Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સોમવારે સામાકાંઠાના પોણો લાખ લોકો તરસ્યા રહેશે : ૨ વોર્ડમાં પાણીકાપ

વોર્ડ નં. ૬, ૧૫ના દૂધસાગર પમ્પીંગ સ્ટેશન આધારિત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે : આજી ફિલ્ટર પ્લાન્ટ પર ફલોમીટરની કામગીરી હાથ ધરાશે : વોટર વર્કસ શાખાની સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. ૮ : શહેરના પાણીના ઓવરહેડ ટાંકાઓ અને વોટર ફિલ્ટર પ્લાન્ટ પર જળાશયો અને નર્મદા યોજનાથી આવતા અને ત્યાંથી અન્ય ઝોનમાં જતા પાણીનું ચોક્કસપૂર્વક માપ અને તે પણ ઓનલાઇન રાખવા કોર્પોરેશનએ ફલોમીટર મુકવા હાથ ધરેલી કાર્યવાહીના નામ પર એક મહિનામાં ત્રણ વખત ન્યુ રાજકોટના વિસ્તારોમાં પાણીકાપ લગાવવામાં આવ્યો છે.

દરમિયાન સોમવારે તા. ૧૦ના અડધા વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં નહી આવે તેવી સત્તાવાર જાહેરાત વોટર વર્કસ વિભાગના ઇજનેર દ્વારા કરવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજી ફિલ્ટર પ્લાન્ટ પરથી આવતી ૩૫૦ એમ.એમ.ડાયા.ની પાઇપલાઇન પર સ્કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય ત્યારે તા. ૧૦ના સોમવારે વોર્ડ નં. ૬, ૧૫ના દુધસાગર પમ્પીંગ સ્ટેશન આધારિત અડધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. અત્રે નોંધનીય છે કે, ઉપરોકત કામગીરી અંતર્ગત તા. ૫ અને તા. ૧૭ અને ૨૪ ઓગષ્ટના રોજ વોર્ડ નં. ૧, ૨, ૮, ૯, ૧૦, ૧૧ તથા ૧૩ સહિતના ૭ વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો હતો.

(4:18 pm IST)