Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

આજથી આઠ દિ' સુધી 'જેમીનીડસ' ઉલ્કાઓ વરસતી રહેશે

તા.૧૩ થી ૧૫ આતશબાજી જેવું વાતાવરણ જામશે : દુનિયાભરમાં નજારો નરી આંખે જોઇ શકાશે : દર કલાકે ૧૦ થી ૧૦૦ સુધીના આંકમાં ઉલ્કા વર્ષા થશે : ખગોળપ્રેમીઓએ અભ્યાસ કરવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૮ : દુનિયાભરમાં આજે ૮ ડીસેમ્બરથી ૧૭ ડીસેમ્બર સુધી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો નિહાળવા મળશે. તેમ વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન જયંત પંડયાની એક યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવેલ છે કે આ વર્ષનો આ આખરી નજારો હશે. જેમાં કલાકની ૧૦ થી ૫૦ ઉલ્કા અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાની વર્ષા થતી જોવા મળશે. ખાસ કરીને તા. ૧૩ થી ૧૫ ઉલ્કાઓનો મારો વધારે રહેતા આતશબાજી જેવો માહોલ સર્જાશે. નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય મધ્યરાત્રીથી વહેલી સવાર સુધીનો રહેશે.

જેમીનીડસ વિષે છણાવટ કરતા જયંતભાઇએ જણાવેલ છે કે તે પીળા, લીલા અને વાદળી એમ વિવિધ રંગોમાં જોવા મળે છે. જેમિનિડસ ખરતા તારાનું નિર્માણ ૩૨,૦૦૦ ફાયેથોન તરીકે ઓળખાતા નાના ગ્રહોના ટુકડામાંથી થયુ છે. જયારે ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મલ્ટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવ છે. પૃથ્વી પર રોજની લગભગ ૪૦ ટન ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી હોય છે. દુરબીન, ફાયરબોલ ફોટોગ્રાફી, ડીઝીટલ વિડીયોગ્રાફીથી સ્પષ્ટ અવલોકન કરી શકાય છે.

લોકોએ આ ખગોળીય ઘટનાનો રસપૂર્વક અભ્યાસ કરવા અંતમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(12:11 pm IST)