Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ખેડૂતોના પ્રશ્ને બપોર બાદ રાજકોટમાં મોટી રેલી

કલેકટરને આવેદન અપાશેઃ ૧૧ તાલુકાના ખેડૂતો ઉમટી પડયાઃ પાક વિમો-ઘાસચારો-સિંચાઇ-વિજળી સહિતના પ્રશ્નો

રાજકોટ તા. ૮ :.. ખેડૂતોના પ્રશ્નો વર્ષોથી ઉકેલાયા નથી. અપુરતા વરસાદ અને શાકભાજીના અપુરતા ભાવને કારણે ગામડામાં ખેડૂતોની માઠી છે.

આ પરિસ્થિતિને વાચા આપવા માટે આજે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓની રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે. બપોર બાદ આ કાર્યક્રમ યોજાયો છે.

ભારતીય કિશાન સંઘ દ્વારા સરકાર વિરોધી જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વિગતોના સંદર્ભમાં પ્રમુખ દિલીપભાઇ સખીયા જણાવ્યું હતું કે આ વર્ષે અપુરતા વરસાદને લીધે રાજકોટ જિલ્લાના ખેડૂતોની આર્થિક પરિસ્થિતી કથળતી જાય છે.

પાક વિમો, પશુઓનો ઘાસચારો, ખેતી-સિંચાઇની સ્થિતી, વિજળીનો પ્રશ્ન, વિગેરે મુદાને સાથે લઇને બપોરના ૩-૩૦ કલાકે રેસકોર્સ નજીક બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થશે. અહીંથી રેલી સ્વરૂપે સૌ ખેડૂતો જિલ્લા કલેકટર કચેરીએ પહોંચશે. જયાં આવેદન પત્ર આપી ખેડૂતોનો પ્રશ્નોનો વહેલાસર નિકાલ કરવાની માગણી કરવામાં આવશે.

(3:32 pm IST)