Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સ્ટીયરીંગ લોક થઇ જતાં ટ્રક માલિકે ચાલુ ટ્રકે છલાંગ મારી, ડ્રાઇવર ભાગ્યોઃ બાદમાં ટ્રક સળગ્યો

મોરબી રોડ ચોકડીથી માધાપર ચોકડી વચ્ચેના નદીના પુલ પર મોડી રાત્રે બનાવઃ મોરબી રોડ પર રહેતો ટ્રક માલિક કાળુ સગર સારવારમાં: ટ્રકમાં ૨૫ ટન ખાંડ ભરી હતીઃ આગ કઇ રીતે લાગી તે અંગે કાળુ અજાણ

પુલ સાથે ભટકાયા બાદ બળીને ખોખુ થઇ ગયેલો ખાંડની ગુણીઓ ભરેલો ટ્રક અને ચાલુ ટ્રકમાંથી કૂદતા ઇજાગ્રસ્ત થયેલો ટ્રક માલિક સગર યુવાન કાળુ કારેણા જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: મોરબી રોડ જુના જકાતનાકાથી માધાપર ચોકડી તરફ જતાં રસ્તા પર નદીના પુલ ઉપર રાત્રીના એકાદ વાગ્યે ખાંડની ગુણીઓ ભરેલા ટ્રકનું સ્ટીયરીંગ લોક થઇ જતાં પુલ નદીમાં ખાબકશે તેવો ભય લાગતાં ચાલીસ-પચાસની સ્પીડથી દોડતા ટ્રકમાંથી ટ્રક માલિક સગર યુવાને છલાંગ લગાવી દેતાં ઇજા થતાં હોસ્પિટલમાં પહોંચ્યો છે. બીજી તરફ ટ્રક પુલ સાથે અથડાયા બાદ આગ ભભૂકતા અડધો ટ્રક ખાક થઇ ગયો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર કયાંક ગાયબ થઇ ગયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી ૨૫ વારીયામાં રહેતો અને મોરબી રોડ પર મા શકિત રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો કાળુ રમેશભાઇ કારેણા (સગર) (ઉ.૩૪) રાત્રે પોતાના ટ્રક નં. જીજે૧૨એયુ-૬૬૬૩માં ડ્રાઇવર રમેશ સુરતથી ૨૫ ટન ખાંડ ભરીને રાજકોટ આવ્યો હોઇ તેના કલીનરે હવે પોતે આગળ નહિ જઇ શકે તેમ કહેતાં કાળુ પોતે ટ્રકમાં કલીનર તરીકે જોડાયો હતો.

રાત્રે એકાદ વાગ્યે ટ્રક મોરબી રોડ જકાતનાકાથી માધાપર ચોકડી તરફના નવા રસ્તા પર રવાના થયો ત્યારે અચાનક ટ્રકનું સ્ટીયરીંગ લોક થઇ જતાં કાળુએ ટ્રક નદીના પુલ પરથી નીચે ખાબકશે તેવો ભય લાગતાં ચાલુ ટ્રકમાંથી જ છલાંગ લગાવી દીધી હતી.

કાળુએ જણાવ્યું હતું કે હું કુદી ગયા બાદ ટ્રક આગળ જઇ પુલની દિવાલ સાથે અથડાયો હતો અને ડ્રાઇવર ટ્રક મુકી ભાગી ગયો હતો. મને ઇજા થઇ હોઇ એક રિક્ષાચાલક નીકળતાં તેને મારા ભાઇને ફોન કરી આપવાનું કહેતાં તેણે મને મોરબી રોડ ચોકડી સુધી રિક્ષામાં બેસાડ્યો હતો અને બાદમાં મારા ભાઇ રવિને ફોન કરતાં તે આવી જતાં મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

કાળુએ વધુમાં કહ્યું હતું કે ટ્રકમાં ૨૫ ટન ખાંડ ભરી હતી અને આ ખાંડ ધ્રોલ પહોંચાડવાની હતી. અકસ્માત થયો ત્યારે ટ્રક સળગ્યો નહોતો. હું હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટ્રક સળગી ગયાની મને ખબર પડી હતી. ટ્રક કેવી રીતે સળગ્યો? તે ખબર પડી નથી.

બી-ડિવીઝન પોલીસ મથકમાં જાણ થતાં એએસઆઇ મિતલબેન ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:14 pm IST)