Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સાગર રાણા અને મિત્રોએ નવલનગરના દર્શન રજપૂતને છરી ઝીંકીઃ હત્યાનો પ્રયાસ

કાંગશીયાળીની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટીમાં ધબધબાટીઃ દર્શન અને સાગરના મિત્ર ભરત ભરવાડ વચ્ચે મનદુઃખ હોઇ તેના કારણે ફરી ડખ્ખો થયોઃ શાપર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ પર કાંગશીયાળીની સીમમાં આવેલા બોરીચા ફાર્મ હાઉસમાં ગઇકાલે યોજાયેલી જન્મદિવસની પાર્ટીમાં માથાકુટ થતાં નામચીન સાગર રાણા અને તેના બે મિત્રોએ નવલનગર-૮માં રહેતાં કારખાનેદાર દર્શન રાજેશભાઇ સોલંકી (ઉ.૨૧) નામના રજપૂત યુવાનને  છરીનો ઘા ઝીંકી હત્યાની કોશિષ કરતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

શાપર વેરાવળ પોલીસે દર્શનના પિતા રાજેશભાઇ પ્રાગજીભાઇ સોલંકીની ફરિયાદ પરથી સાગર રાણા, તેના મિત્રો ભરત ભરવાડ તથા કાના મિંયાત્રા સામે ગુનો નોંધ્યો છે. રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પુત્ર દર્શન સોલંકી નવલનગરમાં ફેબ્રિકેશનનું કારખાનુ ધરાવે છે. દિવાળીના તહેવાર પર તેને સાગર રાણાના મિત્ર ભરત ભરવાડ સાથે ફટાકડા ફોડવા બાબતે માથાકુટ થતાં બંને વચ્ચે મારામારી થઇ હોઇ ત્યારથી મનદુઃખ ચાલે છે.

ગઇકાલે ગોંડલ રોડ કિશાન પંપ સામે કાંગશીયાળીની સીમમાં દર્શનના કોઇ મિત્રના જન્મદિવસની પાર્ટી બોરીચા ફાર્મ હાઉસ ખાતે યોજાઇ હોઇ દર્શન ત્યાં ગયો હતો. તે વખતે ભરત ભરવાડ, સાગર રાણા અને કાનો પણ ત્યાં હતાં. આ વખતે દર્શને એકબીજાને ગમે નહિ તેવી વાત કરતાં કાનાએ તેને તમાચો મારી દીધો હતો. આ કારણે ઉગ્ર બોલાચાલી થતાં ભરતે ખુરશી ફટકારી દીધી હતી. બાદમાં કાના અને સાગરે દર્શનને પકડી રાખ્યો હતો અને ભરતે પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને મારી નાંખવાની ધમકી આપી બધા ભાગી ગયા હતાં.

દર્શનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શાપર પી.એસ.આઇ. આર. જી. સીદુર, કિરીટસિંહ સહિતના સ્ટાફે રાજકોટ આવી દર્શનના પિતાની ફરિયાદ પરથી હત્યાની કોશિષનો ગુનો નોંધી સાગર રાણા સહિતનાની શોધખોળ આદરી છે. સાગર અગાઉ અનેક ગુનામાં રાજકોટ પોલીસના ચોપડે ચડી ચુકયો છે.

ભરત ભરવાડની દર્શન, મુકેશ, પાવન અને અનિરૂધ્ધ સામે વળતી ફરિયાદ

આ ડખ્ખામાં સામા પક્ષે સાગરના મિત્ર ભરત કરસનભાઇ ગોલતર (ભરવાડ) (ઉ.૨૯-રહે. ગોકુલનગર રાજકોટ)ની ફરિયાદ પરથી દર્શન સોલંકી, મુકેશ કોળી, પાવન મકવાણા, અનિરૂધ્ધ ખેજલીયા સામે ગુનો નોંધાયો છે. ભરતના કહેવા મુજબ બોરીચા ફાર્મમાં પોતે મિત્રો સાથે હતો ત્યારે દર્શન સહિતના મજાક મસ્તીમાં મા-બહેન સમી ગાળો બોલતાં હોઇ ના પાડતાં મારકુટ કરી પોતાને જમણા પગે છરી ઝીંકાઇ હતી.

 

(12:09 pm IST)