Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ગુંદાવાડીમાં વર્ષો જૂના મકાનની દિવાલ તૂટી પડીઃ ઉંઘી રહેલા હિતેષભાઇ સુથારનું મોત

એક વજનદાર બેલુ છાતી પર પડ્યું ને બેભાન થઇ ગયાઃ ગુર્જર સુથાર પ્રોૈઢે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ તેમના પત્નિ અને બે પુત્રીઓનો બચાવઃ પરિવારમાં કલ્પાંતઃ બે રૂમ વચ્ચેની દિવાલ ધસી પડીઃ ૯૦ વર્ષ જુનુ મકાન

જેની દિવાલ તૂટી પડી તે મકાન, કાટમાળ અને વજનદાર બેલુ છાતીમાં પડતાં મોતને ભેટેલા હિતેષભાઇ જીંજુવાડીયાનો નિષ્પ્રાણ દેહ (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: શહેરના ગુંદાવાડીમાં વહેલી સવારે આશરે નેવું વર્ષ જુના મકાનમાં બે રૂમ વચ્ચેની એક દિવાલ એકાએક તૂટી પડતાં ઉંઘી રહેલા ગુર્જર સુથાર પ્રોૈઢની છાતી પર વજનદાર બેલુ-પથ્થર પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગુંદાવાડી-૧૪/૮માં રહેતાં હિતેષભાઇ બચુભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૪૯) નામના ગુર્જર સુથાર પ્રોૈઢ સવારે સાડા પાંચેક વાગ્યે ઉંઘી રહ્યા હતાં ત્યારે તેમના ઘરની બે રૂમ વચ્ચેની દિવાલ અચાનક ધરાશાયી થઇ જતાં કાટમાળનું એક બેલુ તેમની છાતી પર પડતાં બેભાન થઇ ગયા હતાં. ઘરમાં તેમના ધર્મપત્નિ કિરણબેન અને બે દિકરીઓ પણ સુતા હતાં. સદ્દનસિબે આ બધાનો બચાવ થયો હતો.

હિતેષભાઇને છાતીમાં મુંઢ ઇજા થતાં બેભાન થઇ ગયા હોઇ તાકીદે પરિવારજનોેએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યાનું તીબબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર હિતેષભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં અને ગુંદાવાડીમાં કાપડની દૂકાનમાં નોકરી કરતાં હતાં. તેમના મૃત્યુથી બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. જે બંને અભ્યાસ કરે છે. સ્વજનોના કહેવા મુજબ ખુબ જુનુ લગભગ નેવુ વર્ષ જુનુ મકાન હતું. ભારે વરસાદને પગલે દિવાલ નબળી પડી ગયાનું તારણે છે. બનાવને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં. ઘટનાથી ગુર્જર સુથાર પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(1:14 pm IST)