Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ગાંધીગ્રામમાં વિજય રૂપાણીની બદનક્ષી થાય તેવા ચોપાનીયા વહેંચાયાઃ બે કોંગી કાર્યકરની ધરપકડ

પકડાયેલામાં એક પ્રકાશ જારીયા અને બીજો સગીર વયનોઃ બંનેએ કોંગી કાર્યાલયમાંથી ચોપાનીયાનો કોથળો મેળવ્યાનું કથન

રાજકોટ તા.૮: આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે વિધાનસભા-૬૯ની બેઠક પર કસોકસનો મુકાબલો થવાનો છે. એક બીજાને નીચા દેખાડવા અમુક રાજકિય કાર્યકરો છેલ્લી કક્ષાએ પણ પહોંચી ગયા છે. શુક્રવારે પોલીસે ગાંધીગ્રામના એસ. કે. ચોકમાંથી કોંગ્રેસના એક સગીર સહિત બે કાર્યકરોને ભાજપના વિધાનસભા-૬૯ના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની બદનામી થાય તેવા ચોપાનીયા બનાવીને વહેંચણી કરતાં પકડી લીધા છે. આ મામલે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચોપાનીયામાં 'વિદ્યાર્થી વિજય રૂપાણી પરિણામમાં નાપાસ' તેવું લખાણ હતું. આ બંનેએ આવા ચોપાનીયા ગાંધીગ્રામના કોંગ્રેસ કાર્યાલયમાંથી મેળવ્યાનું કહ્યું હતું.

ગાંધીગ્રામના પી.એસ.આઇ. ઓ. જે. ચીહલાએ ફરિયાદી બની ગાંધીગ્રામ-૪માં રહેતાં અને બાંધકામનું કામ કરતાં તેમજ કોંગ્રેસ કાર્યકરી તરીકે કામ કરતાં પ્રકાશ કિશોરભાઇ જારીયા (ઉ.૩૬) તથા આ વિસ્તારના જ એક ૧૬ વર્ષના સગીર સામે આઇપીસી ૪૬૯, ૧૭૧ (જ), લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૭ (ક) મુજબ ગુનો નોંધ્યો છે.

પી.એસ.આઇ. ચીહલાએ જણાવ્યું હતું કે હું તથા એએસઆઇ મહેશભાઇ લુવા, ક્રિપાલસિંહ, મુકેશભાઇ સહિતના શુક્રવારે ગાંધીગ્રામ વિસ્તારમાં ચૂંટણી અંતર્ગત પેટ્રોલીંગમાં હતાં ત્યારે એસ. કે. ચોકમાં બે શખ્સો શણના કોથળામાં કંઇક ચોપાનીયા ભરીને વહેંચણી કરતાં જોવા મળતાં શંકા ઉપજતાં અટકાવીને બંનેના નામ-સરનામા પુછ્યા હતાં. કોથળામાં રહેલા ચોપાનીયા જોતાં તેમાં વિજયભાઇ રૂપાણીની બદનામી થાય અને ચૂંટણીમાં નુકસાન થાય તેવા હેતુથી બનાવાયેલા ચોપાનીયા-લખાણ જોવા મળતાં આ બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી.

ચોનાથીયામાં લખ્યું હતું કે, 'રાજકોટ શહેર વિદ્યાલય પરિણામ-૨૦૧૭...વિદ્યાર્થી વિજય રૂપાણી પરિણામમાં નાપાસ-ધોરણ રાજકોટ વિધાનસભા-૬૯, શિક્ષક ભાજપ, વર્ષ ૨૦૧૭'. પોલીસે આવા ચોપાનીયાનો કોથળો કબ્જે લીધો હતો. જેમાં રાજકોટ શહેર વિદ્યાલયના નામવાળુ ગોળ શીલ મારેલુ હતું તેમજ નીચે પ્રિન્સીપાલના સહી-સિક્કા પણ હતાં. રાજકોટ શહેર વિદ્યાલય નામની કોઇ જ શાળા ન હોવા છતાં ખોટા નામે મુદ્રના નામ સરનામા વગરના ચોપાનીયા બનાવી ભાજપના ઉમેદવારની બદનક્ષી કરી ચૂંટણી પરિણામને હાની પહોંચાડવા ચોપાનીયાનું વહેંચાણ કર્યાનો ગુનો નોંધાયો છે.

પી.આઇ. એચ.આર. ભાટુ, પી.એસ.આઇ. ચીહલા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીભાઇ પટેલ સહિતે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા બંનેએ પોતે કોંગ્રેસ કાર્યકર હોવાનું અને ગાંધીગ્રામના કોંગી કાર્યાલયમાંથી આ ચોપાનીયા મેળવ્યાનું કહ્યું હતું.

'રાજકોટ શહેર વિદ્યાલય પરિણામ-૨૦૧૭...

વિદ્યાર્થી વિજય રૂપાણી પરિણામમાં નાપાસ-ધોરણ રાજકોટ વિધાનસભા-૬૯, શિક્ષક ભાજપ, વર્ષ ૨૦૧૭' લખેલા ચોપાનીયા વહેંચતા'તા

 

(12:24 pm IST)