનવાળાઓ પણ હાર્દિકની સભામાં સામેલ થઈ ગયા હતા અને તાડીઓથી હાર્દિકને વધાવતા હતા. આમ ભાજપે સાબિતી આપી છે કે તેઓ ખરેખર હારી જવાના છે એવું અમારૂ માનવુ છે. તેમ સુલેમાન સંઘારની યાદીમાં જણાવાયુ છે.

(4:06 pm IST)