Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

વિકાસની રાજનીતિનો મુદ્દો આજે પણ છે અને કાલે પણ રહેશે : વિજયભાઇ

'હું વિકાસ છું, હું ગુજરાત છું' આ સુત્ર આજે એકબીજાના પર્યાય બની ગયા છે : ગુજરાત વિકાસ વિના અસંભવ છે :નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે ૧૨૧ બેઠકો જનતાએ આપેલી, હાલ વડાપ્રધાનપદે બીરાજે છે એટલે ૧૫૦ થી વધુ સીટો આવશે જ

રાજકોટ, તા. ૮ : અમારો પહેલા પણ મુદ્દો હતો આજે પણ છે અને કાલે પણ રહેશે. વિકાસની રાજનીતિ. આ જ અમારો મુદ્દો છે. અમારૂ સુત્ર છે હું વિકાસ છું, હું ગુજરાત છું. ગુજરાત, વિકાસ, મોદી આ શબ્દો આજે એકબીજાના પર્યાય બની ગયા છે. ગુજરાત, વિકાસ વિના અસંભવ છે. તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે સમગ્ર દેશમાં મોદીજીની લોકપ્રીયતા વધી રહી છે. આટલા વર્ષોથી લોકો જોઇ રહ્યા છે, બીજુ, મોદીજી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ૧૨૧ બેઠક ગુજરાતની જનતાને આપી હતી. અત્યારે તો વડાપ્રધાન છે તો વધારે એટલે કે ૧૫૦ થી વધુ બેઠકો આવશે જ. આ ગુજરાતનો મુડ બની ગયો છે. મને લાગે છે કે કયારેય પણ આટલા વોટ નથી મળ્યા, આટલી બેઠકો મળી નથી એટલા વોટ પણ મળશે.

દિલ્હીમાં નરેન્દ્રભાઇ જે રીતે છેલ્લા ત્રણ વર્ષોથી પરીશ્રમ કરી રહ્યા છે, દેશની જનતાને ઘણા વર્ષો બાદ આ સરકાર જોવા મળી છે. ભાજપનો જનઆધાર વધી રહ્યો છે અને ગુજરાતમાં પણ જેવી રીતે પ્રો-પીપલ ગવર્મેન્ટ, ફ્રેન્ડલી ગર્વમેન્ટ ચાલી રહી છે, વિકાસની અવિરત યાત્રા ચાલી રહી છે. એનાથી પણ લોકો પ્રભાવિત છે. એટલા માટે કોઇ ચિંતાની વાત નથી હું વિશ્વાસ સાથે કહું છું કે ૧૫૦ થી વધુ બેઠકો ગુજરાતમાં આવશે.

(3:53 pm IST)