Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

મર્કઝ યુનિવર્સિટી ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધારશેઃ ડો. અઝહરી

કેરલની વિરાટ શૈક્ષણિક-સેવા સંસ્થાના ડાયરેકટર'અકિલા'ની મુલાકાતેઃ કેરલમાં રૂ.૩૦૦૦ કરોડના ખર્ચે નોલેજ સિટીનું નિર્માણઃ કેજીથી માસ્ટર્સ સુધીના અભ્યાસક્રમોઃ ૩પ૦૦૦ છાત્રોઃ ગુજરાતમાં ગોંડલમાં સ્કુલ ચલાવે છેઃ અન્ય છ સ્કુલ અને ભરૂચમાં હોસ્પિટલ નિર્માણનું આયોજનઃ કોમી એકતા મુખ્ય ધ્યેયઃ સંસ્થાની ગૌશાળા પણ ધમધમે છે.

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મર્કઝ યુનિવર્સિટી-કેરલના ડાયરેકટર ડો. અબ્દુલ હકીમ અઝહરી, સંસ્થાના ગુજરાતના હેડ અને મુસ્લિમ સમાજના આગેવાન યુસુફભાઇ જુણેજા, રાજકોટ-સૌરાષ્ટ્રના હેડ બશીરભાઇ, ગોંડલ સ્કુલના મેનેજર મૌલાના બાશિત્ પ્રિન્સીપાલ ઉબૈદ ઇબ્રાહીમ, મરચન્ટ એસો.ના શોઇદ મૌલાના વગેરે નજરે પડે છ.ે(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮ :.. કેરલની વિરાટ શૈક્ષણીક સંસ્થા માર્કઝ નોલેજ સીટી- યુનિવર્સિટી ગુજરાતમાં શૈક્ષણીક અને સેવાકાર્ય વિસ્તારશે. તેમ ડો. અબ્દુલ હકીમ અઝહરીએ જણાવ્યું હતું. ડો. અઝહરી માર્કઝ યુનિ. ના ડાયરેકટર છે. તેઓ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં.

કેરલમાં શૈક્ષણીક અને સેવાક્ષેત્રનું વિશાળ નેટવર્ક ધરાવે છે. ૧ર૦ એકર જમીન પર રૂ. ર૦૦૦ કરોડના ખર્ચે નોલેજ સીટી નિર્માણ થયું છે. અહીં વિવિધ ફેકલ્ટીનું શિક્ષણ-કાર્ય ધમધમે છે. કેજીથી માંડીને માસ્ટર્સ સુધીના ૩પ૦૦૦ છાત્રો-છાત્રાઓ શિક્ષણ મેળવે છે. ડો. અઝહરીએ જણાવ્યું હતું કે, કૌમી એકતા અમારો મુખ્ય ઉદેશ છે. શિક્ષણ સંસ્થામાં કોઇપણ વ્યકિત શિક્ષણ મેળવી શકે છે. ઇસ્લામ-હિન્દુ-ખ્રિસ્તી જેવો કોઇ ભેદ નથી. તમામ ધર્મના છાત્રો છે અને શિક્ષકો પણ છે.

તાજેતરમાં કેરળમાં વિનાશકારી પૂરમાં નુકસાન ખૂબ જ થયું છે. ડો. અઝહરી કહે છે કે, ગુજરાત સહિત દેશભરમાંથી સહાય મળી છે. અમે બધાંના આભારી છીએ. આ વિનાશકારી પૂરમાં જાનહાની ખૂબ થઇ હોત, પરંતુ કેરલમાં નાત-જાત-ધર્મના ભેદ વગર તમામ લોકો બચાવ-રાહતમાં લાગી ગયા હતા તેથી મૃત્યુઆંક ઓછો થયો છે. માર્કઝ નોલેજ સિટી દ્વારા સમાજ સેવાનું પણ મોટું કામ થાય છે. પૂર પ્રસંગે સંસ્થાના ૧૦,૦૦૦ સ્વયંસેવકો સેવામાં લાગી ગયા છે. ઉપરાંત દરેક ગામમાં સાંત્વન ભવનો નિર્માણ કરાયા છે. ડો. અઝહરી કહે છે કે,  મોટી કુદરતી આફત કેરલ પર આવતા અમે  નિર્ણય કર્યો છે કે, સ્વયંસેવકોનું નેટવર્ક રપ૦૦૦ સુધી લઇ જવાશે.

ડો. અઝહરી કહે છે કે, ગુજરાતમાં ૧૧ વર્ષ પૂર્વે ગોંડલમાં સ્કૂલની સ્થાપના અમે કરી હતી. આ સ્કુલમાં કોઇપણ પ્રકારના ભેદભાવ વગર ઉત્તમ રીતે શૈક્ષણીક કાર્ય ચાલે છે. માર્કઝ યુનિવર્સિટી ગુજરાતમાં શૈક્ષણીક અને અન્ય પ્રવૃતિ વિકસાવવા આયોજન કર્યુ છે. અન્ય છ શૈક્ષણીક સંસ્થાઓ તથા ભરૂચમાં વિરાટ હોસ્પિટલના નિર્માણનું આયોજન થયું છે.

તેઓ કહે છે કે, ગુજરાતમાં માહોલ સારો છે. મુસ્લિમ સમાજમાં શિક્ષણ ઓછું છે, જે વધારવાની જરૂર છે. નવી પેઢીએ  શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

ડો. અઝહરીએ જણાવ્યું  હતું કે, મર્કન્ડ દ્વારા ' રોજનામા' નામનું દૈનિક પત્ર નીકળે છે. જેની કેરલમાં ચાર આવૃતિ છે. ઉપરાંત દુબઇ- ઓમાનથી પણ નીકળે છે. સંસ્થા દ્વારા અનાથાલયો ચાલે છે. ૫૦૦૦ જેટલાં અનાથ બાળકોનું ભરણ પોષણ થાય છે. રાજકોટમાં પણ અનાથાલયની શાખા છે.

ડો. અઝહરીના પિતાશ્રી શેખ અબુ બકર અહમદે શિક્ષણ-સેવાક્ષેત્રે મોટું કામ આદર્યું હતું. આ કામ ખુબ વિસ્તર્યું છે.

ડો. અઝહરી કહે છે કે, કુરાનનો પ્રથમ શબ્દનો અર્થ થાય છે, ''વાંચો'' નોલેજ-જ્ઞાન લેવાની વાત પ્રથમ શબ્દમાં થઇ છે. ઉપરાંત ઇસ્લામનો મુખ્ય વિચાર શાંતિ છે. ઇસ્લામે પર્યાવરણને પણ ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. મદિના શહેરમાં વૃક્ષ-વનસ્પતિ કાપવાની મનાઇ છે, આ કાયદો ૧૪૦૦ વર્ષથી અમલમાં છે.

ડો. અઝહરી આગળ જણાવે છે કે, કુરાનમાં ગાયના મહત્વને આલેખતા બે પ્રકરણો છે. માર્કઝ યુનિવર્સિટી ગોૈશાળા ચલાવે છે. ૧૦,૦૦૦ બાળકોને ગાયનું દૂધ આપવામાં આવે છે. ઉપરાંત સંસ્થા ઘેર-ઘેર ગાયનું પાલન કરવા ગાય આપે છે.

આ મુલાકાત પ્રસંગે સંસ્થાના ગુજરાતના હેડ તથા મુસ્લિમ સમાજના આગેવાન યુસુફભાઇ જુણેજા, ગોંડલ સ્કૂલના મેનેજર મોૈલાના બાશિતજી, રાજકોટ-સોૈરાષ્ટ્રના હેડ બશીરભાઇ તથા ગોંડલ સ્કૂલના પ્રિન્સીપાલ ઉબૈદ ઇબ્રાહીમ, મરચન્ટ એસો.ના શોઇદ મૌલાના વગેરે ઉપસ્થિત રહયા હતા. (પ-૩૦)

 

(4:09 pm IST)