Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

'રોંગ નંબર'ને કારણે શિક્ષીકાની જિંદગી બગડીઃ પરિણીત ઢગા જીજ્ઞેશ જોષીએ પ્રેમજાળમાં ફસાવી દેહ અભડાવ્યો

માંડા ડુંગર પાસે રહેતાં જીજ્ઞેશ જોષી સામે થોરાળા પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધોઃ તેની પત્નિ હાલમાં સગર્ભાઃ પોતે કુંવારો હોવાનું કહી શિક્ષીકાના ડોકયુમેન્ટ મેળવી લગ્નનું ખોટુ સર્ટીફિકેટ પણ બનાવડાવી લીધું: જુદા-જુદા સ્થળોએ મરજી વિરૂધ્ધ : શરીર સંબંધ બાંધ્યો શિક્ષીકાના ફોનમાં જીજ્ઞેશનો રોંગ નંબર લાગી ગયા બાદ રૂબરૂ મળવા આવી પોતાનું નામ નચિકેત હોવાનું અને જ્ઞાતિ પણ સરખી હોવાનું કહી બાદમાં અવાર-નવાર ફોનમાં વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવીઃ ભગાડી ચોટીલા, સાળંગપુર, શિરડી ફેરવી દોઢેક મહિનો જુનાગઢ રોકાયાઃ અમદાવાદ જવાનું કહીને તે એકલો નીકળી ગયા બાદ તપાસ કરતાં તેનું સાચુ નામ-જ્ઞાતિ જાણવા મળ્યા!

રાજકોટ તા. ૮: મોબાઇલ ફોનમાં ઘણીવખત રોંગ નંબર આવતાં હોય છે. આવા રોંગ નંબર કયારેક જિંદગી ગોટાળે ચડાવી દેતાં હોય છે. શહેરની એક શિક્ષીકા સાથે આવું જ બન્યું છે. છએક માસ પહેલા તેના ફોનમાં એક નંબર પરથી ફોન આવ્યો હતો, જે રોંગ નંબર હતો. બાદમાં એ ફોન કરનારે અવાર-નવાર વાતો કરી તેણીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઇ લગ્નના ખોટા કાગળો ઉભા કરી સર્વસ્વ લૂંટી લીધુ હતું. પોતે જેને સઘળુ અર્પણ કરી ચુકી છે એ પ્રેમી તો પરણેલો છે તેવી જ્યારે આ શિક્ષીકાને જાણ થઇ ત્યારે તેના પગ તળેથી ધરતી ખસી ગઇ હતી. આ મામલો પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધી પરિણીત ઢગા બ્રાહ્મણ શખ્સને સકંજામાં લેવાયો છે.

થોરાળા પોલીસે ૨૩ વર્ષિય શિક્ષીકાની ફરિયાદ પરથી માંડા ડુંગર પાસે બાલાજી કોમ્પલેક્ષ સામે હરસિધ્ધી સોસાયટી-૩ પાસે રઘુનંદન પાર્કમાં નિલરાજ સ્કૂલ પાસે રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં જીજ્ઞેશ વૃજલાલ જોષી સામે આઇપીસી ૧૭૬, ૪૬૫, ૪૯૩ તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (૨) (૫) મુજબ ગુનો નોંધ્યો છે.

ભોગ બનનારે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું શિક્ષીકા તરીકે નોકરી કરુ છું. આજથી છએક મહિના પહેલા મારા ફોનમાં એક નંબર પરથી ફોન આવતાં રિસીવ કરતાં ફોન કરનારે 'હું મારા મીત્રને ફોન કરતો હતો અને ભુલથી તમને લાગી ગયો' તેવી વાત કરી હતી. ત્યારબાદ અઠવાડીયા પછી હું નોકરીએ જતી હતી ત્યારે એ શખ્સ મને જોવા માટે આવ્યો હતો અને મળ્યો હતો. ત્યારે પોતાનું નામ નચીકેત જણાવ્યુંહ તું. તેમજ પોતાના લગ્ન થયા નહિ હોવાનું પણ કહ્યું હતું. એ પછી અમે અવાર-નવાર ફોનમાં વાતો કરતાં હતાં. તે કાલાવડ રોડ પર રહેતો હોવાની વાત કરતો હતો અને એમ પણ કહેલ કે આપણે બંને એક જ જ્ઞાતિના છીએ જેથી લગ્ન કરી લઇએ. તેણે મારી પાસે મારા ડોકયુમેન્ટ માંગ્યા હતાં. ત્યારપછી તેણે બંનેના લગ્ન થઇ ગયાના પ્રમાણપત્રની નકલ મને બતાવી હતી.

૧૫/૧૦ના સવારે અગિયારેક વાગ્યે હું અને મારી બહેન ઘરે હતાં ત્યારે તેણે ફોન કરીને મને પ્રદ્યુમન પાર્ક પાસે બોલાવતાં હું અને મારી બહેન ત્યાં ગયા હતાં. ત્યારે તે બાઇક લઇને આવ્યો હતો અને રાજકોટથી મને બાઇકમાં બેસાડી ચોટીલા લઇ ગયો હતો. ત્યાંથી અન્ય ધાર્મિક સ્થળે લઇ ગયો હતો. જ્યાં ગયા ત્યાં ધર્મશાળાઓમાં રોકાતા હતાં અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર તે બતાવતો હતો. બાદમાં અમે શિરડી ગયા હતાં. ત્યાંની એક હોટેલમાં રોકાયા હતાં. બાદમાં જુનાગઢ આવી મધુરમ્ સોસાયટીમાં દોઢેક મહિનો ભાડે રહ્યા હતાં. નચીકેતે વચ્ચેના સમયમાં મારી સાથે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ પણ બાંધી લીધો હતો. જુદી-જુદી જગ્યાએ આવુ કર્યુ હતું. ૫/૧૨ના તે અમદાવાદ દવાખાને જવાનું કહીને એકલો નીકળી ગયા બાદ મને શંકા જતાં મેં મારા સગાને વાત કરતાં તપાસ કરતાં નચિકેતનું સાચુ નામ જીજ્ઞેશ વૃજલાલ જોષી હોવાની  ખબર પડી હતી. તે મુળ જસદણનો વતની છે અને તેની પત્નિ માંડાડુંગર પાસે રહેતી હોવાની માહિતી મળી હતી.

જીજ્ઞેશે મને પ્રેમજાળમાં ફસાવી સાચી જ્ઞાતિ અને નામ છુપાવી લગ્નના ખોટા પ્રમાણપત્ર ઉભા કરી કપટપૂર્વક પોતાના લગ્ન છુપાવી મારી સાથે મરજી વિરૂધ્ધ સંબંધ બાંધ્યો હોઇ અંતે તેના વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

થોરાળા પી.આઇ. એન. એન. ચુડાસમા, રાઇટર, ભરતસિંહ પરમાર સહિતે ગુનો નોંધ્યો છે. એસીપી બી. બી. રાઠોડની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે. પોલીસે જીજ્ઞેશને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. લગ્નનું નકલી સર્ટી કયાં કોની પાસે બનાવડાવ્યું? તે સહિતના મુદ્દે પુછતાછ થઇ રહી છે.

(12:24 pm IST)