Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

રાજકોટ જીલ્લા સહકારી બેંકના ૧II કરોડ રોકી લેતુ ચૂંટણી તંત્ર

બેડીનાકા પાસે બપોરે ૧ વાગ્યે ૬૮ -રાજકોટ બેઠકની એસએસટી ટીમનો સપાટોઃ આધાર પુરાવા મંગાયાઃ તપાસનો ધમધમાટઃ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ચાલુઃ કલેકટરનો નિર્દેશઃ આધાર-પુરાવા નહિ હોય તો ઇન્કમટેક્ષ કાર્યવાહી કરશેઃ રોકડ રકમ સ્કોડા કાર નં. ૪પ૬પમાં લઇ જવાતી હતીઃ પીએનબીમાંથી નાણા ઉપાડાયેલઃ વાંકાનેર ડીલીવરી દેવાની હતીઃ બપોરે ૩II વાગ્યે રોકડ રકમ છોડાઇ ન હોવાનો આરઓનો નિર્દેશ

રાજકોટ જીલ્લા સહકારી બેંકની જે સ્કોડા કારમાંથી રોકડ રકમ ઝડપાઇ તે ૪પ૬પ નંબરની કાર અને પ૦૦-ર૦૦૦ની નોટના બંડલ ભરેલો થેલો નજરે પડે છે. (તસ્વીરઃ નીતીન પારેખ)

રાજકોટ તા. ૮ :.. આવતીકાલે મતદાન છે. તેના આગલા દિવસે જ આજે બપોરે ૧ર થી ૧ ની વચ્ચે ચૂંટણી પંચની એસએસટી એટલેકે ફલાંઇગ સ્કવોડની ટીમે સપાટો બોલાવી બેડીનાકા પાસેથી એક કારમાંથી ૧II કરોડની રોકડ રકમ ઝડપી લઇ તપાસ શરૂ કરી દેવાતા, સનસનાટી મચી જવા પામી છે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા ૬૮ રાજકોટના રિર્ટનીંગ ઓફીસર શ્રી એમ.કે. પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે આજે બપોરે અમારી એસએસટી - ફલાંઇગ સ્કવોડની ટીમના ચેકીંગ દરમિયાન મોરબી રોડ બેડીનાકા થી આગળ સ્કોડા ગાડીનું ચેકીંગ કરતા, ૧II કરોડની ર હજાર, પ૦૦ ની નોટના બંડલ નીકળી પડયા હતાં. જે અંગે કોઇ પુરાવા ન અપાતા રોકડ રકમ હાલ રોકી.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ૧II કરોડની રોકડ રકમ ઝડપાઇ છે, સ્કોડા કારમાંથી મળી આવી છે, રાજકોટ જીલ્લા સહકારી બેંકના આ પૈસા હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે, સાથે બેંકના અધિકારીઓ પણ છે, પરંતુ આટલી મોટી રકમ હોવા છતાં કોઇ મહત્વના પુરાવા સાથે ન હોય, રકમ રોકી કરી લઇ પુરાવા મંગાયા છે, અને આ બાબતે ઇન્કમટેક્ષને જાણ કરી દેવાતા, આઇટીના અધિકારીઓ પણ પહોંચી ગયા છે.

કલેકટરે ઉમેર્યું હતું કે આવતીકાલે મતદાન છે ત્યારે વેપારી કે કોઇપણ બીઝનેસમેન કે, બેંક કે તેના અધિકારીઓ આટલી મોટી રકમની કોઇપણ આધાર-પુરાવા વગર હેરફેર ન કરી શકે,

રકમ સીઝ કરાઇ કે કેમ તે અંગે કલેકટરે 'અકિલા'ને જણાવ્યું હતું કે, હાલ તમામ વિગતો તપાસાઇ રહી છે, પુરાવા અપાશે તો છોડી દેવાશે, અન્યથા રોકડ રકમ સીઝ કરવા અંગે ઇન્કમટેક્ષના અધિકારીઓ દ્વારા નિર્ણય લેવાશે, હાલ તપાસ ચાલુ હોય કલેકટરે વધુ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

દરમિયાન ઇન્કમટેક્ષના ઉચ્ચતમ વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ, બેડીનાકા વિસ્તારમાંથી રૂા. દોઢ કરોડની રોકડ ઝડપાઇ છે. તેની જાણ કરાતા, ઇન્વીકટીગેશન વીંગના ડે. ડાયરેકટ શ્રી અજુડીયા તેમના સ્ટાફ સાથે દોડી ગયા છે. રોકડ રકમના આધાર ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો સાંજે જાહેર થશે તેમ કલેકટર - ઇન્કમટેક્ષ તંત્ર જણાવી રહ્યું છે.

દરમિયાન જે ગાડીમાંથી રોકડ રકમ મળી તે સ્કોડા કારનો નંબર ૪પ૬પ હોવાનું અને રાજકોટની પીએનબીમાંથી પૈસા ઉપાડયા હતાં, અને વાંકાનેર ખાતે ડીલીવરી માટે લઇ જવાતા હતાં.

બપોરે રાા વાગ્યે ૬૮ રાજકોટના રીર્ટનીંગ ઓફીસર શ્રી એમ. કે. પટેલે 'અકિલા' ને જણાવ્યું હતું કે, રોકડ રકમ, હજુ છોડી મુકાઇ નથી, બી. ડીવીઝન પોલીસ સ્ટેશને બધો મામલો પહોંચ્યો છે, તપાસ, આધાર, પુરવા ચકાસવાનું ચાલુ છે, આધાર - પુરાવા બરોબર હશે. તો રોકડ રકમ છોડી દેવાશે.

(4:50 pm IST)