Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

રાજકોટ શહેર-જિલ્લામાં ૮ મતક્ષેત્રોઃકાલે ચૂંટણી કળશ પર મતોનો અભિષેક

૨૦.૬૪ લાખ મતદારોઃ ૨૧૫૮ મતદાન મથકોઃ ૧૦ હજાર કર્મચારીઓ ફરજ પર રવાના

રાજકોટ, તા. ૮ :. રાજકોટ શહેર-જિલ્લાની ૮ બેઠકો પર આવતીકાલે શનિવારે સવારે ૮ થી ૫ વાગ્યા સુધી મતદાન થનાર છે. જેમાં રાજકોટ શહેરની ૩ બેઠકો, રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જસદણ, જેતપુર અને ધોરાજી-ઉપલેટા બેઠકનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ મતદાન પૂર્વેની તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. કાલે લોકશાહીના પર્વ નિમિતે ચૂંટણી કુંભ પર મતદારો મતોનો અભિષેક કરશે.

રાજકોટ શહેર-જિલ્લાની ૮ બેઠકો પર કુલ ૨૦ લાખ ૬૪ હજાર મતદારો છે. ૨૧૫૮ મતદાન મથકો છે. દરેક બેઠકમાં એક એક મહિલા મતદાન મથક બનાવવામાં આવ્યુ છે. ચૂંટણી ફરજ માટે ૧૦ હજારનો સ્ટાફ રોકાયેલ છે. જેને આજે સવારથી રવાના કરાયેલ છે. કાલે સવારે ૭ થી ૮ મત મશીનો પર નિદર્શન (પ્રાયોગિક મતદાન) કર્યા બાદ ૮ વાગ્યાથી મતદાન શરૂ થશે. જિલ્લા કલેકટર શ્રી વિક્રાંત પાંડે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.

(11:57 am IST)