Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

દિલ્‍હી ખાતે રાજકોટની મુસ્‍કાન કુરેશી અને રૂતુ ધીંગાણી હોકી ટુર્નામેન્‍ટમાં અમ્‍પાયરિંગ કરશે

પ્રીનેશનલ કેમ્‍પમાં ૩૦ મહિલા હોકી ખેલાડીઓનું આગમનઃ ૧૩ દિવસ ચાલશે કેમ્‍પ

રાજકોટઃ દરેક ખેલાડીનું રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ રમતોમાં દેશનું પ્રતિનિધિત્‍વ કરવાની અને અમ્‍પાયરિંગ તેમજ કોચ બનવાનું અંતિમ લક્ષ્ય હોય છે. ત્‍યારે રાજકોટની બે યુવા મહિલા હોકી ખેલાડી નેશનલ લેવલે રમી ચુકી છે અને હવે સમગ્ર ગુજરાતમાંથી ‘‘ખેલો ઇન્‍ડિયા'' કાર્યક્રમમાં અમ્‍પાયરિંગ માટે પસંદગી પામી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજકોટના મહાનગરપાલિકા સંચાલિત મેજર ધ્‍યાનચંદ હોકી ગ્રાઉન્‍ડ ખાતે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેક્‍ટિસ કરતી મુશ્‍કાન કુરેશી અને રૂતુ ધીંગાણી સામાન્‍ય પરિવારમાંથી આવે છે. તેઓએ સ્‍વપ્નેય વિચાર્યું નહોતું કે ભવિષ્‍યમાં તેઓ ગુજરાત વતી નેશનલ ગેમ્‍સમાં ભાગ લેશે. એ સ્‍વપ્ન પૂર્ણ થવાની સાથોસાથ કોચ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ તેઓ અમ્‍પાયરિંગ માટે પણ  પ્રેકિટસ કરતી હતી. હોકી ફેડરેશન દ્વારા અમ્‍પાયરિંગ માટે લેવાતી પરીક્ષામાં તેઓ પાસ થતા ‘‘ખેલો ઇન્‍ડિયા - ૨૦૨૨'' માં દિલ્‍હી ખાતે અમ્‍પાયરિંગ માટે પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ ખાતે ગુજરાત હોકી દ્વારા આયોજિત પ્રી નેશનલ કેમ્‍પમાં ૩૦ મહિલા હોકી ખેલાડીઓનું આગમન આગામી તા. ૧૦ સપ્‍ટેમ્‍બર થી ૧૩ દિવસ માટે પ્રી નેશનલ હોકી કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.  જેમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહિતના જિલ્લામાંથી હોકી મહિલા ખેલાડીઓ આવી પહોંચ્‍યા છે.  આ કેમ્‍પ બાદ ગુજરાત હોકી ટીમ માટે ૧૮ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જેઓ નેશનલ ગેમ્‍સમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે તેમ કોચ મહેશ દિવેચાએ જણાવ્‍યું  છે.

(4:49 pm IST)