Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવે તેવી શકયતાઃ ૨જી ઓકટોબરે મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ તેઓના હસ્તે થાય તેવા પ્રયાસો

રાજકોટ, તા. ૮ :. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ઓકટોબર મહિનામાં રાજકોટ આવે તેવી શકયતાઓ રાજ્ય સરકાર અને ભાજપના વર્તુળો દર્શાવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ ચાલુ મહિનાના અંતમાં અથવા ઓકટોબરના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવે તેવી શકયતા છે. વડાપ્રધાન શ્રીના હસ્તે રાજકોટમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા નિર્માણ થઈ રહેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ગાંધી મ્યુઝીયમ એટલે કે મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ કરાવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે.

શહેર ભાજપ વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી ઓકટોબર મહિના દરમિયાન ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે ત્યારે આ દરમિયાન ૨જી ઓકટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે રાજકોટની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા રૂ. ૨૬ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ અતિ આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર કે જેમા પૂ. બાપુની જીવન ઝરમર અંગેનું કાયમી પ્રદર્શન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ગાંધી મ્યુઝીયમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થાય તે માટે રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે અને આ બાબતે તેઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈને રૂબરૂ મળી નિમંત્રણ પાઠવનાર હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે, ૩૧મી ઓકટોબરે નર્મદા ડેમ કેવડીયા કોલોની ખાતે નિર્માણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા વડાપ્રધાન આવી રહ્યા છે.(૨-૨૪)

(4:16 pm IST)