Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ગંજીવાડામાં શૈલેષ કોળી પર સાગર કોળી, તેના ભાઇ સહિત ચારનો છરીથી હુમલો

સાગર કોળીના ભાઇ વિશાલે બાઇક અથડાવતાં ધ્યાન રાખી ચલાવવાનું કહેતાં હુમલો થયો

રાજકોટ તા.૮: ગંજીવાડામાં રહેતાં કોળી યુવાનને આ વિસ્તારના જ કોળી શખ્સોએ બાઇક અડાડી દેતાં તેને ધ્યાન રાખીને ચાલવાનું કહેતાં તેના પર છરીથી હુમલો કરી બે ઘા ઝીંકી દેવાતાં ગંભીર ઇજા થઇ છે.

બનાવ અંગે ગંજીવાડા-૪૧માં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં શૈલેષ નરસીભાઇ રાજપરા (ઉ.૩૪) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી થોરાળાના હેડકોન્સ. જાહરીખાન ખફીફે આ વિસ્તારના જ સાગર બાલાભાઇ બાવળીયા (કોળી), તેના ભાઇ વિશાલ ઉર્ફ ડાડો અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૬, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

શૈલેષે કહ્યું હતું કે રાત્રે હું તથા બે મિત્રો જયસુખ જીવાભાઇ મહેતા (ઉ.૩૯) અને ગોપાલ બાબુભાઇ જરવરીયા (ઉ.૨૫) ચોકમાંથી ચાલીને ઘર તરફ જતાં હતાં ત્યારે સાગરનો ભાઇ વિશાલ બાઇક લઇને નીકળતાં અને મારી સાથે ભટકાડતાં મેં તેને ધ્યાન રાખીને ચાલવાનું કહેતાં તેણે ગાળાગાળી કરી હતી અને પોતાના ભાઇ સહિતનાને બોલાવી મારામારી કરી છરીથી હુમલો કરી છાતી, ખભા પર બે ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.  થોરાળાના હેડકોન્સ. ઝાહીરખાન ખફીફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(12:08 pm IST)