Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સિવિલ હોસ્પિટલના વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને કાયમી કરવા માંગણી

પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનઃ તબિબી અધિક્ષકને રજૂઆત

રાજકોટ તા. ૮: સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓએ આજે હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે એકઠા થઇ સુત્રોચ્ચાર કરી તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને આવેદન પત્ર પાઠવી કાયમી કામદારોની ભરતી કરવા માંગણી કરી હતી.

આવેદન પત્રમાં જણાવાયું છે કે સિવિલમાં કોન્ટ્રાકટ બેઝ પર ભરતી થતી હોવાથી કાયમી કામદારોની ભરતી કરવામાં આવતી નથી. હાલમાં જે કર્મચારીઓ છે તેના પર કામનો બોઝો વધુ રહે છે. હાલમાં જે કામદારો ફરજ બજાવે છે તે ઓછા પગારમાં વધુ કામનો બોઝો લઇને ફરજ બજાવે છે. આ કારણે ઘરનું ગુજરાન ચલાવવામાં તકલીફો ઉભી થાય છે. સંતાનોના ભણતરનો ખર્ચ પણ કાઢી શકાતો નથી.

અમારા યુનિયનની માંગણી છે કે સરકાર દ્વારા મળવાપાત્ર તમામ લાભો અમને મળવા જોઇએ અને સરકારશ્રીએ અમારો અનુભવ ધ્યાને લઇને અમારી કાયમી કર્મચારી તરીકે ભરતી કરવી જોઇએ. જો અમારી માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ યુનિયનના નેજા હેઠળ આ રજૂઆત થઇ હતી. તસ્વીરમાં ડો. બાબા સાહેબની પ્રતિમા પાસે એકઠા થઇ સુત્રોચ્ચાર કરી રહેલા કામદારો જોઇ શકાય છે.

(3:03 pm IST)