Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

કાલે રાજકોટ ચૂંટણીના રંગે રંગાશેઃ જામશે જંગ

રાજકીય સુરજ વહેલો ઉગશેઃ ઠેર-ઠેર જોવા મળશે રાજકીય ધમાસાણના દ્રશ્યોઃ પોલીસની અગ્નિપરીક્ષા : સૌનુ ધ્યાન રાજકોટ-૬૯ બેઠક ઉપરઃ સવારથી કાર્યકરોના ધાડા ફરી વળશેઃ વધુમાં વધુ મતદાન કરાવવા બંને પક્ષો-ઉમેદવારો કરશે દોડધામઃ આજે મતદાન મથકની વ્યવસ્થામાં ઉમેદવારો વ્યસ્ત

રાજકોટ તા.૮ : આવતીકાલે પ્રથમ તબક્કાની ૮૩ બેઠકો માટે મતદાન થવાનુ છે તેમાં સૌ કોઇનુ ધ્યાન રંગીલા રાજકોટ ઉપર થયુ છે. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ૬૯ બેઠક ઉપર મુ.મંત્રી રૂપાણી અને પૈસા પાત્ર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ ચૂંટણી જંગ ખેલાવાનો છે. બંને કદાવર નેતાઓમાંથી મતદારો કોને પસંદ કરશે એ તો ૧૮મીએ પરિણામ આવશે ત્યારે ખબર પડશે પરંતુ તે પહેલા આવતીકાલે પોતાની તરફેણમાં વધુને વધુ મતદાન કરાવવા શહેરમાં હોડ જામશે એ નક્કી છે.

રાજકોટ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ચાર બેઠકો છે જેમાં રાજકોટ-૬૮માં કોંગ્રેસના મીતુલ દોંગા અને ભાજપના અરવિંદ રૈયાણી મેદાનમાં છે. જયારે રાજકોટ-૬૯માં મુ.મંત્રી રૂપાણી અને કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરૂ વચ્ચે સ્પર્ધા છે. જયારે રાજકોટ-૭૦માં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને કોંગ્રેસના દિનેશ ચોવટીયા વચ્ચે કરો યા મરોની સ્થિતિ છે જયારે રાજકોટ-૭૧ બેઠકો ઉપર કોંગ્રેસના વશરામ સાગઠીયા અને ભાજપના લાખાભાઇ સાગઠીયા વચ્ચે હરીફાઇ છે.

રાજકોટમાં આવતીકાલ સવારથી જ ચૂંટણીનો માહોલ જામી જવાનો છે સવારે ૮ થી સાંજે ૬ દરમિયાન મતદાન થવાનુ છે. મતદાન માટેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ, અર્ધલશ્કરી દળો, રેપીડ એકશન ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના કેટલાક સંવેદનશીલ મતવિસ્તારો અને બુથ ઉપર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોત-પોતાના ફરજના સ્થળે સાંજે પહોંચી જશે.

રાજકોટની ચારેચાર બેઠકો જીતવા બંને પક્ષોએ પોતાની તમામ તાકાત કામે લગાડી છે. આવતીકાલે વધુમાં વધુ મતદાન પોતાની તરફ કરાવવા કાર્યકરો અને ઉમેદવારો સવારથી જ દરેકે દરેક વોર્ડમાં ફરી વળશે. ડોર ટુ ડોર સંપર્ક સાધી લોકોને મતદાન મથક સુધી લઇ જવા આગ્રહ પણ કરવામાં આવશે. બંને પક્ષો એ બાબત ઉપર ભાર મુકશે કે મતદાન વધુ થાય અને પાછલા રેકોર્ડ પણ તુટે.

રાજકોટમાં પાટીદારો કઇ તરફ વલણ રાખે છે તે તરફ સૌનુ કોઇ ધ્યાન કેન્દ્રીત થયુ છે. પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં કાલે જોરદાર ધમધમાટ જોવા મળે તેવી પણ શકયતા છે.

(5:41 pm IST)