Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કોર્ટના આદેશ મુજબ રાત્રે ૧ર ના ટકોરે રાસોત્સવ થશે બંધ

કાયદો વ્યવસ્થા સંદર્ભે અર્વાચીન દાંડીયારાસના આયોજકોની બેઠક બોલાવી જવાબદારી ફિકસ કરતા ડીસીપી મનોહરસિંહ જાડેજા : એન્ટ્રી ગેઇટ પર ખાનગી સિકયુરીટી તૈનાત કરવા, પાર્કીગ વ્યવસ્થા ઉભી કરવા, બે થી ત્રણ એન્ટ્રી-એકઝીટ ગેઇટ રાખવા, નાઇટ વિઝન સીસીટીવી કેમેરા-રેકોર્ડીગ બેકઅપ પોલીસ સ્ટેશનને પહોંચાડવા આયોજકો માટે ફરજીયાત : અર્વાચીન રાસોત્સવમાં નશાખોરોને ઝડપી લેવા ર૦૦ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ થશે; રોમીયોગીરી ડામવા મહિલા પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવાશે

રાજકોટ, તા., ૮: બે દિવસ પછી શરૂ થઇ રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને લોકો રંગે ચંગે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે અર્વાચીન રાસોત્સવના આયોજકોની જવાબદારી ફિકસ કરવામાં આવી છે. એટલું જ નહિ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ રાતના ૧ર ના ટકોરે રાસોત્સવ બંધ કરી દેવા ડીસીપી મનોહરસિંહ જાડેજાએ તાકીદ કરી છે. ગઇકાલે રાસોત્સવના આયોજકની મીટીંગ બોલાવી ચોક્કસ ગાઇડ લાઇનને અનુસરવા જણાવવામાં આવ્યું હતું.

ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ અર્વાચીન રાસોત્સવના આયોજકોને આયોજન સ્થળની નજીક અલગથી પાર્કિગ વ્યવસ્થા ઉભી કરવા, એન્ટ્રી ગેઇટ પાસે ખાનગી સિકયુરીટી તૈનાત કરવા, કોઇ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે ખાનગી સિકયુરીટી વધુ રાખવા, એન્ટ્રી ગેઇટ તથા રાસના સ્થળે જયાં વાહન પાર્કીગ હોય ત્યાં નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા કડક સુચના આપવામાં આવી છે. સાથોસાથ સીસીટીવી રેકોર્ડીગનું બેકઅપ સબંધીત પોલીસ સ્ટેશનને દરરોજ પહોંચાડવા જણાવાયું છે. ખાનગી સિકયુરીટી ફરજ રહેલા પોલીસ સ્ટાફના સંકલનમાં રહી કાયદો-વ્યવસ્થા જાળવવા સતર્ક રહે તે માટે સુચના આપવા પણ કહેવાયું છે.

આ ઉપરાંત રાસોત્સવના સ્થળે નશાખોરોને ઝડપી લેવા ર૦૦ જેટલા બ્રેથ એનેલાઇઝરનો પોલીસ દ્વારા ઉપયોગ થશે તેમ ડીસીપી શ્રી જાડેજાએ જણાવેલ. રોમીયોગીરી અને છેડતીના કિસ્સા ઝડપી લેવા મહિલા પોલીસ દ્વારા ખાસ ટ્રેપ ગોઠવવાનો નિર્દેશ પણ તેઓએ આપ્યો હતો. નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ભાવપુર્ણ  રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પુરેપુરી વ્યવસ્થા ગોઠવવામાં આવ્યાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

(4:28 pm IST)