Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

રાજકોટ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના દુઃખમાં સરકાર વહારે : નરેન્દ્રબાપુ

રાજકોટના કડિયા સમાજના મૃતકોને મુખ્યમંત્રીની શ્રદ્ધાંજલી : પ લાખની સહાય : વિજયભાઇ રૂપાણી, અંજલિબેન રૂપાણી, મેયર બીનાબેન, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર પ્રભારી નીતિ ભારદ્વારાજ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે. મેયર અશ્વિન મોલીયા સહિતના આગેવાઓએ અગ્નિસંસ્કારમાં ઉપસ્થિત રહી મૃતકોના કુટુંબજનોને સાંત્વના પાઠવી

કડિયા સમાજ હિબકે ચડયો... : ઉતરાખંડના અકસ્માતમાં જીવ ગુમાવનારા કડિયા સમાજના ૭-૭ જ્ઞાતિજનોના સામૂહિક અગ્નિસંસ્કાર થયા તે વખતે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ : ઉતરાખંડમાં યાત્રાએ ગયેલા રાજકોટના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ૭-૭ વ્યકિતઓના અકસ્માતમાં કરૂણ મોત નિપજવાની દુઃખદ ઘટનાથી રાજકોટના કડિયા સમાજમાં શોક છવાયો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત ભાજપ સરકારે આ દુઃખદ ઘટનામાં કડિયા સમાજની વ્હારે આવી અને મૃતકોના કુટુંમ્બીજનોને સાંત્વના પાઠવી અને મૃતકોને રૂ. પ-પ લાખની સહાય જાહેર કરી છે.

આ તકે આપાગીગાના ઓટલાના મહંત પૂ. નરેન્દ્રબાપુએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, 'રાજકોટ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ઇતિહાસમાં એકીસાથે ૭-૭ વ્યકિતઓના અકસ્માતે કરૂણ મોત નિપજયાની ઘટના સૌ પ્રથમ વખત બની છે, ત્યારે સમગ્ર કડિયા સમાજ ઉંડા દુઃખમાં ગરકાવ થઇ ગયો છે. '

દરમિયાન એકીસાથે ૭-૭ વ્યકિતઓના અગ્નિ સંસ્કાર થયા ત્યારે કરૂણાસભર માહોલ સર્જાયો હતો. આંસુઓનો દરિયો વહ્યો હતો. આમ કડિયા સમાજ પર આવી પડેલી આ આપતી વખતે ખૂદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અગ્નિસંસ્કાર વખતે હાજરી આપી એટલુ જ નહીં મૃતકોને પ લાખની સહાય આપી છે.

અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ કડિયા જ્ઞાતિજનોના સ્મશાનયાત્રમાં ભાજપ મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલીયા, શાસક નેતા દલસુખભાઇ જાગાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ભાજપ અગ્રણી અને સુરેન્દ્રનગરના પ્રભારી નીતિનભાઇ ભારદ્વારા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા વગેરે આગેવાનોએ હાજરી આપી. સદ્ગતના કુટુમ્બીજનોને સાંત્વના પાઠવી હતી.

(1:56 pm IST)