Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ગંગોત્રી પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલ રાજકોટના યાત્રિકોના પરિવારજનોને મળી સાંત્વના આપતાં મુખ્યમંત્રી વિજયભાઈ

અકસ્માતનો ભોગ બનનાર છ પરિવારોને પરિવાર દીઠ પાંચ- પાંચ લાખની સહાય જાહેરકરતા રૂપાણી

રાજકોટ:રાજકોટના કડિયા પરિવારના ૧૫ કુટુંબીજનો ગત તા. ૩૦ સપ્ટેમ્બરે ચાર ધામની યાત્રાએ નીકળેલા હતા. તેઓએ પરમદિવસે ગંગોત્રી ખાતેથી દર્શન કર્યા બાદ આગળની યાત્રા દરમિયાન ગમખ્ગાર અકસ્માત સર્જાતા કુલ દસ વ્યકિતઓના મૃત્યુ થયેલ હતા. આ દુઃખદ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મૃત્યુ પામેલ યાત્રિકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. અને દુઃખમાં સહભાગી બન્યા હતા.

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે અકસ્માતનો  ભોગ બનનાર છ પરિવારોને કુટુંબ દીઠ રૂપિયા પાંચ-પાંચ લાખની રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરી હતી.

   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મને અકસ્માતના સમાચાર મળતા રાજ્યના મુખ્યસચિવને ઉત્તરાખંડ રાજ્ય સરકાર અને ભારત સરકારનો ઝડપભેર સંપર્ક કરીને અકસ્માતના સ્થળે જેટલા લોકો બચી શકે તેટલા લોકોને બચાવવા સુચના આપી હતી અને જે કંઇ ખર્ચ થાય તે રાજ્ય સરકાર ભોગવશે અને અકસ્માતમાં મૃત્યુ પામનાર યાત્રિકોના પાર્થિવ દેહને રાજકોટ લાવવા એરફોર્સના વિમાનની વ્યવસ્થા કરી હતી.

   મુખ્યમંત્રીએ પરીવારજનોને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે, આ ખુબ જ દુઃખદ ઘટના છે. તમારા દુઃખમાં અમે તમારી સાથે છીએ, ઇશ્વર પાસે આપણું કંઇ ચાલતું નથી, હરીઇચ્છા બળવાન છે, આપણે મકકમ બનવું પડશે અને હિંમત રાખવી પડશે, ઇશ્વર સદગતોના આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના છે.

આ પ્રસંગે ગુજરાત પછાત વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય  અરવિંદભાઇ રૈયાણી, અગ્રણીઓ શ્રીમતિ અંજલીબેન રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

(9:56 pm IST)